સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની 200 કરોડની હોસ્ટેલનું દશેરાએ ખાતમુહૂર્ત થશે

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સુરત શહેરના વાલક પાટિયા ખાતે રૂ.200 કરોડના ખર્ચે નિર્માણ થનારી અત્યાધુનિક હોસ્ટેલનું ભૂમિપૂજન તા.15 ઓક્ટો.ના રોજ દશેરાના દિવસે PM નરેન્દ્ર મોદી વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી કરશે. જ્યારે CM ભૂપેન્દ્ર પટેલ પ્રત્યક્ષ ખાતમુહૂર્ત કરી હોસ્ટેલના ફેઝ-1ના નિર્માણકાર્યનો પાયો નાંખશે.  જમનાબેન છગન ગોંડલિયા વિદ્યાર્થી ભવન, સુરત નામથી નિર્માણ થનાર આ હોસ્ટેલ અંતર્ગત પ્રથમ તબક્કામાં પૂરુંષ હોસ્ટેલના બાંધકામ પાછળ વર્ષ 2021 થી 2023 દરમિયાન રૂ.70 કરોડ અને મહિલા હોસ્ટેલ માટે વર્ષ 2022 થી 2024 દરમિયાન રૂ.40 કરોડ ખર્ચ કરાશે. ઉપરાંત, રાધાબેન હરજી ઘેલાણી અતિથિ ભવન પણ આ જ પરિસરમાં આકાર પામશે. પાટીદાર સમાજના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટે વર્તમાન સમયને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની સુવિધા ઊભી કરાશે. જેમાં અભ્યાસકીય તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે ઉત્તમ વ્યવસ્થા પણ ગોઠવાશે.

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડિયા, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલ, વાહનવ્યવહાર રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ અને પક્ષ પ્રમુખ સી.આર.પાટીલ, વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મુખ્ય દાતા હંસરાજ ગોંડલીયા સહિત પાટીદાર ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ અને અન્ય દાતાઓ ઉપસ્થિત રહેશે.

હોસ્ટેલ પ્રોજેક્ટમાં ઉભી થનાર સુવિધાઓ

1) હોસ્ટેલમાં ઉચ્ચ અભ્યાસ કરતા 1500 વિદ્યાર્થીઓનો સમાવેશ, 2) વિશાળ વાંચનાલય, પુસ્તકાલય તથા ડિઝીટલ લાઈબ્રેરી, 3) વિશાળ ભોજનાલય, 4) 100 વ્યક્તિ રહી શકે એવું અતિથિ ભવન, 5) કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર, 6) સમાજ પરિચય માટે પાટીદાર ગેલેરી, 7) કોન્ફરન્સ હોલ, 8) સભાખંડ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp