મહાઠગ કિરણ પટેલની પત્નીને પણ હવે પોલીસે પકડી પાડી, જાણો શું છે મામલો

PC: twitter.com/drmalinipatel/photo

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભરૂચના જંબુસરથી ધરપકડ કરી છે અને માલિનીને પુછપરછ માટે અમદાવાદ લાવવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મંત્રીના ભાઇએ કિરણ પટેલ અને માલિની પટેલ સામે છેતરપિંડીના કેસમાં પોલીસ ફરિયાદ કરી હતી ત્યારથી માલિની ફરાર હતી.

છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં રહેલા મહાઠગ કિરણ પટેલે કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરીટી મેળવી હતી અને બુલેટ પ્રુફ કારમાં ફરતો હતો, પરંતુ એ પછી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. કિરણ પટેલ પકડાયા પછી તેના બીજા કરતૂતો પણ બહાર આવી રહ્યા છે.

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઇ જગદીશ ચાવડા સાથે પણ કિરણ પટેલે છેતરપિંડી કરી હતી તેમનો બંગલો પચાવી પાડ્યો હતો. જગદીશભાઇએ એ પછી કિરણ પટેલ અને માલિની પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી, ત્યારથી  માલિની ફરાર હતી. પોલીસને બાતમી મળી હતી કે માલિની જંબુસરમાં કોઇ સબંધીના ઘરમાં છુપાયેલી છે એટલે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ માલિનીની જંબુસરથી ધરપકડ કરીને અમદાવાદ લઇ આવી છે. કિરણ પટેલને પણ પુછપરછ માટે અમદાવાદ લાવવામાં આવશે.

ગુજરાતના પૂર્વ મંત્રીના ભાઇ જગદીશ ચાવડાઓનો અમદાવાદના સિંધુભવન રોડ જગદીશપૂરમ બંગલો હતો. ઓગસ્ટ 2022માં તેમણે આ બંગલો વેચવા માટે સગા સંબંધીઓને વાત કરી હતી અને આ વાત મહાઠગ કિરણ પટેલ સુધી પહોંચી હતી. કિરણ પટેલે જગદીશભાઇના પત્ની ઇલાબેનને ફોન કરીને કહ્યું હતું કે, હું પ્રોપર્ટી લે-વેચનું કામ કરું છું. એ પછી કિરણ સીધો બંગલે પહોંચી ગયો હતો અને જગદીશ ચાવડા અને તેમના પત્ની ઇલા બેનને સલાહ આપી હતી કે જો આ બંગલાનું રિનોવેશન કરાવશો તો  સારી કિંમત મળશે.

બીજા દિવસે કિરણે જગદીશ ચાવડાને સિંધુભવન રોડ પર આવેલા ટી પોસ્ટમાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને જગદીશભાઇને કહ્યું હતું કે તે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ક્લાસ-1 ઓફીસર છે અને ટી પોસ્ટમાં ભાગીદાર છે. સાથે કિરણે કહ્યું હતું કે, તેને ઇન્ટરિયરના કામમાં ખુબ રસ છે.

કિરણની વાત પર વિશ્વાસ આવતા જગદીશભાઇએ પોતાના બંગલાના રિનોવેશનનું કામ કિરણને સોંપ્યુ હતુ. રિનોવેશન ચાલતું હોવાથી જગદીશભાઇ બીજા શિફ્ટ થયા હતા. એ દરમિયાન કિરણ પટેલે પોતાના નામની તખ્તી બંગલાની બહાર લગાડી દીધી હતી. જ્યારે જગદીશભાઇને જાણ થઇ તો કિરણ પટેલે કહ્યુ કે, આ બંગલો મારે જ ખરીદવો છે અને એક મોટું પેમેન્ટ આવવાનું છે એટલે તરત તમને પેમેન્ટ આપી દઇશ.

પરંતુ જગદીશભાઇને શંકા જતા તેઓ ફરી બંગલે રહેવા આવી ગયા હતા. થોડા દિવસ પછી જગદીશભાઇને કોર્ટની નોટીસ મળી હતી. જેમાં કિરણ પટેલ અને માલિની પટેલે દાવો કર્યો હતો કે આ બંગલો તેમનો છે અને જગદીશભાઇએ છેતરપિંડી કરી છે. જગદીશભાઇ તો નોટિસ જોઇને ચોંકી ઉઠ્યા હતા અને એ પછી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp