સુરતના યુવક મંડળે ઘરબેઠા 1500 રાખડીનું વિના મૂલ્યે વિતરણ કર્યું

PC: Khabarchhe.com

‘આત્મનિર્ભર’'.. આ એક શબ્દ સાંભળી દેશના તમામ નાગરિકો હવે આત્મસન્માન અનુભવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સમગ્ર દેશને ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન પુરૂ પાડવાનું આહ્વવાન કર્યું છે, ત્યારે તેને ખરા અર્થમાં સાકાર કર્યું છે સૂરત શહેરના મોટા મંદિર યુવક મંડળની યુવકોએ. તા.3જી ઓગસ્ટે ભાઈ બહેનના પવિત્ર સ્નેહસંબંધને ઉજાગર કરતા રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને ચૌટાબજાર સ્થિત યુવક મંડળના સ્વયંસેવકોએ નાડાછડીમાંથી નિર્મિત સ્વદેશી રાખડીઓ બનાવી છે, બજારમાં રાખડીઓ ખરીદવા બહેનો બહાર નીકળે તો કોરોના સંક્રમિત થવાનું જોખમ રહે છે, જેને ધ્યાનમાં લઈ આ સંસ્થા દ્વારા મહિલાઓને ઘર બેઠા નિ:શુલ્ક રાખડીઓ પહોંચાડવામાં આવી રહી છે. યુવકો દ્વારા આજ સુધી 1500 જેટલી રાખડીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

આ અભિનવ પ્રયાસ અંગે સંસ્થાના નેહલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશવાસીઓને ‘આત્મનિર્ભર’ બનાવવાંના આહ્વાનને ઝીલી લઈ દેશવાસીઓ ‘આત્મનિર્ભર ભારત’ના મંત્રને ફળિભૂત કરવાં યોગદાન આપી રહ્યા છે, ત્યારે અમે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પરંપરાગત રીતે ઉપયોગમાં આવતી નાડાછડીથી રાખડીઓ બનાવી છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં સાવચેતી જરૂરી છે, જેથી બહેનો બજારમાં રાખડી ખરીદવા ન જાય અને સંક્રમણથી બચે એ હેતુસર મંડળ દ્વારા અમારા મંડળ સાથે જોડાયેલી તેમજ અન્ય જરૂરિયાતમંદ બહેનોને નાડાછડીમાંથી નિર્મિત રાખડીઓ વિનામૂલ્યે વિતરણ કરાઈ રહ્યું છે.

નેહલભાઈએ વધુમાં જણાવ્યું કે, ‘રક્ષાબંધનની રાખડીઓ, દીપાવલીના ફટાકડા, હોળીના રંગ સહિત ભારતીય તહેવારોમાં વપરાતી ચીજવસ્તુઓ ચીન પોતાને ત્યાં મોટા પાયે ઉત્પાદન કરીને ભારતમાં વેચાણ કરે છે, જેના કારણે ભારતના સ્વદેશી ઉત્પાદકો, નાના વ્યવસાયીઓને તક મળતી નથી. ભારતીય બજારમાં ચાઇનીઝ વર્ચસ્વને ખતમ કરવા આપણે આત્મનિર્ભર બનવું જરૂરી છે. અમે બનાવેલી રાખડીમાં વપરાતો પારો પણ સંપૂર્ણ સ્વદેશી હોય એનું ધ્યાન રાખ્યું છે. આપણા દેશની પ્રજા આપણા દેશમાં જ ઉત્પાદિત થયેલી વસ્તુઓનો વપરાશ કરે એવી જાગૃત્તિ કેળવાય એ માટે અમે પરંપરાગત રાખડીઓનું નિર્માણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp