દારૂબંધીના રાજકારણને લઇ હવે પોલીસ જાગી, શરૂ કરી દરોડાની કાર્યવાહી

PC: youtube.com

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના દારૂબંધીના એક નિવેદને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. રાજકીય પક્ષો હવે તમામ મુદ્દાઓ છોડીને દારૂબંધીના મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. સાશક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. દારૂબંધીનું નિવેદન થતાની સાથે જ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા દારૂના અડ્ડાઓ પર પોલીસને રેડ કરીને દારૂના જથ્થાનો નાશ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્ય પોલીસવડા દ્વારા આદેશ કરવામાં આવતા અમદાવાદ પોલીસે અમદાવાદના બાપુનગર, સરદારનગર અને સરખેજ વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવી હતી.

મહત્ત્વની વાત એ કહી શકાય કે, આ એવી જગ્યાઓ છે કે જ્યા ઠેર-ઠેર દારૂની હાટડીઓ ચાલી રહી છે અને સમયાંતરે પોલીસ દ્વારા આ જગ્યાઓ પર રેડ કરવામાં આવે છે, અન્ય દિવસોમાં આ જગ્યાઓ પર બેફામ રીતે દારૂનું વેચાણ થાય છે પરંતુ જ્યારે પોલીસની રેડ આ જગ્યાઓ પર પડે ત્યારે એકદમ નહીંવત દારૂ પોલીસના હાથે પકડાય છે. આ ત્રણ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા બુટલેગરોના ઘરમાં પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ પોલીસને કઈ પણ મળી આવ્યું ન હતું.

એક રિપોર્ટ અનુસાર સરદારનગરમાં આવેલા છારાનગરમાં 1 PI, 20 PSI અને 100 કરતા વધુ પોલીસકર્મીઓ દ્વારા કુખ્યાત બુટલેગરોના ઘરમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પોલીસને 15 બેરલ દેશી દારૂ મળી આવ્યો હતો. બાપુનગરમાં પોલીસે દરોડા પાડ્યા હતા પરંતુ પોલીસને આ દરોડામાં કઈ પણ મળી આવ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી 16 ઓક્ટોબર સુધી ચાલશે અને પોલીસ દ્વારા કેટલીક ટીમો બનાવીને દરરોજ શહેરના અલગ-અલગ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ રેડ પરથી સવાલોએ થઇ રહ્યા છે કે, દારૂબંધી મુદ્દે રાજકારણ શરૂ થયા પછી જ પોલીસને દારૂની ભઠ્ઠીઓની ખબર પડી? હવે જોવાનું એ રહે છે કે, 16 ઓક્ટોબર સુધીમાં પોલીસ દ્વારા કેટલી જગ્યા પર રેડ કરવામ આવે છે અને કેટલો દારૂ પકડવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp