26th January selfie contest

'ચાય પે ચર્ચા' કરવા માટેના પત્રમાં ડૉ.તોગડીયાએ PM મોદીને શું-શું યાદ દેવડાવ્યું?

PC: punjabkesari.in

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યવાહક પ્રમુખ પ્રવીણ તોગડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાંબોલચક પત્ર લખ્યો છે. આ પત્રમાં તોગડીયાએ વડાપ્રધાનને યુવાની કાળથી લઈ 2002 સુધીની બન્નેની સંગઠન અને હિન્દુઓ પ્રત્યેની આસ્થા-નિષ્ઠા અને વચનબધ્ધતાની યાદ દેવડાવી છે. ડૉ.તોગડીયાના પત્રના અંશો અહીં આપ્યા છે તો ફોટો કોપીમાં આખો પત્ર વાંચી શકો છે. 

ડૉ.તોગડીયાએ પત્રનો પ્રારંભ કંઈક આવી રીતે કર્યો કે સપ્રેમ નમસ્કાર, ભાઈ, ઘણો સમય થઈ ગયો આપણા બન્નેનો દિલથી વાર્તાલાપ થયો નથી. 1972થી લઈ 2005 સુધી નિક્ટતાથી વારંવાર થજો હતો. સમયે સમયે દેશના, ગુજરાતના અને આપના જીવનમાં પણ જે જે પ્રશ્નો ઉભા થતા ગયા આપણે બન્નેએ સાથે રહીને ઘણું કામ કર્યું છે. આપત્તિકાળ વખતે દિવાલો પર અંધારામાં બે પ્રકાશ, અટલબિહારી ઔર જય પ્રકાશ.

ડૉ.તોગડીયાએ લખ્યું છે કે તમે અને હું અને આપણા જેવા લાખો સ્વંયસેવકો આ જાણે જ છે છતાં પણ હું આજે ફરીથી આ તમને લખી રહ્યો છું, કારણ કે ભાઈ, તમારો અને મારો આ બધા વિષયો પર વાર્તાલાપ રહ્યો નથી. મિત્રતા અને મોટા ભાઈના સંબંધે આપણી અનેક વિષય પર ખુલીને ચર્ચા થતી હતી. આ બધું 2002થી ઓછું થતું ગયું. જ્યારે હિન્દુઓને ગુજરાતની જેલમાં ધકેલવામાં આવ્યા અને 300 જેટલા હિન્દુઓ ગુજરાત પોલીસની ગોળીઓથી માર્યા ગયા.

ડૉ.તોગડીયાએ લખ્યું કે આ પત્રમાં આપેલા મુદ્દા પર તમારી સાથે વાર્તાલાપ કરવા માંગું છું. અને જલ્દી સમય આપશો તેવો વિશ્વાસ છે. સત્તા મળતાની સાથે જ તમે અમારાથી અને મૂળ વિચારધારાથી દુર થઈ ગયા છતાં પણ અમારા દિલમાં આજે પણ તે જ વાર્તાલાપની આશા છે. થોડી અમારા જેવા જૂના મિત્રો સાથે પણ ચાય પે ચર્ચા થાય. જે છેલ્લા 13 વર્ષથી તમારા તરફથી એક તરફી રોકાયેલી છે. આપણે સાથે ચર્ચા કરી દેશ માટે અચ્છે દિન લાવી શકીએ છીએ અને ગુજરાતમાં આપણે આ સાથે રહીને પણ કરી બતાવ્યું છે.

ડૉ.તોગડીયાએ પત્રની સાથે જે મુદ્દા ઉપસ્થિત કર્યા તે આ છે.

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવા સંસદમાં કાયદો લાવવામાં આવે

ગૌવંશ હત્યાબંધીનો રાષ્ટ્રીય કાયદો.

ગૌરક્ષકોને ગુંડા કહી તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવાના કેન્દ્ર સરકારે રાજ્યોને આપેલા આદેશ અને એડવાઈઝરીને પાછી લેવી

સમાન નાગરિક સંહિતા. ટ્રીપલ તલાક જ નહી પણ બહુપત્નીત્વ અને અમર્યાદિત બાળકોની સંખ્યા વધારવાનું પણ બંધ થાય

જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 અને ધારા 35-એ હટાવવામાં આવે

બાંગ્લાદેશમાંથી ભારતના પૂર્વોત્ત રાજ્યોના અને બાકી પણ કેટલાય રાજ્યોમાં થતી ધૂસણખોરી અટકાવવામાં આવે.

આ ઉપરાંત ડૉ.તોગડીયાએ ખેડુતોના વિષયમાં 12 મુદ્દા અને મજુરોના વિષયમાં ત્રણ મુદ્દા પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદી પાસે સમય માંગ્યો છે. પત્રમાં ડૉ.તોગડીયાએ વારંવાર વડાપ્રધાન મોદીને ભાઈ તરીકે સંબોધન કર્યું હોવાનું સુપેરે માલૂમ પડે છે.

વાંચો સંપૂર્ણ પત્ર...

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp