26th January selfie contest

ડાંગ જિલ્લામાં સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાન

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના સરહદી ક્ષેત્ર ડાંગ-આહવામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, આ જળ સંચય અભિયાનના જનઆંદોલનથી ગુજરાત પાણીના દૂકાળને દેશવટો આપશે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જળ સંચયના આ મહાયજ્ઞમાં ઠેર ઠેર લોકભાગીદારી વધી રહી છે તે આ જળઅભિયાનને જનઅભિયાન બનાવે છે.
રાજ્યના ખૂણેખૂણામાંથી પ્રજાજનો, સામાજિક સંસ્થાઓ, સુજ્ઞજનોએ સ્વયંભૂ આર્થિક સહાય કરીને આ પવિત્ર યજ્ઞકાર્યમાં તેમનો ફાળો નોંધાવ્યો છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ 11 હજાર લાખ ધનફૂટ પાણીની સંગ્રહ શક્તિ વધારવાનો આ પુરૂષાર્થ છે તેમ પણ ઉમેર્યુ હતું.

પાણી જ પ્રગતિનો-વિકાસનો આધાર છે, તેમ જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાણીની અગત્યતા વર્ણવી, ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન રાજ્ય સરકારે આદર્યુ છે તેમ ઉમેર્યું હતું.

હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ચોમાસુ ગુજરાત ઉપર મન મુકીને વરસવાના વાવડ મળ્યા છે ત્યારે, વરસાદી પાણીનું ટીપેટીપું જમીનમાં ઉતારી, પ્રભુના આ મહાપ્રસાદનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ તેમણે હિમાયત કરી હતી.

પાણીના એકે એક ટીપાંનો ઉપયોગ ખેતી, પશુપાલન, વન પર્યાવરણ માટે થાય તેવા જળસંચયના કામો આ અભિયાન અંતર્ગત હાથ ધરાયા છે તેમ જણાવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૃતઃપાય થયેલી નદીઓ, કોતરોને પુનઃજીવિત કરવાના આયામનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ જળ અભિયાનને ચૂંટણીલક્ષી ગણાવીને વિરોધ વ્યક્ત કરતા તત્વોને સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું કે ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું આ અભિયાન છે. સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન, ખેલે ગુજરાત, વાંચે ગુજરાત જેવા જન અભિયાનને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે તેમ આ અભિયાન પણ હવે સમાજના પ્રત્યેક જનનું પોતીકું અભિયાન બન્યું છે તેમ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી આહવાના ગામ તળાવને ઊંડુ કરવાના તેમજ જળકૂંભિ દૂર કરવાના શ્રમયજ્ઞમાં સહભાગી થવા સ્વયં નાવડીમાં બેસી શ્રમદાન કરવા પહોચ્યા હતા.

કુદરતી જળસ્ત્રોતનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને, આગામી દિવસોમાં સૌના સાથ-સૌના વિકાસની નેમ વ્યકત કરતા મુખ્યમંત્રીએ વિકાસકામો માટે નાણાંની કોઇ સમસ્યા રહેવા દેવી નથી તેમ જણાવ્યું હતું.

નિર્ણાયક અને સંવેદનશીલ રાજ્ય સરકારનો પાયો નાંખનારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દીર્ધદ્રષ્ટિને બિરદાવી, વ્યાપક લોકભાગીદારીથી જળસંચયનો અનોખો યજ્ઞ આરંભનારા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે તે ગૌરવની બાબત છે તેમ પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું.

પ્રાસંગિક વક્તવ્યમાં રમણલાલ પાટકરે છેવાડાના જરૂરિયાતમંદો સુધી વિકાસના ફળ પહોંચાડવામાં સફળ રહેલી વર્તમાન રાજ્ય અને કેન્દ્ર સરકારનો ઉલ્લેખ કરીને, પાયાકિય સુવિધાઓ માટે સદાયે ચિંતિત અને સંવેદનશીલ રાજ્ય સરકારની કાર્યશૈલીનો ખ્યાલ આપ્યો હતો. મંત્રીએ સાપુતારા (નવાગામ)ના વિસ્થાપિતોના પ્રશ્ને સરકાર પૂર્ણ સંવેદનશીલતા સાથે આગળ વધી રહી છે, અને આગામી ટૂંક સમયમાં જ તેમના પ્રશ્નનો કાયમી નિવેડો આવી જશે તેમ જણાવ્યું હતું.

ડાંગ કલેક્ટર બી.કે.કુમારે સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જિલ્લામાં હાથ ધરાયેલા કાર્યોની વિગતો રજુ કરી હતી. આભારવિધી જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ આટોપી હતી.

પ્રભારી મંત્રી રમણલાલ પાટકર, રાજ્ય આરોગ્ય મંત્રી કિશોર કાનાણી (કુમાર), ભારત પ્રવાસન નિગમના ડીરેક્ટર કરસન પટેલ, એ.પી.એમ.સી.ના ચેરમેન-વ-માજી ધારાસભ્ય વિજય પટેલ, ભાજપા અધ્યક્ષ રમેશ ચૌધરી, આહવા તથા સુબિર તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા/તાલુકા પંચાયતના સમિતિ અધ્યક્ષઓ, પદાધિકારીઓ, હોદૃેદારો, ડાંગ કલેક્ટર બી.કે.કુમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, એસ.પી. એ.એમ.મુનિયા અને એ.એસ.પી. અજિત રાજ્યાન, નાયબ વન સંરક્ષક સર્વ ડૉ.ધીરજ મિત્તલ અને અગિ્નશ્વર વ્યાસ સહિતના અધિકારીઓ, મીડિયાકર્મીઓ, પ્રજાજનો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ જિલ્લામાં સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાન અંતર્ગત સિંચાઇ વિભાગ દ્વારા કુલ 48 કામો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચેકડેમ ઊંડા કરવાના, તથા ખેત તલાવડી બનાવવાના કુલ 127 કામો, વૉટર શેડ દ્વારા બીબુપાડા ગામે 8 કિલોમીટર લંબાઇમાં નદીઓ પુનઃજીવિત કરવાની કામગીરી, વેર-ર દ્વારા ચેકડેમ ડિસિલ્ટીંગના 18 કામો, તથા વન વિભાગ દ્વારા જુદા જુદા 114 કામો મળી કુલ-૩08 કામોનું આયોજન કરાયુ છે. આ તમામ કામો પાછળ કુલ રૂા.618.1૩ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. જળસંચયની આ કામગીરી 1લી મેથી શરૂ કરીને ૩1 મે, 2018 દરમિયાન હાથ ધરવામાં આવ્યા છે.

આહવા તળાવનું પ્રવાસન પ્રવૃતિના વિકાસના ભાગરૂપે રૂા.૩ કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં ગાર્ડન, વોક વે વીથ પેવર બ્લોક, સંરક્ષણ દિવાલ, ચીલ્ડ્રન પ્લે એરીયા, એન્ટ્રી ગેટ, સીક્યુરિટી કેબિન તથા આર.સી.સી.ના બાકડા વિગેરેની સગવડ ઉપલબ્ધ કરાવાશે.
ડાંગ જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ૩08 કામોના લક્ષ્યાંક પૈકી 278 કામો પ્રગતિ હેઠળ છે. 65 જે.સી.બી. તથા 128 ટ્રેક્ટર, અને ર (બે) ડમ્પરની સેવાઓ લેવામાં આવી રહી છે. સંગ્રહ તળાવો, વન તલાવડીઓ, અને ચેકડેમો ઊંડા કરવાથી અત્યાર સુધી ૩.50 લાખ ધનમીટર માટીના જથ્થાનું ખોદકામ કરી, ૩5 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિમાં વધારો કરાયો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp