રિકેપઃ અત્યાર સુધીના લખાણની સાદી સમજ અને સાત પ્રકરણોનો ટુંકસાર

PC: hindustantimes.com

મુખ્ય શબ્દ પ્રયોગો તથા મૂળ કોન્સેપ્ટ્સની સમજ : આ સિરિઝનો વિષય ઇગો આમ તો બહુ રસપ્રદ છે, પરંતુ જરા ભારેખમ છે. એમાં જે શબ્દો તથા શબ્દપ્રયોગ વપરાયા છે એના પ્રચલીત અર્થથી સૌ વાકેફ હશે, પરંતુ કેટલાક શબ્દોને આ વિષયના સંદર્ભમાં અલગ રીતે સમજવાના છે. આ ઉપરાંત કેટલાક નવાં શબ્દોને અપનાવવામાં છે. મુખ્ય શબ્દ પ્રયોગો તથા કોન્સેપ્ટ્સને ફરી એક વાર સરળ રીતે સમજીએ.

1.વિકાસવાદ: ચાર્લ્સ ડાર્વિને જીવ સૃષ્ટિ વિશેની કેટલીક મુળભુત સચ્ચાઇ શોધી કાઢી છે. સર્વાઇવલ ફિટેસ્ટ અને નેચરલ સિલેક્શન જેવા ડાર્વિનના સિદ્ધાન્તો જણાવે છે કે જે જીવો બદલાતા સંજોગોને અનુરુપ બની શકે એ જ ટકી શકે. આમ તો ડાર્વિનનો આ સિદ્ધાન્ત સમગ્ર જીવ સૃષ્ટીના સંદર્ભમાં લાગુ પડે છે, છતાં માનવજાતના વિકાસનો ઇતિહાસ તપાસીઓ તો એમાં આ જ નિયમનું હાર્દ લાગુ પડતું જણાય છે. સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ અને નેચરલ સિલેક્શનના સિદ્ધાન્તના આધારે જ માનવજાતે આટલી પ્રગતિ કરે છે અને સર્વાંગી વિકાસ કર્યો છે. વિકાસવાદનો સંદર્ભ લઇને અહીં એવું એવું સ્વીકારવામાં આવ્યું છે કે એક વ્યક્તિ તરીકે માણસ સતત પોતાનો વિકાસ ઇચ્છતો હોય છે અને પોતાની આગામી પેઢીને વધુ સ બળ બનાવવા માંગતો હોય છે.

2.હોમોસેપિયન્સ: ઇઝરાયલી ફિલોસોફર યુવલ હરારીએ આ શીર્ષક હેઠળના પુસ્તકમાં માણસજાતનો ઇતિહાસ લખ્યો છે અને એમાં એવું તારતમ્ય કાઢ્યું છે કે માણસની જાત એકદમ ક્રુર અને સ્વાર્થી છે. પોતાના વિકાસના માર્ગમાં વચ્ચે નડતા તમામ તત્વોને માણસે ક્રુરતાપુર્વક ખતમ કર્યા છે.

3.વ્યક્તિવિકાસ અને સામુહિક વિકાસ: માણસ વ્યક્તિ તરીકે પોતાની તરક્કી ઇચ્છતો હોય છે અને સાથોસાથ માનવજાતના સાર્વજનિક વિકાસ માટે પણ મથતો હોય છે. આ માટે માણસો એકબીજા સાથે સહકાર સાધવાની વૃત્તિ પણ ધરાવતા હોય છે. માણસની આ સામાજિક જવાબદારીની ખાસિયતને લીધે જ માનવજાત આટલી પ્રગતિ કરી શકી છે અને વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ વિકસી છે.

4.સર્વાઇવલ ઇન્સ્ટિન્ક્ટ: માણસની સૌથી મુળભુત અને કુદરતી ઇચ્છા ઇન્સ્ટિન્ક્ટ સર્વાઇવલની છે. જ્યારે માણસ સમક્ષ જીવન મરણનો પ્રશ્ન ઉભો થાય ત્યારે એ પોતાનું જીવન ટકાવી રાખવા તમામ કોશિષો કરે છે.

5.પ્લેઝર પ્રિન્સિપલ: ઓસ્ટ્રીયન સાઇકો એનાલિસ્ટ સિગ્મન્ડ ફ્રોઇડે શોધી કા ઢેલો આ એક સિદ્ધાન્ત છે. સર્વાઇવલ પછીની માણસની સૌથી પ્રબળ ઇન્સ્ટિન્ક્ટ પ્લેઝરની એટલે કે તત્કાળ આનંદ પ્રાપ્ત કરવાની તેમ જ પીડાને નિવારવાની છે. આ કુદરતી આવેગ માણસના જીવનનું પ્રેરણાબળ છે. શારીરિક ઇચ્છામાં સેક્સ મુખ્ય છે. સેક્સ એટલે કે લિબિડો જ માણસની ઉર્જાનો સ્ત્રોત છે. આથી જ ફ્રોઇડે પ્લેઝર પ્રિન્સિપલને લાઇફ પ્રિન્સપલ પણ કહ્યો છે. ઇગોને સમજવામાં પ્લેઝર પ્રિન્સિપલ બહુ જ ઉપયોગી નીવડે છે.

6.કમ્ફર્ટ: દરેક પળે પ્લેઝર મેળવવાનું શક્ય નથી હોતું એટલે માણસ કમ્ફર્ટથી, સગવડતાથી સંતોષ માની લેતો હોય છે. પ્લેઝરની ગેરહાજરીમાં માણસ કમ્ફર્ટ ઝંખતો હોય છે અને અનકમ્ફેર્ટેબલ સ્થિતિથી દુર ભાગવાની કોશિષ કરતો હોય છે.

7.સિગ્મન્ડ ફ્રોઇડની ઇગો થિયરી: સિગ્મન્ડ ફ્રોઇડે માણસના વ્યક્તિત્વનો અભ્યાસ કરીને પ્લેઝર પ્રિન્સિપલ તથા રિયાલિટી પ્રિન્સિપલ દ્વારા માણસના વ્યક્તિત્વના ત્રણ પાસાં વિશે વિગતમાં સમજાવ્યું છે. ફ્રોઇડના કહેવા અનુસાર માણસની અંદર જે કુદરતી આવેગો પેદા થાય છે એ એનું ઇડ છે. કુદરતી આવેગો નૈતિક રીતે યોગ્ય છે કે નહીં એ નક્કી કરવાનું કામ માણસનો સુપરઇગો કરે છે અને ઇડ તથા ઇગો વચ્ચેના સંઘર્ષ સમયે આખરી નિર્ણય લેવાનું માર્ગદર્શન ઇગો માણસને આપે છે.

8.રિયાલિટી પ્રિન્સિપલઃ ઇગોની સમજુતિ આપતાં સિગ્મન્ડ ફ્રોઇડે રિયાલિટી પ્રિન્સિપલ પણ રજુ કર્યો છે. પ્લેઝર પ્રિન્સિપલ માણસની અંદર કુદરતી આવેગો પેદા કરે છે, પરંતુ જો દરેક માણસ પોતાની મુળભુત ઇચ્છાઓને તત્કાળ પુરી કરવા લાગે તો સમાજમાં અંધાધુંધી અને અરાજકતા સર્જાય. આથી કુદરતી ઇચ્છાઓ પર સંયમ રાખવાનું જરુરી છે. આથી સમાજમાં વ્યવસ્થા જળવાઇ રહે એ માટે માણસની વર્તણુંકના નિયમો બનાવવામાં આવ્યા છે. રિયાલિટી પ્રિન્સિપલ માણસને વર્તણુંકના નિયમો બાબતે સજાગ બનાવે છે. આ નિયમોનો ભંગ કરીને પોતાના કુદરતી આવેગો અનુસાર વર્તન કરવું એ અનૈતિક ગણાય છે અને સમાજ એને સજા આપે છે.

9.માનસિક આનંદ: પ્લેઝર પ્રિન્સિપલની અસર હેઠળ માણસની સૌથી તીવ્ર ઇચ્છા શારીરિક આનંદ પામવાની છે. જો કોઇ સંયમ ન હોય તો માણસ પોતાની તમામ શારીરિક ઇચ્છાઓ તરત જ પુરી કરવાના પ્રયાસ કરે. પ્લેઝર પ્રિન્સિપલની અસર હેઠળ માણસ તીવ્ર શારીરિક ઇચ્છાઓ તો અનુભવે છે, પરંતુ શારીરિક ઇચ્છાઓની એક મર્યાદા હોય છે. આથી માણસ માનસિક ઇચ્છાઓની ઝંખના કરે છે. માનસિક આનંદ અનેક પ્રકારના હોઇ શકે, પરંતુ માણસની મુળભુત પ્રકૃતિમાં સ્વાર્થ, ઇર્ષ્યા અને ઝનુન છે. આથી માણસે અન્ય માણસ કરતાં ચડિયાતા બનીને માનસિક આનંદ મેળવવાનો શોખ વિકસાવ્યો છે. માણસના આવા શોખમાંથી ઇગો પેદા થયો છે.

10.સેલ્ફ એસ્ટીમઃ આમ તો સમાનતાને બહુ મોટું માનવ મુલ્ય ગણવામાં આવે છે, પરંતુ હકીકતમાં દરેક માણસ અલગ વ્યક્તિ છે. દરેકની ક્ષમતા અલગ હોય છે. પોતાની ક્ષમતા વિશેનો દરેક વ્યક્તિનો અંદાજ પણ અલગ હોય છે. માણસ પોતાના વિશે જે ધારણા બાંધે, પોતાની ઓળખ બાબતે, પોતાની ક્ષમતા વિશે જે અંદાજ બાંધે એના પરથી એનો સેલ્ફ એસ્ટીમ ઘડાય છે. સેલ્ફ એસ્ટીમને માણસના ઇગો સાથે સીધો સંબંધ છે, કારણ કે ઉંચે ચગાવેલા સેલ્ફ એસ્ટીમમાં માણસના ઇગોનું મુળ છુપાયું છે.

11.તુલના: સેલ્ફ એસ્ટીમ જો ઇગોનો પુર્વાર્ધ છે તો તુલના એ ઇગોનો ઉત્તરાર્ધ છે. અન્ય કરતાં મોટાં બનીને, એ ચડિયાતાપણું બતાવવામાં આનંદ મેળવવામાં વિશેષ આનંદ આવે છે. અન્ય કરતાં ચડિયાતા બનવા માટે અન્ય સાથે તુલના કરવાનું જરુરી છે. આજે વિશ્વભરમાં માણસો એક બીજા સાથે તુલના અને સ્પર્ધા કરવામાં વ્યસ્ત છે.

12.સમાજ: માણસની આસપાસની દુનિયા એનો સમાજ છે, જેમાં એના પરિવારજનોથી માંડીને એના પરિચયમાં આવતા દરેક જણનો સમાવેશમાં સમાવેશ થાય છે. માણસ સામાજિક પ્રાણી છે એટલે એ સમાજમાં રહીને જ પોતાની આકાંક્ષાઓ પુરી કરે છે. સમાજનું મુખ્ય કામ માણસો વચ્ચેના જીવન વહેવારમાં વ્યવસ્થા જાળવી રાખવાનું છે. એ માટે સમાજ નિયમો ઘડતો રહે છે અને અવારનવાર એમાં ફેરફાર કરતો રહે છે. સમાજમાં માણસનું સ્થાન ક્યાં છે એ એને મળેલા સામાજિક દરજ્જાથી નક્કી થાય છે.

13.સોશ્યલ રેટિંગ: માણસો વચ્ચે જે તુલના થતી હોય છે એ મુખ્યત્વે માણસોના સામાજિક દરજ્જા માટે થતી હોય છે. માણસનો સામાજિક દરજ્જો નક્કી કરવા માટેનો માપદંડ મોટે ભાગે એની ધનસંપત્તિ હોય છે. આ ઉપરાંત પ્રતિષ્ઠા, વિશેષ આવડત, શિક્ષણ વગેરે જેવા પરિબળો પણ સામાજિક દરજ્જો નક્કી કરવા માટેના માપદંડ બનતા હોય છે. દુનિયાના કોઇ પણ સમાજમાં લોકો માનપાન અને ઉંચો સામાજિક દરજ્જો મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય છે. બે વ્યક્તિના સામાજિક દરજ્જા વચ્ચેનો તફાવત સમજવા માટે દરજ્જાને કાલ્પનિક સંખ્યા આપવામાં આવી હોય તો સારું પડે. આથી જ સામાજિક દરજ્જાને સોશ્યલ રેટિંગ નામ આપવામાં આવ્યું છે. સમાજની દરેક વ્યક્તિના કપાળ પર એનું સોશ્યલ રેટિંગ અદશ્ય રીતે લખાયેલું હોય છે.

14. ઇગોઃ ઇગો બે મુખ્ય પરિબળોના સંયોજનથી બને છે. એક ખામીયુક્ત સેલ્ફ એસ્ટીમ અને બીજું તુલના. માણસનો સેલ્ફ એસ્ટીમ હંમેશાં વાસ્તિવિક સ્તરથી ઉપર હોય છે. આવા સેલ્ફ એસ્ટીમ સાથે માણસ અન્યો સાથે તુલના કરવા માટે પોતાનાં મુલ્યાંકન વિશેની એક ધારણા બાંધે છે. સોશ્યલ રેટિંગ સાથે પોતાની તુલના કરવા માટે વ્યક્તિએ કરેલી ધારણા એ જ માણસનો ઇગો છે.

15.ઇગોની કામગીરી: ઇગોનું કામ બહારની દુનિયામાં બનતી ઘટના સાથે વ્યક્તિની સરખામણી કરીને પછી એનું યોગ્ય અર્થઘટન કરવાનું છે. આવાં આર્થઘટન દ્વારા ઇગો વ્યક્તિને સુખદ અથવા દુખદ અનુભવ કરાવે છે. આ રીતે ઇગો એક ઇમોશનલ પ્રોસેસિંગનું કામ કરે છે. ઇગો જ માણસને સુખ અથવા દુઃખનો અનુભવ કરાવે છે.

16.ઇગો રેટિંગ: ઇગોમાંથી પેદા થાય છે ઇગો રેટિંગ. ઇગો એ વ્યક્તિના મુલ્યાંકન વિશેની પોતાની ધારણા છે, જ્યારે ઇગો રેટિંગ એ ધારણાનું મૂલ્ય નક્કી કરી શકાય એવો મૂલ્યાંક સુચવે છે. સરખામણી કરવા માટે સામાજિક દરજ્જા તેમ જ ઇગો બંનેને રેટિંગના સંદર્ભમાં સમજવાનું સરળ પડે. ઇગો રેટિંગ છે એક માનસિક અવસ્થા છે. સોશ્યલ રેટિંગમાં ફેરફાર થવાને પગલે ઇગો રેટિંગમાં પણ ફેરફાર થાય છે અને એ રીતે વ્યક્તિની માનસિક અવસ્થામાં પણ ફેરફાર થાય છે.

17. સોશ્યલ અને ઇગો રેટિંગ વચ્ચેનો ફરક: સોશ્યલ રેટિંગ એ સમાજ દ્વારા માણસને એની હેસિયત અનુસાર અપાતો એક સામાજિક દરજ્જો છે, જ્યારે પોતાના સંભવિત સોશ્યલ રેટિંગ વિશે માણસે કરેલી ધારણાના પરિણામે સર્જાતી માનસિક અવસ્થા એ એનું ઇગો રેટિંગ છે. બંને રેટિંગ વચ્ચે એક મહત્વનો ફરક છે. સોશ્યલમાં હંમેશાં ચડઉતર થતી રહે છે, પરંતુ માણસ પોતે એમાં કોઇ ફેરફાર કરી શકતો નથી. બીજી તરફ ઇગો રેટિંગમાં ફેરફાર કરવાનું માણસના હાથમાં છે. માણસ પોતાના ઇગો રેટિંગને મરજી મુજબ નીચેના સ્તરે રાખી શકે છે અને ઉપર પણ રાખી શકે છે.

18. ઇગો: ઇગો રેટિંગ અને સોશ્યલ રેટિંગ. આ ત્રણેય શબ્દો આગળના પ્રકરણોમાં વારંવાર આવવાના છે એટલે એને ફરી એક વાર સમજી લઇએ, જેથી મુળ મદ્દાને સમજવામાં કોઇ તકલીફ ન પડે. માણસ મોટો બનવા તથા પોતાની મોટાઇ દેખાડવા માટે અન્ય સાથે તુલના કરવા ઉત્સુક રહેતો હોય છે અને આવી તુલના કરવા માટે એ અન્ય લોકોના સામાજિક દરજ્જા સાથે પોતાની તુલના કરે છે. આ સામાજિક દરજ્જો એટલે 'સોશ્યલ રેટિંગ'. દરેક વ્યક્તિ પોતાના સેલ્ફ એસ્ટીમના આધારે પોતાના સંભવિત સોશ્યલ રેટિંગ વિશેની એક ધારણા બાંધતો હોય છે, જેથી એ અન્ય વ્યક્તિના સોશ્યલ રેટિંગ સાથે તુલના કરી શકે. પોતાના સંભવિત સોશ્યલ રેટિંગ વિશેની વ્યક્તિની ધારણા એટલે એનો 'ઇગો.' અન્ય વ્યક્તિના સોશ્યલ રેટિંગ સાથે તુલના કરીને ઇગો એક માનસિક અવસ્થા પેદા કરે છે અને એના દ્વારા વ્યક્તિને લાગણીનો અનુભવ થાય છે. ઇગો દ્વારા પેદા થતી માનસિક અવસ્થા એ એનું 'ઇગો રેટિંગ' છે. એક દષ્ટિએ જોઇએ તો સોશ્યલ રેટિંગ અને ઇગો રેટિંગ વચ્ચેનો ફરક ઓછો છે. સોશ્યલ રેટિંગ વ્યક્તિનો સમાજ દ્વારા નક્કી થયેલો સામાજિક દરજ્જો છે, જ્યારે ઇગો રેટિંગ એ વ્યક્તિએ પોતે ધારેલો પોતાનો સામાજિક દરજ્જો છે. જેમ સોશ્યલ રેટિંગ બદલાતું રહે છે એમ ઇગો રેટિંગ પણ બદલાતું રહે છે.

19.ઇગો રેટિંગની ચડઉતર: માણસના સોશ્યલ રેટિંગમાં હંમેશાં ચડઉતર થતી રહે છે. ક્યારેક ઝડપથી આવી ચડઉતર થાય છે તો ક્યારેક ધીમી ગતિએ. સોશ્યલ રેટિંગમાં થયેલી ચડઉતરની સીધી અસર માણસના ઇગો તથા ઇગો રેટિંગ પર થતી રહે છે. સોશ્યલ રેટિંગ જો ઉપર જાય તો માણસનો ઇગો તથા એનું ઇગો રેટિંગ ઉપર જાય અને માણસ સુખની લાગણીનો અનુભવ કરે. જો સોશ્યલ રેટિંગ નીચે જાય તો માણસ દુઃખની લાગણી અનુભવે. જોકે સોશ્યલ રેટિંગમાં થયેલી ચડઉતરની અસર તરત જ માણસના ઇગો રેટિંગ પર નથી થતી. ક્યારેક એમાં સમયનો ગાળો રહે છે, કારણ કે પહેલા ઇગો સોશ્યલ રેટિંગનું અર્થઘટન કરે છે, પછી એના દ્વારા પેદા થયેલી લાગણીનો અહેસાસ કરે છે અને પછી નવું ઇગો રેટિંગ અપનાવે છે.

સાત પ્રકરણોની સમરી: પહેલા પ્રકરણમાં આપણે જાણ્યું કે ઇગો વિશે જગતમાં ભારે અજ્ઞાનતા પ્રવર્તે છે અને ઇગો શું છે એને કોઇ સાચી રીતે સમજી નથી શક્યું. એટલું તો નક્કી છે કે ઇગો કોઇ દુષ્ટ તત્વ નથી, જેનો નાશ થઇ શકે. બીજા પ્રકરણમાં આપણે ઇગોને સમજવા માટે જરુરી એવી માનવજીવનની કેટલીક સચ્ચાઇઓ વિશે જાણ્યું. આમાં આપણે ફ્રોઇડની ઇગો વિશેની થિયરી વિશે ટુંકમાં જાણ્યું. આ વિષયમાં કરેલા અભ્યાસની જાણકારી મેળવી. ફ્રોઇડે વર્ણવેલા ઇગોના ત્રણ સ્વરૂપો વિશે જાણ્યું. આપણે એ પણ જાણ્યું કે માણસની વર્તણુંકને અસર કરતો સૌથી મહત્વનો સિદ્ધાન્ત પ્લેઝર પ્રિન્સિપલ છે. સર્વાઇવલ પછી માણસની સૌથી પ્રબળ ઇન્સ્ટિંક્ટ પ્લેઝર માટેની છે. પ્લેઝરની જેમ જ માણસ કમ્ફર્ટ પણ ઝંખતો હોય છે અને અગવડતાથી દુર ભાગતો હોય છે.

ત્રીજા પ્રકરણમાં આપણે માણસના સેલ્ફ એસ્ટીમ વિશે જાણ્યું. પ્લેઝર પ્રિન્સિપલની અસરને લીધે દરેક માણસ ઉંચો સેલ્ફ એસ્ટીમ ધરાવતો હોય છે. ઉંચો સેલ્ફ એસ્ટીમ રાખવાને કારણે માણસને અનેક પ્રકારના નુકસાન થતા હોય છે. નુકસાન થતું હોવાં છતાં માણસ પોતાનો સેલ્ફ એસ્ટીમ ઉંચો રાખે છે અને એના આધારે નિર્ણયો લે છે, કારણ કે એમાં એને આનંદ મળે છે. ચોથા પ્રકરણમાં આપણે તુલના વિશે વિગતમાં જાણ્યું. આપણે જાણ્યું કે અન્ય લોકો કરતાં મોટા પુરવાર થઇને પોતાની મોટાઇ દેખાડવાનો આનંદ મેળવવા માટે માણસે અન્ય લોકો સાથે તુલના કરવી પડે છે. તુલના હંમેશાં માણસના સામાજિક દરજ્જા માટે થાય. આપણે જાણ્યું કે આજકાલ બધી જગ્યાએ લોકો એક બીજા સાથે તુલના અને સ્પર્ધા કરવામાં વ્યસ્ત રહે છે.

પાંચમાં પ્રકરણમાં આપણે સામાજિક દરજ્જા વિશે એટલે કે સોશ્યલ રેટિંગ વિશે વિગતમાં જાણ્યું. આપણે પણ જાણ્યું કે સમાજમાં લોકો એકબીજા સાથે તંદુરસ્ત સ્પર્ધા કરી શકે એ માટે સ્પર્ધાના નિયમો બનેલા છે અને જીતહારના ફેંસલા માટે માપદંડ નક્કી થયા છે. કોનું સોશ્યલ રેટિંગ ઉંચું અને કોનું નીચે એ નક્કી કરવા માટે મોટે ભાગે ધનસંપત્તિનો માપદંડ વાપરવામાં આવે છે. જેની પાસે વધુ સંપત્તિ એનું સોશ્યલ રેટિંગ ઉંચું એવી એક સામાન્ય પ્રથા છે. સમાજ દરેક વ્યક્તિને એની હેસિયત અનુસારનું સોશ્યલ રેટિંગ આપે છે. છઠ્ઠા પ્રકરણમાં આપણે ઇગોનાં દરેક પાસાં વિશે વિગતમાં જાણ્યું. ઇગો કઇ રીતે ઇમોનલ પ્રોસેસિંગનું કામ કરે છે એ જાણ્યું અને ઇગોની કામગીરી વિશે વિગતમાં સમજ્યા. આપણે જાણ્યું કે માણસ સમાજના સંપર્કમાં આવે એ પહેલા એ પોતાના સંભવિત સોશ્યલ રેટિંગ વિશેનું એક મુલ્યાંકન કરીને એ વિશે એક ધારણા બાંધતો હોય છે. આ ધારણા એ જ માણસનો ઇગો છે. ઇગોને કારણે જે માનસિક અવસ્થા પેદા થાય એ માણસનું ઇગો રેટિંગ છે.આપણે એ જાણ્યું કે સોશ્યલ રેટિંગમાં સતત ફેરફાર થતા રહે છે અને એ ફેરફાર થવાને પગલે માણસના ઇગો રેટિંગમાં પણ ફેરફાર થાય છે. જેને પગલે માણસની માનસિક અવસ્થામાં ફેરફાર થાય છે. માનસિક અવસ્થામાં થતાં ફેરફારના આધારે માણસની વર્તણુંક નક્કી થાય છે.

સાતમા પ્રકરણમાં આપણે સોશ્યલ રેટિંગ તથા ઇગો રેટિંગને માપવાની પદ્ધતિ વિશે વિચાર્યું. અલબત્ત, સોશ્યલ રેટિંગ કે ઇગો રેટિંગને સંખ્યા આપી શકાતી નથી, પરંતુ એને વિવિધ વર્ગોમાં વહેંચી દઇને, એનું ક્લાસિફિકેશન કરવાથી એને માપવાનું કામ સરળ બનાવી શકાય છે. આ રેટિંગને કાલ્પનિક આંકડા આપીને એનો અંદાજ કાઢી શકાય છે. આપણે એ સ્વીકારીએ છીએ કે અત્યારે સોશ્યલ રેટિંગ અથવા ઇગો રેટિંગને ચોક્કસ સંખ્યા આપીને માપી શકાતા નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ભવિષ્યમાં કોઇ ચોક્કસ એવો પ્રોગ્રામ બનાવશે, જેના થકી માણસના સોશ્યલ રેટિંગ તથા ઇગો રેટિંગને ચોકસાઇથી માપી શકાશે. અત્યાર સુધીના સાત પ્રકરણોની કન્ટેન્ટને આ સિરિઝનો પહેલો ભાગ કહી શકાય. હવે આવશે બીજો ભાગ, જે અત્યંત રોચક અને ઉપયોગી છે, કારણ કે એમાં ફક્ત ઇગો, ઇગોની ચડઉતર તથા એના કારણે માણસની વર્તણુંકમાં થતાં ફેરફારોની વાત છે. માણસની દરેક વર્તણુંકને સમજવાની એમાં ચાવી છે અને એમાંથી જ જાણવા મળશે જીવનની કેટલીક મોટી સચ્ચાઇઓ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp