26th January selfie contest

સરદાર પટેલની પ્રતિમા એકતા અને ભાઈચારાનો સંદેશો આપતી રહેશે: આર.સી.ફળદુ

PC: khabarchhe.com

રાજ્યના કૃષિમંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વૈશ્વિક ઓળખ સાથે તેમના એકતા-અખંડિતતાના મંત્રને વૈશ્વિક સ્તરે બળવત્તર બનાવવા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' અનેરું બળ પુરવાર થશે.

વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ગુજરાતના નર્મદા પરિયોજના નજીક સાધુ બેટ ખાતે નિર્માણ થઈ છે. જેનું 31મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રાર્પણ કરવાના છે. આ સ્ટેચ્યૂના નિર્માણમાં દેશના તમામ રાજ્યોની માટી, જળ અને લોખંડનો ઉપયોગ થયો છે ત્યારે ઐતિહાસિક વેળાએ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આ ઐતિહાસિક પ્રતિમાની મુલાકાત લેવા અને આ ઐતિહાસિક અવસરમાં સહભાગી થવા રાજ્ય સરકાર વતી આમંત્રણ આપ્યું હતું.

આર. સી. ફળદુએ આસામના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને રૂબરૂમાં મળીને આમંત્રણ પાઠવીને સરદાર સાહેબના જીવન-કવન વિચારો તેમજ કાર્યશૈલીની વિસ્તૃત ચર્ચા કરી હતી તથા ગુજરાતમાં નિર્માણ પામેલા આ ઐતિહાસિક સ્મારકની વિસ્તૃત વિગતો આપી હતી. ત્યારબાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં આર. સી. ફળદુએ કહ્યું કે, વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વૈશ્વિક સ્તરે એકતા-અખંડિતતા અને ભાઈચારાનો સંદેશો આપતી રહેશે. તેમણે આ સ્મારકની મુલાકાત માટે આમંત્રણ આપીને આસામમાં વસતા ગુજરાતીઓ સહિત આસામના લોકો પણ વધુ મુલાકાત લે તે માટે આહવાન કર્યું હતું.આસામની મુલાકાતે ગયેલા આ પ્રતિનિધિ મંડળમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, કિશોરસિંહ ચૌહાણ તથા ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ ડેલિગેશને આસામ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે અને ગુજરાતી સમાજના પ્રતિનિધિઓ સાથે ગુવાહાટીમાં પરામર્શ કરીને સરદાર સાહેબના સંસ્મરણો તાજા કરીને 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના નિદર્શન માટે નવેમ્બર માસ દરમિયાન ગુજરાત આવવા પણ આમંત્રણ પાઠવ્યું હતું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp