ભાજપના સિદ્ધાંતો ક્યા ગયા? ઓરિજનલ કોંગ્રેસ ક્યા છે? કાર્યકરોનો સવાલ

PC: khabarchhe.com

ગુજરાતમાં પહેલા કોંગ્રેસે પછી ભાજપે તેમના કાર્યકર્તાઓ અને લોકોનો વિશ્વાસ ખોઇ નાંખ્યો છે. આ બંને પાર્ટીઓએ સમયાંતરે રાજકીય લાભ મેળવવા માટે તેમના સિદ્ધાંતોનો ભંગ કરતા ક્રેડિબિલિટી પણ ગુમાવી છે. કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જઇને ભલે જીતી જતા હોય પરંતુ એ અસલ ભાજપ રહ્યો નથી. ભાજપનું ગોત્ર બદલાઇ રહ્યું છે. વર્ષો સુધી ચૂંટણીમાં જેમને ગાળો દીધી હોય તેમને પાર્ટીમાં પ્રવેશ અપાવીને ભાજપના નેતાઓએ કાર્યકરોને મોટી હાનિ પહોંચાડી છે.

રાજ્યમાં 1985 પહેલા 25 વર્ષ સુધી કોંગ્રેસે એકધારું શાસન કર્યું હતું એ સમયે ભાજપનો નવો નવો ઉદય થયો હતો, જો કે કોંગ્રેસમાં આયારામ ગયારામની સ્થિતિ તો 1965થી શરૂ થઇ હતી પરંતુ તેમાં કોંગ્રેસના જ આગેવાનો પાર્ટી છોડતા હતા અને પાર્ટીમાં પાછા આવતા હતા. 1985 પછી કોંગ્રેસમાં વિભાજનની શરૂઆત થઇ હતી અને મૂળ કોંગ્રેસના એવા ચીમનભાઇ પટેલ 17 વર્ષના વનવાસ પછી રાજકીય પ્લેટફોર્મ પર પાછા ફર્યા હતા. તેમણે જનતાદળ ગુજરાતની રચના કરીને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો અને વિધાનસભાની 67 બેઠકો મેળવી હતી. તેમના આ થર્ડફ્રન્ટને સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો.

ગુજરાતમાં ભાજપના સહારે ચીમનભાઇએ સરકાર બનાવી હતી પરંતુ તે વધુ સમય માટે ટકી શકી નહીં, કારણ કે ભાજપ કેટલીક બાબતોમાં બાંધછોડ કરવા માગતી ન હતી. છેવટે ચીમનભાઇ પટેલે કોંગ્રેસનો સાથ માગીને કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું હતું અને જનતાદળની સરકાર કોંગ્રેસની સરકાર બની ચૂકી હતી. આ તબક્કે અન્ય પાર્ટીનો કોંગ્રેસમાં મોટો પ્રવેશ થયો હતો.

આ સમયે ભાજપ રાજકારણમાં પાપા પગલી ભરતું હતું અને રામ મંદિરના સહારે લોકોમાં સહાનુભૂતિનું મોજું ઉભું કરવાની મથામણ કરતું હતું. લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં સોમનાથથી કારસેવા આ સમયમાં શરૂ થઇ હતી અને ભાજપને લોકો એક હિન્દુવાદી પાર્ટીના રૂપમાં ઓળખતા થયા હતા. પાર્ટીના સિદ્ધાંતો અને પાર્ટીની કેડરબેજ ઇમેજ વખણાતી હતી જે મતદારોને આકર્ષવા માટે પુરતી હતી. સંઘપરિવારની ભગિની સસ્થાઓએ ગુજરાત ભાજપને સત્તા અપાવવા લોહી પસીનો એક કર્યા હતા.

1995માં ભાજપને સત્તા અપાવવા માટે રાષ્ટ્રીય ભાજપે ગુજરાતમાં ધામા નાંખ્યા હતા અને કોંગ્રેસના કિલ્લાને ભોંયભેગો કર્યો હતો. 121 બેઠકો મેળવીને ભાજપે ગુજરાતમાં પ્રથમવખત સંપૂર્ણ સત્તા હાંસલ કરી હતી. શંકરસિંહ વાઘેલાના બળવા પછી 1998માં ભાજપ ફરીથી સત્તા પર આવી હતી, જો કે આ જીતમાં કોંગ્રેસના નેતાઓ પણ સામેલ હતા, કારણ કે ભાજપે પહેલીવાર કોંગ્રેસના નેતાઓને પાર્ટીમાં જોડવાનો પ્રયાસ કર્યો હતો, જે સફળ બન્યો હતો. જો કે તેની તીવ્રતા ખૂબ ઓછી હોવાથી લોકોએ ભાજપને સાથ આપ્યો હતો પરંતુ ત્યારપછીની ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિક્રમી બેઠકો મળવામાં કોંગ્રેસના નેતાઓનો મોટો રોલ હતો.

કોંગ્રેસના નેતાઓ અને વિધાનસભાના ઉમેદવારો માસ મુવમેન્ટની જેમ ભાજપમાં ભળી ગયા હતા. બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. રાષ્ટ્રીય જનતા પાર્ટી- રાજપાને શંકરસિંહે કોંગ્રેસમાં વિલિન કરતા કોંગ્રેસની પડતી શરૂ થઇ હતી, કારણ કે આ બઘાં ભાજપના નેતાઓ હતા કે જેમને કોંગ્રેસમાં પ્રવેશ આપ્યો હતો. છેલ્લી ચૂંટણીમાં એક બાબત ઉડીને આંખે વળગે તે એવી છે કે- કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ ચૂંટણી જીતી શકતા હતા પરંતુ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા નેતાઓ હારી જતા હતા. આમ થવાનું સીધું કારણ બંને પાર્ટીઓની વિચારધારા ભિન્ન હતી.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહે ભેગા મળીને 2012ની વિધાનસભા તેમજ 2014ની લોકસભામાં કોંગ્રેસના ચૂંટણી જીતી શકે તેવા ઉમેદવારોને ભાજપમાં પ્રવેશ અપાવી પાર્ટીની અસલ વિચારધારાનો છેડ ઉડાવી દીધો હતો. માત્ર ને માત્ર રાજકીય લાભ લેવા માટે ભાજપે તેની પાર્ટીનું કોંગ્રેસીકરણ કરી નાંખ્યું હતું જે તેને ભારે પડી રહ્યું છે. આ બંને ચૂંટણીમાં પાર્ટીના કેડરબેજ કાર્યકર્તાઓમાં એટલી હદે અસંતોષ હતો કે જો તે સમયે મજબૂત વિકલ્પ હોત તો તેઓ પાર્ટી છોડીને ત્રીજા મોરચામાં જોડાઇ ગયા હોત, બદનસીબે ગુજરાતમાં એવો કોઇ વિકલ્પ ઉભો થયો ન હતો.

ગુજરાતમાં પાર્ટી સત્તામાં આવી ત્યારથી એટલે કે 1995 અને 1998ની સત્તાને બાદ કરતા પાર્ટીનું ઇન્ટરનલ ધોવાણ થયું છે. પાર્ટી મોટી થઇ પરંતુ સિદ્ધાંતો અને કેડરને નેવે મૂકીને આ સત્તા ટકાવી રાખી છે. PM મોદી એ સમયે એવું કહેતા હતા કે મારે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવું છે, પરંતુ આ ખ્યાલમાં PM મોદીએ કોંગ્રેસને જ ભાજપમા પનાહ આપી દીધી હતી. કોંગ્રેસના મજબૂત ઉમેદવારો જો ભાજપમાં જોડાયા ન હોત તો PM મોદીને આટલી મોટી સફળતા મળી શકી ન હોત તે દિવા જેવી સ્પષ્ટ બાબત છે. 2017ની ચૂંટણી પહેલા પણ ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ વિજય મેળવવા માટે કોંગ્રેસના દરવાજા ખટખટાવ્યા હતા. કોંગ્રેસના મજબૂત નેતાઓને ભાજપમાં લઇને પાર્ટીના આગેવાનો શું સાબિત કરવા માગે છે તે પાર્ટીના પાયાના કાર્યકરોને સમજાતું નથી.

જે પાર્ટીને લોહી પાણી એક કરી ઉભી કરી છે તે પાર્ટી સિદ્ધાંતો ભૂલી ગઇ છે. કાર્યકર્તાઓ નારાજ એટલા માટે છે કે ચૂંટણીમાં જે લોકોને ભરપેટ ગાળો દીધી હોત તેમને જીતાડવા માટે તેઓને મહેનત કરવી પડે છે. ભાજપના સિનિયર કાર્યકરો જાહેરમાં કહે છે કે- આ દિનદયાલ ઉપાધ્યાયની પાર્ટી નથી. આ અટલ બિહારી વાજપેયીની પાર્ટી નથી. સિદ્ધાંતોને નેવે મૂકીને સત્તા હાંસલ થઇ શકે છે પરંતુ લોકોને આપેલા વચનો પાળી શકાતા નથી. શુદ્ધ સાબરમતીમાં ગટરના પાણી નાંખવાથી પ્રવાહ દેખાશે પરંતુ તે પાણી પીવા લાયક નહીં હોય તેમ પાર્ટીને સત્તા મળશે પરંતુ તે પચાવવા લાયક નહીં હોય.

બીજી તરફ કોંગ્રેસ પણ દૂધે ધોયેલી નથી. ભાજપના અસંતુષ્ટોને લઇને કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ પણ સિનિયર કાર્યકર્તાઓને અન્યાય કર્યો છે અને એટલે જ આ કાર્યકર્તાઓ પાર્ટીના સત્તાવાર ઉમેદવારને હરાવવાનો પ્રયાસ કરે છે. કોંગ્રેસ જો છેલ્લી ત્રણ ચૂંટણી હારી હોય તો તેની પાછળનું મુખ્ય કારણ સિનિયર અને પાયાના કાર્યકર્તાઓની અવગણના છે અને પારકાંને પોતાના બનાવવાની નીતિ છે.

ગુજરાત કોંગ્રેસમાં બીજો એક બદલાવ એવો આવ્યો છે કે પાર્ટીમાં જેટલા કાર્યકરો છે તેટલા નેતા છે. ઝંડો ઉપાડીને કોઇને ધરણાં પર બેસવું નથી. 25 વર્ષની સત્તામાં કોંગ્રેસે ક્યારેય હાર જોઇ ન હતી તેથી બઘાં કાર્યકરો નેતા બની ગયા હતા. પ્રદેશના આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સત્તા મળી ત્યારે તેનો દુરપયોગ કર્યો અને પ્રજા સાથેનો નાતો તોડી નાંખ્યો હતો જેના પરિણામ આજે ભોગવવા પડે છે. કોંગ્રેસ માત્ર નામની જ પાર્ટી રહી ચૂકી છે જેને જનાધાર નથી.

દર વખતની ચૂંટણીમાં કોંગ્રેસ એવું વિચારે છે કે ભાજપથી ત્રાસેલા મતદારો ક્યાં જશે. કોંગ્રેસ પાસે આવશે. આ મદમાં કોંગ્રેસ ચૂંટણીઓ હારી છે. પ્રજાના પ્રતિનિધિઓએ મતવિસ્તારમાં જવાનું જ્યારથી બંધ કર્યું ત્યારથી કોંગ્રેસની દશા બેઠી છે. જો જનાધાર ન હોય તો કોઇપણ નેતા કે પાર્ટી વિજય હાંસલ કરી શકે નહી તે રાજકારણનો નિયમ છે. કોંગ્રેસે આમ તો 1990થી જનાધાર ગુમાવવાનું શરૂ કર્યું હતું અને 1995માં 50 ટકા જનાધાર ગુમાવી દીધો હતો. કોંગ્રેસની ઓરિજનલ વોટબેન્ક ભાજપ તરફ સરકી ગઇ હતી. PM મોદીના આવ્યા પછી તો કોંગ્રેસે મુસ્લિમો, આદિવાસીઓ, દલિતો અને પાટીદારો ગુમાવી દીધા હતા. કોંગ્રેસને વિવિધ ચૂંટણીઓમાં ભાજપના બળવાખોરો પણ નડી ગયા છે.

13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી નરેન્દ્ર મોદી 2014થી ભારતના વડાપ્રધાન છે. તેમણે તેમની ઇમેજ ખુદ બનાવી છે. પહેલા ગુજરાતમાં અને પછી ભારતમાં તેઓ લોકપ્રિયતાની ટોચપર પહોંચ્યા છે. PM મોદીને હરાવવા માટે કોંગ્રેસને બીજો જન્મ લેવો પડશે તેવું રાજકીય પંડિતો કહે છે. સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારો જીતે છે, સત્તા મળે છે પરંતુ થોડા સમય પછી તે ભાજપ આંચકી જાય છે. કોંગ્રેસ તેના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાચવી શકતી નથી. કોંગ્રેસે જનાધાર તો ગુમાવ્યો છે પરંતુ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વિશ્વાસ પણ ગુમાવ્યો છે.

રાજ્યસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાનો બળવો અને ધારાસભ્યોની એન્ટી પાર્ટી એક્ટિવિટીને કોંગ્રેસનું હાઇકમાન્ડ પણ રોકી શક્યું નથી. આજે શંકરસિંહ વાઘેલાના વફાદારોએ કોંગ્રેસ છોડીને ભાજપને વહાલું કર્યું છે. આ પગલાંથી કોંગ્રેસને તો મોટું નુકશાન થયું છે પરંતુ ભાજપના સિદ્ધાંતોને પણ હાનિ પહોંચી છે. પાયાના કાર્યકરોમાં ભારોભાર અસંતોષ વધ્યો છે. આમ છતા રાજકારણ છે, આયારામ ગયારામ વિના કોઇ પાર્ટીને છૂટકો નથી. જો કે વિચારધારા એ તો પાર્ટની જનેતા હોય છે તે કોઇ નેતાએ ભૂલવું જોઇએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp