ભાજપના નેતા કહે છે કે અમારી સરકારના જ મંત્રીઓ અમને મૂર્ખ બનાવે છે

PC: khabarchhe.com

ભાજપના સ્થાનિક સ્વરાજ્યના નેતાઓ હવે માનવા લાગ્યા છે કે પોતાની જ ભાજપ સરકારના પ્રધાનો જૂઠું બોલે છે, એટલું જ નહીં અમને મૂર્ખ બનાવે છે. ભાજપ સામેની આવી શરૂઆત રાજ્યના પાટનગર ગાંધીનગરથી ત્રણ કિલો મીટર દૂર આવેલા પેથાપુર ગામથી થઈ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને નાણામંત્રી નીતિન પટેલે તેમને વિધાનસભા ચૂંટણી વખતે એક વચન આપ્યું હતું તે પૂરું કરવાની યાદ અપાવવા માટે ભાજપના આગેવાનો ગયા ત્યારે મંત્રીઓ ફરી ગયા હતા. આમ થતાં જ પેથાપુર નગરપાલિકાના પ્રમુખ સહિત 18 સભ્યોએ મંત્રીઓના વચન ફેરવી તોળવાના વિરોધમાં ભાજપમાંથી રાજીનામાં આપી દીધા છે. ગાંધીનગરનો રોજનો 120 ટન કચરો પેથાપુર નજીક ઠાલવવાનું સરકારે નક્કી કર્યું છે.

તેનો વિરોધ ગામ લોકો કરી રહ્યાં છે. વિધાનસભા ચૂંટણી વખતે લોકોના મત મેળવવા માટે પ્રધાનોએ કચરો નાંખવાનું સ્થળ બદલવામાં આવશે એવું 56 ઈંચની છાતી કાઢીને આ બંને મંત્રીઓએ વચન આપ્યું હતું. પણ પછી ફેરવી તોળ્યુ છે. નાગરિકો કહે છે કે, આ તો ગાંધીનગરમાં થયું એટલે ત્યાં ભડકો થયો આવું દરેક વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના નેતાઓ રોજ વચન આપે છે અને કામ પતી ગયા પછી વચન ફોક કરી નાંખે છે. પણ ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને ભાજપના સત્તાધીશો દબાવે છે. પેથાપુરમાં પહેલાં GEB ની રાખ નાંખવામાં આવી છે. જેનાથી ગામ લોકો પરેશાન છે.

તેથી ગાંધીનગરનો ઉકરડો તેમને ત્યાં ન આવે તે માટે છેલ્લે પાંચ વર્ષથી સરકાર સામે લડી રહ્યાં છે. પણ સરકાર તેમનું સાંભળતી નથી. તેથી ગામ લોકોના દબાણના કારણે ભાજપમાંથી સામૂહિક રાજીનામાં આપી દીધા છે. પાલિકાના પ્રમુખ રણજિત વાઘેલા, ઉપપ્રમુખ શકુ ઠાકોર, કારોબારી અધ્યક્ષ મનિષ પટેલ, પક્ષના નેતા દિલીપ વાઘેલા, દંડક ભીખા ઠાકોરે પોતાના પક્ષના નેતાઓની વિરુદ્ધમાં રાજીનામાં આપી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp