26th January selfie contest

ગુજરાતમાં કાર્ડિયાક ચિકિત્સા સુવિધા માટે આ શહેરોમાં સેટેલાઇટ સેન્ટર શરૂ થશે

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, નવજાત બાળકોને વ્યાપક અસરકર્તા પીડિયાટ્રીક કાર્ડિયાક ડીસઓર્ડસની શ્રેષ્ઠત્તમ સારવાર માટે ટર્શરી કેર પીડિયાટ્રીકસ કાર્ડિયાક ટ્રીટમેન્ટ ઊચ્ચ ધારા-ધોરણો માનદંડો સાથે સ્થાપિત કરવાની આવશ્કયતા છે.

આ સંદર્ભમાં તેમણે ભારતમાં 10 ટકા શિશુ મૃત્ય દર માટે જન્મજાત હૃદયરોગ જવાબદાર છે ત્યારે પીડિયાટ્રીકસ કાર્ડિયાક ટ્રીટમેન્ટ, કાર્ડિયાક સર્જરીના ક્ષેત્રોમાં અનુભવી અને પ્રશિક્ષિત સક્ષમ તબીબો-કર્મીઓની પર્યાપ્ત ઉપલબ્ધી માટે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ગાંધીનગરમાં પીડિયાટ્રીક કાર્ડિયાક સોસાયટી ઓફ ઇન્ડીયાના 19માં ત્રિદિવસીય વાર્ષિક સંમેલનનો નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

વિજય રૂપાણીએ ગુજરાતમાં દેશભરમાં પહેલરૂપ નિ:શૂલ્ક સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ-શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની ભૂમિકા આપતાં કહ્યું કે, 0 થી 18 વર્ષની વયના બધાજ બાળકોની આરોગ્ય તપાસણી સરકાર દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું કે, આ તપાસણી દરમ્યાન કોઈ બાળકને હૃદયરોગ સહિતની અન્ય કોઈ ગંભીર બીમારી જણાય તો દેશમાં જ્યાં પણ શ્રેષ્ઠત્તમ સારવાર-ચિકીત્સા ઉપલબ્ધ હોય ત્યાં સરકાર જ આવા બાળકની સારવાર કરાવી આપે છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રાયમરી અને સેકન્ડરી લેવલની કાર્ડિયાક ચિકીત્સા સુવિધા માટે ગાંધીનગર અને સુરતમાં સેટેલાઇટ સેન્ટર શરૂ કરવાની પ્રક્રિયા સરકારે હાથ ધરી છે તેમ જાહેર કર્યુ હતું.

આ ઉપરાંત સોલા (અમદાવાદ) તેમજ રાજકોટ સિવીલ હોસ્પિટલમાં અને વડોદરા તથા ઉત્તર ગુજરાતમાં આ પ્રકારના કાર્ડિયાક ચિકીત્સા સેટેલાઇટ સેન્ટર ભવિષ્યમાં શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ દેશભરમાંથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા પીડિયાટ્રીકસ કાર્ડિયાક તબીબો સાથે સહજ સંવાદ સાધતા કહ્યું કે, જ્યારે કોઈ પરિવારમાં બાળકનો જન્મ થાય અને તે જન્મજાત હૃદયરોગની બીમારીવાળું હોય ત્યારે તેના ઇલાજ માટે આવા બાળકના પરિવાર માટે આ તબીબો ભગવાનનું સ્વરૂપ બની જાય છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, પહેલાના સમયમાં એવી માન્યતા હતી કે કાર્ડિયાક-હૃદયરોગ માત્ર મોટી ઉંમરના વ્યક્તિઓને જ થાય છે. પરંતુ હવે બદલાતા સમયમાં નવજાત શિશુઓ પણ આ રોગનો જન્મજાત ભોગ બની રહ્યા છે.

આવા સંજોગોમાં પીડિયાટ્રીક કાર્ડિયાક સોસાયટી અને તબીબો આ બાળરોગ માટે સઘન-ઉપચાર સારવાર પ્રદાન કરીને બાળકને હસતું-ખેલતું રાખવાના સંવેદનાસ્પર્શી સંવાહક બને તેવી અપીલ તેમણે કરી હતી.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં યુ.એન.મહેતા ઇન્સ્ટીટયૂટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર જેવી શ્રેષ્ઠ સારવાર સુવિધા ધરાવતી સંસ્થામાં ગરીબ, જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે કે રાહતદરે સારવાર અપાય છે તેની પ્રસંશા કરી હતી.

આ ઇન્સ્ટીટયૂટ દ્વારા 2017મા 18564 કાર્ડિયાક પ્રોસિઝર અને 5696 કાર્ડિયાક સર્જરીમાં 75 થી 85 ટકા વિનામૂલ્યે કરવામાં આવી છે.

વિજય રૂપાણીએ આ કોન્ફરન્સના વિવિધ સત્રોના ચર્ચા-મંથન પ્રેઝન્ટેશન પીડિયાટ્રીક કાર્ડિયાક ટ્રીટમેન્ટ એન્ડ કેરની ભાવિ રણનીતિ તય કરવામાં ઉપયુકત બનશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 19મી વાર્ષિક પીડિયાટ્રીક કોન્ફરન્સ માટે ગુજરાતને યજમાનપદ મળવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, ગુજરાત સરકાર માટે આજે ખુશીનો દિવસ છે કે બાળકોને હૃદયરોગની સારવાર માટે સુપર સ્પેશ્યાલીસ્ટ ડૉકટરો અને સાધનો, સંશોધનોની ચર્ચા આજે થતાં તેનો સારા પરિણાામોનો લાભ ગુજરાતને મળશે.

નીતિન પટેલે ઉમેર્યું કે, હૃદય રોગના કારણે બાળકોનું મોત ન થાય તેવા પ્રયાસો કરવા માટેની જવાબદારી આપણા સૌની છે. આ માટે રાજ્ય સરકાર સુપેરે ધ્યાન કેન્દ્રીત કરીને આયોજન કરી રહી છે. ગુજરાતની યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા આધુનિક ટેકનોલોજી થકી સારવાર આપવામાં આવે છે તેનો લાભ ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને NRI ગુજરાતીઓ લઈ રહ્યા છે. હૃદયરોગની સારવાર મોંઘી છે ત્યારે ગુજરાતના નાગરિકોને સસ્તી સારવાર મળે તે માટે વિવિધ યોજનાઓ થકી સુવિધા પૂરી પાડવામાં આવે છે. યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટનો વ્યાપ વધારવા માટે રૂ. 470 કરોડના ખર્ચે પ્રોજેકટ હાથ ધરાયો છે. જેનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે. તેમજ 1500 થી વધુ મેડીકલ, પેરામેડીકલ સ્ટાફ નિમણૂંક માટે પણ મંજૂરી આપી દીધી છે. જેના થકી વર્ષે રૂ.150 કરોડનો બોજ સરકાર ઉપાડશે. હૃદય રોગની સાથે સાથે આ હોસ્પિટલમાં કીડની, આંતરડા સહિતની સારવાર પણ વૈશ્વિકસ્તરની અપાય છે.

નીતિન પટેલે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકના આરોગ્યની ચકાસણી માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ શરૂ કર્યો છે. પ્રતિવર્ષ 1.5 કરોડથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી થાય છે. જેમાં હૃદય-કીડની સહિતના ગંભીર રોગો માટેની સુપર સ્પેશ્યાલીટી સારવાર પણ વિનામલ્યે રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાવમાં આવે છે.

તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનએ આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી છે જેમાં 5 લાખની આવક ધરાવતા 10 કરોડ પરિવારોને આવરી લેવાશે. જેનો મહત્તમ લાભ પણ ગુજરાતના નાગરિકોને પૂરો પાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મા વાત્સલ્ય યોજના થકી રૂ.3 લાખ સુધીની મફત સારવાર પણ પૂરી પાડવામાં આવે છે.

નીતિન પટેલે હૃદય રોગ કે અન્ય રોગ તથા કુપોષણ સામે રાજ્ય સરકારે જે અભિયાન ઉપાડ્યું છે તેમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધનોના લાભ સાથે આ કોન્ફરન્સ ચોક્કસ નવો પ્રાણ પૂરશે એવી આશા વ્યક્ત કરી હતી.

આ વાર્ષિક કોન્ફરન્સમાં તબીબી ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારા ત્રણ વરિષ્ઠ ડૉકટરોનું લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન કરાયું હતું. જેમાં વર્ષ-2004મા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને નવજાત શિશુમાં સૌ પ્રથમ એન્જીયોગ્રાફી જેવી જટિલ કાર્ડિયાક સર્જરીની શરૂઆત કરનારા જશલોક હોસ્પિટલના ડૉ. અશ્વિન મહેતા, સૌ પ્રથમ પેસમેકર પ્લાન્ટેશન કરનારા વી.એસ.હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટ પ્રો. સુનિલ દલાલ ઉપરાંત ગુજરાતમાં સૌ પ્રથમ ઓપન હાર્ટ સર્જરી જેવી જટિલ સર્જરી કરનારા ડૉ. ડી.જી.યાજ્ઞિકનું મુખ્યમંત્રીએ શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમારે પીડિયાટ્રીક કાર્ડિયાક સોસાયટી ઓફ ઇન્ડિયાની 19મી વાર્ષિક કોન્ફરન્સનો હાર્દ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, નવજાત શીશુઓમાં હૃદય સંબંધી જટિલ બીમારીના ઇલાજ માટે વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. આ વાત ધ્યાને લઈ સોસાયટી આ ક્ષેત્રે આવી કોન્ફરન્સ દ્વારા સતત અદ્યતન સર્જરી-સુવિધા માટે વિશેષજ્ઞો સાથે ચિંતન કરે છે. તેમણે ગુજરાતની યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટરની સાફલ્યગાથા પણ વર્ણવી હતી.

આ 19મી વાર્ષિક કોન્ફરન્સમાં પીડિયાટ્રીક કાર્ડિયાક સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ ડૉ. શીવપ્રકાશ કે. વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. સ્નેહલ કુલકર્ણી, મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહ, કમિશનર ઓફ હેલ્થ જયંતિ રવિ, યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટના ડિરેકટર ડૉ. આર.કે.પટેલ, સોસાયટીના સેક્રેટરી અમિત મિશ્રા ઉપરાંત પીડિયાટ્રીક કાર્ડિયાક ક્ષેત્રના દેશભરના નિષ્ણાત તબીબો, નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ સેમિનારમાં હાજર રહી પોતાની જ્ઞાનગંગાથી પાવન કર્યા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp