26th January selfie contest

શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહનો ફરી એકવાર ભાજપમાં વિધિવત પ્રવેશ

PC: khabarchhe.com

આખરે એ દિવસ પણ આવી ગયો જેનું ભવિષ્ય 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ભાખેલું હતું. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અષાઢી બીજના પવિત્ર દિવસે ભાજપ પાર્ટી જોઈ કરી લીધી છે અને ભગવો ખેસ ધારણ કરી લીધો છે. છડેચોક શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડી ત્યારે મીડિયાના ધારદાર સવાલ કે તો શું બાપુ BJP જોઈન કરશે ત્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં ‘બાપુએ’ જોરશોરથી એલાન કરેલું કે હું કે મારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ ભાજપ સાથે જોડાશે નહીં અને આજે એજ ‘બાપુ એલાન’ની પરવા કર્યા વગર શંકરસિંહ વાઘેલાના પુત્ર કે જેના નામની ચર્ચા ચાલતી હતી તેઓ રંગેચંગે ભાજપમાં જોડાયા છે.

રાજકારણીઓ ઉપર લોકો હવે ભરોસો કરવામાં વિચાર કરે છે તેનું કારણ એ છે કે આજકાલ કોઈ નેતાનું નક્કી જ નથી હોતું કે તે સવારે જે રાજકીય પાર્ટીમાં કૂદાકૂદ કરે છે અને સાંજે કોઈ અન્ય પાર્ટીનો ઝંડો ઉંચકીને જોવા નહીં મળે. પાર્ટી બદલી જાણે એક ફેશન બની ગઈ હોય તેમ પોતાના પાર્ટી પ્રત્યેના સમર્થન કે સહકારની ઉપેક્ષા કરવામાં સહેજ પણ વિચાર કર્યા વગર રાતોરાત અન્ય પાર્ટીઓ સાથે જોડાઈને હસતાં-હસતાં જાહેર જનતાને સંબોધીને હવે પોતે જોડાયા તે પરંતુને સહયોગ કરશો તેવી હાથ જોડીને વિનંતી પણ કરતાં શરમાતા નથી. એટલે જ કદાચ ‘શરમ અને સત્તા ભૂખ્યા લોકો વચ્ચે સો ગાઉનું છેટું હોય છે’.

શંકરસિંહ’બાપુ’એ સોંગઠી ગોઠવી પુત્ર મહેન્દ્રસિંહને ભાજપ સાથે બેસાડીને પોતાની સજાવેલી ‘સલ્તનત’નો પાંગળો બચાવ કર્યો છે, એવી ગાંધીનગરની ગલીઓમાં ચાલતી ચર્ચાને એટલું મહત્ત્વ નથી મળતું, જેટલું પહેલા મળતું હતું.

બાપુનું કોંગ્રેસ પાર્ટી છોડવાનું બહાનું, ત્યારબાદ જનતા માટે જનસમર્થન મેળવાની આશા સાથે ‘જન વિકલ્પ’ અને હવે મહેન્દ્રસિંહનો ભાજપ પ્રવેશ કરાવીને છેલ્લો સંતોષ માનવા સિવાય બીજી કોઈ જગ્યા કે રાજ-રમત બાકી રહી હોય તેવી કોઈ જગ્યા નથી બચી, કદાચ એટલે જ ચૂંટણી પત્યાના લગભગ છ મહિના જેટલો સમય વીત્યાને ભોળી જનતા ભૂલી ચૂકી હશે તેવો ખ્યાલ એટલો મજબૂત હશે અથવા ચૂંટણી સમયે જનતાને ‘હાઈ કમાન્ડ’ કહેનાર રાજનેતાઓ ચૂંટણી પછી એજ જનતાની કેટલી કિંમત કરતાં હોય છે તે સમજવું કદાચ જનતા માટે સહેલું બનતું રહેશે અને એજ જનતા પોતાનાં ‘સેવક’ સાથે કેવો વ્યવહાર કરશે તે કદાચ આવનારા સમયમાં જરૂર જોવા મળશે.

ખેર, હાલ પૂરતું તો ‘બાપુ’ના બગડી ગયેલા ‘બે’ માથે એક તો સુધારતું દેખાય છે જેનો આનંદ ‘બાપુ’ અને પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને હોય તે સ્વાભાવિક છે અને અષાઢી બીજના વાવેલા વાવેતરમાં કેટલો અને કેવો લાભ કોને મળશે તેનું ભવિષ્ય પણ BJPની ‘જાદુઈ’ પોથીનાં કોઈક ખૂણે ક્યાંક અવશ્ય લખાયેલું હશે જોવાનું એ રહેશે કે ‘બાપુ’ અને BJP બંનેમાંથી ફાવશે કોણ?

(સંજય દવે)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp