ખાલી એક લાખ રૂપિયામાં વિદેશ મોકલવાનું એજન્ટ કહે તો ચેતજો, ગુજરાતીઓના પૈસા ચાઉં

PC: unimoni.in

કેનેડા અને આયરલેન્ડમાં એન્ટ્રી માટે તેમજ વર્ક પરમીટ સરળતાથી મળે તે માટે એજન્ટોએ વડોદરાના 3 યુવકોના ખિસ્સા ખંખેરી નાખ્યા. તેમણે લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના નામ પર 3 લોકોએ કેનેડા અને આયરલેન્ડમાં જવાનું વર્ક પરમીટ આપવાનું કહી છેતરપિંડી કરવાની ફરિયાદ નોધાવી છે. તેમણે 3 કરતા વધુ લોકો પાસેથી તેની એડવાન્સ પ્રોસેસિંગ ફી વસૂલી લીધી હતી. તે સમયે એવો વાયદો પણ કરેલો કે હું તમને 3 લાખ રૂપિયા જે ફી થાય છે તેમાંથી અત્યારે 1 લાખ રૂપિયા જ લઉ છું. બાકીના રૂપિયા તમે મને કેનેડા કે આયરલેન્ડ પહોંચ્યા પછી આપજો, અને જો વિઝા પ્રોસેસ અટકી જાય તો અમે તમને રૂપિયા પાછા આપી દઈશું તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

વડોદરામાં છેલ્લા 4 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતો રાહુલભાઈ (નામ બદલવામાં આવ્યું છે) પણ આ એજન્ટની જાળમાં ફસાઈ ગયો હતો. આ કન્સલ્ટન્સીમાં તે કેનેડા અથવા આયરલેન્ડનું વર્ક પરમિટ હાંસલ કરવા પહોંચ્યો હતો અને તેણે એજન્ટો સાથે ચર્ચા વિચારણા કે વાતચીત કરી હતી. આ દરમિયાન તેને એજન્ટોએ કહ્યું કે સાહેબ 3 લાખ રૂપિયા આપી દો અને કેનેડામાં સેટલ કરાવી દઈશું. તમને આથી સસ્તું અને સારું પ્રોસિજર કોઈ નહીં કરી આપે.

પોતાની કારકિર્દી બનાવવા શિક્ષકને કેનેડા જવાની વધુ ઈચ્છા હતી. એ સમયે સ્ટુડન્ટ વિઝા સિવાયની આ એક જ પ્રોસિજર તેને સૌથી વધુ સારી લાગી હતી. જેથી શિક્ષકે મન બનાવી લીધું કે તે 1 લાખ રૂપિયા એડવાન્સ અને અન્ય 2 લાખ રૂપિયા કેનેડા પહોંચી કામ શરૂ કરીને આપી દેશે. જો કે થયું તેનાથી ઊંધુ અને 1 લાખ રૂપિયાની વ્યવસ્થા કરતા પણ તેને ઘણો સમય લાગ્યો હતો. તેવામાં હવે એજન્ટે એમ પણ કહ્યું કે તમે ચિંતા ન કરતા હું જો વિઝા ન કરાવી શકું તો તમને રૂપિયા પરત પણ આપી દઈશ.

શિક્ષક જ્યારે જ્યારે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસે જતા અને તેમને પૂછપરછ કરતા કે મારા વિઝા ક્યારે આવશે. એ સમયે અન્ય 3 લોકો પણ સતત તેની ઓફિસે વિઝિટ કરતા રહેતા હતા. એટલું જ નહીં તેમણે જે પ્રમાણે ધક્કા ખાધા છે એને જોતા શિક્ષકને શંકા ગઈ કે શું હકીકતમાં મારી સાથે પણ આવું તો નહીં થાય ને? વળી સતત આ લોકો પૂછપરછ કરતા કે અમે ક્યારના તમને 1 લાખ રૂપિયા આપી દીધા છે એક કામ કરો અમારે વિઝા નથી જોઈતા, પરંતુ 60 કરતા વધુ દિવસ પણ થઈ ગયા છે મને રૂપિયા પાછા આપી દો, પરંતુ આ એજન્ટો પૈસા આપવા માટે ગલ્લા-તલ્લા કરવા લાગ્યા હતા.

રિપોર્ટ્સ મુજબ, હવે એજન્ટો પોતે હવે બીજા લોકોના રૂપિયા લઈને વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતા. એ દરમિયાન અન્ય ત્રણ લોકો સાથે મળીને શિક્ષકે ફરિયાદ નોંધાવી દીધી કે મને પણ હજુ વિઝા નથી મળ્યા અને રિફન્ડ પણ આપી રહ્યા નથી. કેનેડા અને આયરલેન્ડના વિઝાનું કહીને મારી સાથે મોટી છેતરપિંડી થઈ છે. આ પ્રમાણે ફરિયાદ થતા પોલીસે લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના 3 ડિયરેક્ટરો, કૃણાલ, આશિષ અને વિકાસની ધરપકડ કરી છે. એટલું જ નહીં તેમની સામે હવે કાયદેસરની કાર્યવાહી થશે.

આ એજન્ટોએ તો જે દુકાન ભાડે રાખી છે અને તેની આડમાં કન્સલ્ટન્સી ચલાવે છે તેનું ભાડુ પણ ચૂકવ્યું નથી એવી જાણકારી મળી રહી છે. બીજી તરફ ઓફિસના માલિકે પણ કહ્યું કે મે તેને સીલ કરી દીધી છે. મારી અનુમતિ વિના કોઈએ પણ તેને ખોલવી નહીં. પોલીસ તપાસમાં વિદેશ ભાગવાના ચક્કરમાં આ એજન્ટો હતા એવું પણ સામે આવ્યું અને આ ચાર લોકો નહીં, પરંતુ ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું પણ ખૂલ્યું છે. હવે જાહેર નોટિસ આપી આમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp