26th January selfie contest

ગુજરાત પોલીસનું મોબાઇલ ગર્વનન્સ ક્ષેત્રે નવતર કદમ: ‘પોકેટ કોપ પ્રોજેકટ’ લોન્ચ 

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાત પોલીસના ટેકનોસેવી અભિગમથી પોલીસ દળની કાર્યદક્ષતા કાર્યસજ્જતામાં થયેલા વધારાને કારણે રાજ્યમાં શાંતિ-સલામતી-સુરક્ષા જળવાઇ રહ્યા છે.

પોલીસ દળને ‘સ્માર્ટ યુગ’ પ્રત્યે અભિપ્રેત કરવાના નવતર અભિગમ પોકેટ કોપ પ્રોજેકટનું મુખ્યમંત્રી ગાંધીનગરમાં રાજ્યવ્યાપી લોન્ચીગ કરવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા.

આ પોકેટ કોપ પ્રોજેકટ અંતર્ગત રાજ્યમાં દરેક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ, તપાસ અધિકારી, પી.સી.આર.વેન અને પાસપોર્ટ વેરીફીકેશન કામગીરી સંભાળતા પોલીસ કર્મીઓને 4900 સ્માર્ટ મોબાઇલ ફોન ડેટા કનેકટીવીટી સાથે અપાશે.

આ સ્માર્ટ ફોનમાં 68 લાખથી વધુ ગૂન્હાહિત રેકર્ડ ધરાવતી વ્યકિતઓ-ગૂન્હેગારોની માહિતી સહિતનો ડેટા બેઇઝ આંગળીના ટેરવે ઉપલબ્ધ થવાનો છે.
મુખ્યમંત્રીએ આ પોકેટ કોપ પ્રોજેકટમાં અપાનારા મોબાઇલ ફોનને પરિણામે પોલીસ કર્મીઓની કાર્યદક્ષતાની વૃધ્ધિ સાથે ગૂન્હેગારોનો રેકર્ડ હાથવગો રહેતાં ગૂનાખોરી પર નિયંત્રણ આવશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

તેમણે કહ્યું કે, આવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ પોલીસ દળમાં થવાથી ગૂનેગારોની હિંમત તૂટશે અને ગૂનો આચરતાં કાંપશે. ગુજરાત દેશમાં શાંત-સલામત સુરક્ષિત રાજ્ય તરીકે શિરમૌર છે તે વધુ ઉન્નત બનશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત-પોલીસ સાઇબર ક્રાઇમ સહિતની સંકીર્ણ થતી જતી ગૂનાખોરી સામે સખ્તાઇથી પેશ આવી છે તેની સરાહના કરતાં કહ્યું કે પાછલા દિવસોમાં હિરા-ઝવેરાત લૂંટ, સોનાની લૂંટ, આંગડીયા પેઢી લૂંટ જેવા મોટા ગૂનાઓ પોલીસ દળે ગણતરીના સમયમાં ઉકેલીને તેની સજ્જતાનો પરિચય આપ્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સી.સી.ટી.વી. સર્વેલન્સ નેટવર્કને પરિણામે ડિટેકશન રેઇટ વધ્યો છે.

તેમણે આગામી ત્રણ મહિનામાં રાજ્યના તમામ જિલ્લાઓને સી.સી.ટી.વી નેટવર્કથી સાંકળી લેવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ આ વેળાએ કરી હતી.
ગુજરાતે ઇ-મેમોની પહેલ મહાનગરોમાં કરી છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હવે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના કેસોમાં ઇ-મેમો-ચલણથી દંડાત્મક કાર્યવાહી વધુ સરળ બનવાની છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક રૂપે રાજ્યના વિવિધ જિલ્લાના પોલીસ અધિકારી-કર્મીઓને આ સ્માર્ટ ફોન અર્પણ પણ કર્યા હતા.

ગુજરાત પોલીસ સ્‍માર્ટ છે અને શાર્પ પણ છે. તેમના હાથમાં હવે ગુનેગારોના ડેટા સાથેનો મોબાઇલ ફોન હશે એટલે ગણતરીની સેકન્‍ડોમાં ક્રાઇમ ડિટેકશન કરી શકશે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એમ કહીને ઉમેર્યું હતું કે, મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્‍વમાં ગુજરાત વિકાસના ફાસ્‍ટ ટ્રેક પર છે. 21મી સદીમાં ગુજરાત અને ગુજરાત પોલીસે ટેકનોલોજીના ઉપયોગથી અલગ ઓળખ ઉભી કરી છે. ક્રાઇમ રેટ પર પણ કંટ્રોલ આવ્‍યો છે. સ્‍માર્ટ સિટી અંતર્ગત 300 કરોડથી વધુના ખર્ચે રાજ્યના શહેરી વિસ્‍તારોમાં સી.સી.ટી.વી. નેટવર્ક ઉભું કરીને ગુનાઇત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવામાં આવ્‍યો છે.

આગામી દિવસોમાં 6 પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો અને 33 જિલ્‍લાઓમાં સી.સી.ટી.વી. નેટવર્ક કાર્યરત કરાશે. જેનાથી ક્રાઇમ ડિટેકશન અને પ્રિવેન્‍શનમાં નોંધપાત્ર સફળતા મળશે. તેમણે ઉમેર્યુ કે આ પોકેટ કોપથી આ વ્‍યવસ્‍થાથી ગુજરાતના નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન જેવી ઉત્તમ સેવાઓ ઝડપથી મળશે.

પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે, ગુજરાત પોલીસમાં ગત વર્ષે ૧૮,૦૦૦ જેટલી નિમણૂંકો કરાઇ છે. આ વર્ષે 5,500 નવી નિમણૂંકો કરાશે. નવી નિમણૂંક પામી રહેલા કર્મીઓ સારો અભ્‍યાસ અને સારી કૂનેહ ધરાવે છે, એટલું જ નહીં ટેકનોસેવી છે. તેમણે એમ ઉમેર્યું હતું કે, પોકેટ એપ એ નવું હથિયાર છે જેના વડે ગુજરાત પોલીસ ઉચ્‍ચ પ્રકારનું કામ કરે એવી શુભેચ્‍છાઓ.

મુખ્‍ય સચિવ ડૉ. જે. એન. સિંઘે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે વર્ષ 2013માં CCTNS અંતર્ગત e-Gujcop પ્રોજેક્ટ લોન્‍ચ કરવામાં આવ્‍યો હતો. આ CCTNS હેઠળના e-Gujcop પ્રોજેક્ટના અમલીકરણમાં 95.92 ટકા સાથે અપગ્રેડેશનમાં ગુજરાત નંબવર વન રાજ્ય છે. જે આપણા માટે ગૌરવની વાત છે. CCTNS અંતર્ગત ગુનેગારોની તમામ માહિતી-ડેટા તમામ પોલીસ સ્‍ટેશનમાં ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.

ગૃહ વિભાગના અધિક મુખ્‍ય સચિવ એમ. એસ. ડાગુરે ગૃહ વિભાગ માટે આજના દિવસને ખૂબ જ અગત્‍યનો છે તેમ કહી જણાવ્‍યું હતું કે, આ નવી પોકેટ કોપના અમલથી પ્રજાલક્ષી સેવાઓ ઘર બેઠા ઉપલબ્‍ધ કરાવવાનો આ પ્રથમ કદમ છે. આ સાથે અન્‍ય સેવાઓ પણ જોડવામાં આવશે.

આ માટેનો સફળ પ્રયોગ સૌપ્રથમ ગાંધીનગરમાં કરવામાં આવ્‍યો હતો. જેમાં 2100 નાગરિકોના પાસપોર્ટનું સફળ વેરિફિકેશન ઘર બેઠા કરવામાં આવ્‍યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. આ લોન્‍ચિંગ પ્રસંગે મુખ્‍યમંત્રી અને ગૃહમંત્રીના હસ્‍તે પોલીસ અધિકારીઓને સ્‍માર્ટ ફોન આપવામાં આવ્‍યા હતા.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ જહાએ આભાર વ્‍યક્ત કરતા કહ્યું હતું કે, આ પોકેટ કોપના માધ્‍યમથી નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન જેવી સુવિધાઓ ઘરબેઠા ઉપલબ્‍ધ કરાવાશે તેમજ ગુન્‍હેગારોની ઓળખ અને ગુન્‍હાઓ ઝડપી ઉકેલી શકાશે.

ઉચ્‍ચ પોલીસ અધિકારી ડૉ. સમશેરસિંઘે પોકેટ કોપ પ્રોજેક્ટનું પ્રઝેન્‍ટેશન રજૂ કરી તેની વિગતો આપી હતી.

બાયસેગની મદદથી રાજ્યભરના 1100થી વધુ પોલીસ સ્‍ટેશનમાં 18,000થી વધુ પોલીસ કર્મીઓએ આ લોન્‍ચિંગ કાર્યક્રમ જીવંત નિહાળ્યો હતો. આ પ્રસંગે ગૃહવિભાગના અને પોલીસ દળના ઉચ્‍ચ અધિકારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp