26th January selfie contest

સુરતની આગઃ પાલિકાના સત્તાધીશો 6 મહિનાથી 23 'માનવબલી'ની રાહ જોતા હતા?

PC: newsfromnadia.in

સુરતના વરાછા વિસ્તારના ટ્યૂશનક્લાસમાં લાગેલી આગમાં વિદ્યાર્થીઓ સહિત 23ના મોત થયા. આ ઘટનાના 6 મહિના પહેલા નવેમ્બર 2018ના અંતમાં વેસુ વિસ્તારના આગમ આર્કેડના ટૂયૂશન કલાસીસમાં આ રીતે જ આગ લાગી હતી. ત્યારે એક શિક્ષિકા અને એક વિદ્યાર્થી ધૂમાડાથી ગુંગળાઇને જ મોતને ભેંટ્યા હતા. લોકો કહે છે કે ખરેખર આ લોકોના દુર્ઘટનામાં મોત નથી થયા પરતું શાસકોની બેદરકારીને કારણે માનવબલી લેવાઇ છે. શાસકો જો ફાયરસેફ્ટીની અસરકારક કામગીરી કરી શક્યા હોત તો સ્માર્ટ સિટી સુરતમાં સુરક્ષા માથે લાગેલું આ કંલક ન લાગ્યું હોત.


26 નવેમ્બર 2018ના દિવસે સુરતના વેસુ વિસ્તારમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ડીપીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. તે આગ પ્રસરીને બીજા માળે આવેલા ટ્યૂશનક્લાસમાં પહોંચી હતી. ત્યારે તંત્રએ તાબડતોબ આખા કોમ્પલેક્સને બંધ કરાવી દીધો હતો. આખા શહેરમાં ટ્યૂશન ક્લાસિસને નોટિસો આપી હતી. કેટલાકને સીલ પણ કરવામાં આવ્યા હતા. પાલિકાના સૂત્રોએ જણાવ્યા મુજબ 1000 જેટલા પ્રોપર્ટીધારકોને નોટિસ અપાઇ હતી. પરંતુ ત્યારપછી શું થયું તે કોઇને ખબર નથી.

(આગમ આર્કેડ)

જો પાલિકાએ આખા શહેરમાં પગલા લીધા હતા તો આગમ આર્કેડ જેવી જ ઘટના બીજીવાર કેવી રીતે બની. તે ઘટનામાં બેના મોત થયા હતા, તેનાથી કોઇ બોધપાઠ કેમ ન લેવાયો. હવે જ્યારે 23 લોકોની જીવ ગયા છે ત્યારે ફરી ટ્યૂશન ક્લાસ બંધ કરાવી દીધા છે. એક જ દિવસમાં 866 ટ્યૂશનક્લાસનું ચેંકિગ કરીને નોટિસો અપાઇ છે. પરંતુ આનાથી કોઇ ઉકેલ નહીં આવે. પરંતુ હજુ  પણ કોઇ ચીપિયો પછાડીને કહેતું નથી કે આખા શહેરમાં ફાયરસેફ્ટી માટે ધરમૂળથી ફેરફારો કરાશે. એક એવી દલીલ કરાય છે કે ફાયરવિભાગ પાસે સ્ટાફ ઓછો છે. એટલે અસરકારક કામગીરી કરી શકતા નથી. તો શાસકોની એ જવાબદારી નથી કે ઉત્સવો અને રંગરોગાન પાછળ વર્ષે રૂ. 20 કરોડ ખર્ચ કરતી પાલિકા આવી ગંભીર બાબતમાં નિર્ણય કરીને ફાયરવિભાગને વધુ સ્ટાફ કે ગ્રાન્ટ ફાળવે. અંતે તો જવાબદારી શાસકોની જ આવે છે. મેયર, કમિશનરથી લઇને ફાયરની ચીફની જવાબદારી આવે. શાસકોએ હવે પ્રાથમિકતાઓ નક્કી કરવી પડશે. તેમણે લોકોને એ બતાવવું પડશે કે તેમના માટે લોકોના જીવ મહત્વના છે કે બ્યુટિફિકેશન. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૂત્ર આપ્યું હતું કે તેમની સરકાર સંવેદનશીલ છે. પરંતુ સંવેદના ખરેખર આજ દિન સુધી તો દેખાતી નથી. તેમણે બતાવવું પડશે કે સ્માર્ટ સિટીની વ્યાખ્યામાં લોકોને આગથી રક્ષણ આપવાની વ્યવસ્થા છે કે નહીં.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp