ગુજરાતઃ પાછળથી ગોળી મારી, 1.18 કરોડની લૂંટ કરી કારમાં આગ લગાવી, મિત્ર જ નીકળ્યો

PC: udaipurkiran.in

ગુજરાતના મહિસાગર જિલ્લાના લુણાવાલામાં બેંક મેનેજરની હત્યાનો ભેદ પોલીસે 12 કલાકમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં બેંક મેનેજરના મિત્રની હત્યારા તરીકે ધરપકડ કરી છે. પોલીસને લુણાવાલા હાઈવે પર બળી ગયેલી ક્રેટા કાર અને તેના થોડાક જ મીટરના અંતરેથી  બેંક મેનેજરની લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બેંક મેનેજરના મિત્રએ 1.18 કરોડ રૂપિયાની રોકડ જોઈને હત્યા કરી હતી અને રોકડ લૂંટ્યા પછી તેણે ક્રેટા કારને આગ લગાવી દીધી હતી. પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલી પિસ્તોલ સાથે 1.18 કરોડ રૂપિયાની રકમ પણ કબજે કરી છે. ICICI બેંક બાલાસિનોરના બેંક મેનેજર દાહોદની મુખ્ય શાખામાં રોકડ જમા કરાવવા જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ જ રોકડ હત્યાનું કારણ બની હતી.

મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, સંતરામપુર તાલુકાની સરસણ આઉટ પોસ્ટના ગોધર ગામ પાસે મુખ્ય માર્ગ પર એક વાહન પડેલું જોવા મળ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે, બળી ગયેલું વાહન ICICI બેંકના મેનેજરનું હતું. એ બાબત પણ સામે આવી કે, મેનેજર કરોડો રૂપિયા લઈને નીકળ્યો હતો. આ મામલાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પોલીસને બળી ગયેલી કારમાંથી કોઈ અવશેષો મળ્યા નથી. તપાસ દરમિયાન મેનેજરનો મૃતદેહ અમુક કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. આ પછી વધુ તપાસમાં બેંક મેનેજરના મિત્ર હર્ષિલ પટેલે હત્યા અને લૂંટને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ICICI બેંકના મેનેજર વિશાલ પાટીલ કારમાં પોતાની સાથે 1.18 કરોડ રૂપિયા લઈને નીકળ્યા હતા. લુણાવાલા પહોંચતા જ હર્ષિલ પટેલ પણ તેને મળવા આવ્યો હતો. આ સમય દરમિયાન બંનેએ કેટલાક કામ પણ પુરા કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે બેંક મેનેજર રસ્તામાં પેશાબ કરવા માટે નીચે ઉતર્યો ત્યારે હર્ષિલે તક જોઈને પાછળથી તેના માથામાં ગોળી મારી દીધી હતી. આ પછી તેણે કારમાં રાખેલી રોકડ લૂંટી લીધી અને પછી ક્રેટા કારને રોડ પર ઉભી રાખીને તેને આગ ચાંપી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર, હર્ષિલે છટકવાનો પૂરો પ્રયાસ કર્યો અને કારને અમુક અંતરે રોકી અને પછી આગ લગાવી દીધી. પોલીસના જણાવ્યા અનુસાર બેંક મેનેજર વિશાલ પાટીલ અને હર્ષિલ પટેલ મિત્રો હતા. હત્યાના દિવસે બંનેએ ઘણી વખત ફોન પર વાત કરી હતી.

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હર્ષિલ પટેલે હત્યાનો ગુનો કબૂલી લીધો હતો. હથિયારની રિકવરી સાથે પૈસા પણ મળી આવ્યા હતા. જાડેજાએ જણાવ્યું હતું કે, હત્યારાએ આ પિસ્તોલ મધ્યપ્રદેશથી આશરે રૂ. 35 હજારમાં ખરીદી હતી. રેન્જ IGએ પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઝડપથી ઉકેલવા અને તમામ વસ્તુઓ રિકવર કરવા બદલ મહિસાગર LCBને રૂપિયા 25,000નું ઈનામ આપવાની જાહેરાત કરી છે. હત્યાની તપાસ કરવા માટે જાડેજાને હાઇવે પર અનેક ટીમો તૈનાત કરવી પડી હતી. આ પછી સફળતા મળી. જાડેજાએ જણાવ્યું હતું કે, તેમણે બેંકના પ્રાદેશિક મેનેજરને પત્ર લખ્યો છે કે, ખાનગી કારમાં રોકડ લઈ જવી એ ગુનો છે. તેના કારણે જ આ ઘટના બની છે. બેંક મેનેજમેન્ટે તેના સ્તરે આ દિશામાં ધ્યાન આપવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp