PM મોદીને SITએ આપેલી ક્લિન ચિટ વિરુદ્ધ જાકીયાએ કરેલી અરજી પર SCએ આપ્યો આ ચુકાદો

PC: khabarchhe.com

સુપ્રીમ કોર્ટે વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા દંગાઓમાં તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપનારા SIT રિપોર્ટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. આ અરજી જાકીયા જાફરી તરફથી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે SITના તપાસ રિપોર્ટને યોગ્ય માન્યા છે. જાકીયા જાફરી પૂર્વ સાંસદ એહસાન જાફરીની પત્ની છે. જસ્ટિસ એ.એમ. ખાનવીલકર, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે 7 મહિના અગાઉ 9 ડિસેમ્બર, 2021ના રોજ જાકીયા જાફરીની અરજી પર મેરાથોન સુનાવણી પૂર્ણ કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ગુજરાત દંગાઓની તપાસ માટે બનેલી SITએ ત્યારે તાત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં ગુજરાતનાં દંગાઓ દરમિયાન જાકીયા જાફરીના પતિ ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય રહેલા એહસાન જાફરીને દંગાકારી ભીડે મારી નાંખ્યા હતા.

ગુજરાત દંગાઓ દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં એહસાન જાફરી પણ માર્યા ગયા હતા. એહસાન જાફરીની વિધવા પત્ની જાકીયા જાફરીએ SITના રિપોર્ટ વિરુદ્ધ અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. SIT રિપોર્ટમાં રાજ્યના ઉચ્ચ પદો પર રહેલા લોકોને ક્લીન ચિટ આપવામાં આવી હતી. SITએ રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ તરફથી ગોધરા ટ્રેન અગ્નિકાંડ અને ત્યારબાદ થયેલા દંગા ભડકાવવામાં કોઈ કાવતરાની વાતને નકારી દીધી હતી.

ક્લોઝર રિપોર્ટ વિરુદ્ધ એક અરજી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ લગાવવામાં આવી હતી, જેને 5 ઓક્ટોબર, 2017ના રોજ ફગાવી દેવામાં આવી હતી. SIT રિપોર્ટને પડકાર આપનારી અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધા બાદ જાકીયા જાફરીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કેસની સુનાવણી 14 દિવસ સુધી ચાલી અને અરજીકર્તાનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે કર્યું હતું. રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કર્યું, જ્યારે વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગી SIT તરફથી રજૂ થયા હતા. સુપ્રીમ કોર્ટે પણ હવે આ અરજીને ફગાવી દીધી છે.

ગોધરા ટ્રેન સળગાવવાની ઘટનામાં અયોધ્યાથી આવી રહેલા 59 લોકો માર્યા ગયા હતા, તેના એક દિવસ બાદ દંગા ભડકી ઉઠ્યા હતા. દંગાઓ દરમિયાન 100 કરતા વધુ લોકોના મોત થઈ ગયા હતા. એહસાન જાફરી અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટ્રેન સળગવાની ઘટનાના એક દિવસ બાદ માર્યા ગયેલા 69 લોકોમાંથી એક હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp