ચોટલા કાપવા જેવી અંધશ્રદ્ધા દૂર કરવા વિજ્ઞાન કેન્દ્રો કામ કરતાં નથી

14 Aug, 2017
03:31 AM
PC: Zee News

અંધશ્રદ્ધા વધી રહી છે અને ચારે બાજુ ચોટલાં કાપાવાની ઘટના છેલ્લાં ત્રણ મહિનાથી થઈ રહી છે. ત્યારે ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા લોકોની આ ગેરમાન્યતા સામે કોઈ કાર્યક્રમ આપવામાં આવતો નથી. રાજ્યમાં વિજ્ઞાનને પ્રમોશન આપવાનું કામ સરકારની આ સંસ્થા દ્વારા કરવાની જવાબદારી છે. વૈજ્ઞાનિક સાક્ષરતાની સંભાળ લેવી તે તેની જવાબદારી છે.

સમાન્ય નાગરિકોના જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ અને અભિ રુચિનો વિકાસ થાય જેનાથી નાગિરકોના સામાજીક અને આર્થિક કલ્યાણમાં સહાયતા મળે તે તેનો ધ્યેય છે. સમાજમાં પ્રચલિત અંધશ્રદ્ધાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ લાવવામાં મદદ મળે, જેથી લોકોનું સામાજિક અને આર્થિક સ્તર ઉંચું આવે તેવું કરવાનો મુખ્ય હેતુ છે. તે માટે આ વિજ્ઞાન કેન્દ્રો સરકાર સ્થાપેલાં છે. સેમીનાર અને ટ્રેનિંગ, કોન્ફરંસ, વર્કશોપ, સીમ્પોસીયા, પેપર પ્રેઝન્ટેશન, પ્રોગ્રામેશન જેવા કાર્યક્રમો તેમણે કરવાના હોય છે.

આ વર્ષે માત્ર વિજ્ઞાનની જાગૃતિ લાવવા અને અંધશ્રદ્ધા અટકાવવા માટે રૂ.42 કરોડનું ખર્ચ રાજ્ય સરકાર કરવાની છે. તમામ 33 જિલ્લામાં 33 CSC છે. જે આવા અંધશ્રદ્ધા દૂર કરાની કામગીરી કરે છે. જેમાં 100 સેમિનાર કરવાની પણ વિધાનસભામાં જાહેરાત કરાઈ હતી. વળી, સરકાર આ વિભાગ હેઠળ વિજ્ઞાન કલબો ચલાવે છે. હાલ 300 વિજ્ઞાન ક્લબો છે, જે બે વર્ષમાં વધારીને 500 કરવાનો ટાર્ગેટ અપાયો છે. પણ પ્રજા વચ્ચે આ સંસ્થાઓ ક્યાંય કામ કરતી હોવાનું લોકો જોતા નથી. આવી કલબો અને cscમાં મોટા ભાગના લોકો તો શાળા સંચાલકોના મામા કે કાકાના જેવા સબંધીઓને નોકરી આપી છે. પોતાનું જ ટ્રસ્ટ બનાવીને તેઓ તેમાં નિયુક્તિ આપી દે છે. પગાર લે છે, પણ કામ કરતાં નથી. સરકારના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યાં છે અને ચોટલા કાપવા જેવી અંધશ્રદ્ધા વધી રહી છે.

ભુજ, રાજકોટ, ભાવનગર, વડોદરા, પાટણ ખાતે પાંચ પ્રાદેશિક સાયન્સ મ્યુઝિયમની સ્થાપના કરવાનો નિર્ણય સરકારે લીધો છે પણ વિજ્ઞાનને બદલે ખુદ પ્રધાનો જ ભુવા અને ભરાડીઓને પ્રમોટ કરી રહ્યાં છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જેવા વરિષ્ઠ મંત્રીએ બોટાદમાં 200 જેટલાં ભુવાઓનું સન્નામાન પણ કર્યું છે. દરેક જિલ્લાઓ મળીને 33 લોક વિજ્ઞાન કેન્દ્રો કામ કરી રહ્યાં છે. પણ ચોટલા કાપવાની ઘટના વધી રહી છે.

શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ખેડૂત, મહિલા, સામાન્ય લોકો, એનજીઓના સભ્યો, મીડિયાના સભ્યો, વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોના પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિકો અને સંશોધનક્ષેત્રના વિદ્વાનો તેના લાભાર્થી છે. લોક વિજ્ઞાન કેન્દ્રો પરથી આ લોકો લાભ લઈ શકે છે. એવું સરકાર કહે છે પણ બે ચાર જિલ્લા સિવાય ક્યાંય વિજ્ઞાન કેન્દ્રો અંધશ્રદ્ધા દૂર કરવા કામ કરતાં નથી. જે માટે જિલ્લાના કેન્દ્ર માટે વર્ષે રૂ.7.50 લાખ અને પ્રાદેશીક કક્ષાએ રૂ.10 લાખ સરકાર આપે છે. ઉપરાંત બીજી પ્રમોશનલ પ્રવૃત્તિ માટે સમિતિઓ નક્કી કરે છે. લાખો રૂપિયા પાણીમાં જઈ રહ્યાં છે અને ચોટલા કાપવાની અફવા રાજસ્થાનથી ગુજરાત સુધી આવી પહોંચી છે થતાં તેને દૂર કરવા માટે આ સંસ્થાઓ કામ કરતી નથી.

સરકારી ગ્રાંટ લે છે. શાળાની મુલાકાત લીધી હોવાની નોંધ કરી નાંખી છે. સાયન્સ અને ટેકનોલોજી વિભાગ લોક વિજ્ઞાન કેન્દ્ર માટે લેબોરેટરી પણ બતાવી આપે છે. લોક વિજ્ઞાન ટ્રસ્ટ બનાવીને પછી રાજકારણીઓ અને શાળા સંચાલક પોતાના સગાં અને સંબંધીને તે સોંપી દે છે. વિઝિટ બુક રાખે છે અને બનાવટી નામો બતાવી દે છે. વિજ્ઞાન કેન્દ્રના સંચાલકો ફિલ્ડ વિઝિટ લેતાં નથી. દરેક જિલ્લામાં લોક વિજ્ઞાન કેન્દ્ર હોય છે પણ કોઈ જાણતું નથી.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: