આર્થિક સંકડામણ વચ્ચે ગુજરાત સરકારે વીજળીના ભાવમાં વધારો કર્યો, જાણો કેટલો

PC: chandigarhmetro.com

કોરોનાની મહામારી વચ્ચે લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. તેવામાં હવે લોકોને રાજ્ય સરકારના એક નિર્ણયના કારણે વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. ગુજરાત સરકારની વીજ કંપની GUVNL દ્વારા ફ્યુઅલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. ફ્યુઅલ ચાર્જમાં વધારો થવાના કારણે વીજ વપરાશ કરતા ગ્રાહકોના ઈલેક્ટ્રીસીટી બીલમાં પણ વધારો થશે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતની 6.5 કરોડની જનતા માથે વીજળીના ભાવ વધારાનુ ભારણ આવશે. સરકારી કંપની દ્વારા ફ્યુઅલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે, તેથી હવે પ્રાઇવેટ કંપની ટોરેન્ટ દ્વારા પણ ફ્યુઅલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન દ્વારા પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ 5000 મિલિયન યુનિટ વીજળી ઓછી ખરીદવામાં આવી છે. જેના કારણે પાવર પરચેઝની કોસ્ટમાં વધારો થઈ રહ્યો છે. પાવર પરચેઝની કોસ્ટ વધારો થવાના કારણે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ગુજરાતની 4 વીજ કંપનીઓ સાથે જોડાયેલા 1.30 કરોડ જેટલા વીજ જોડાણ ધારકો પર જૂલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિકના બિલમાં યુનિટ દીઠ 12 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 12 પૈસાના વધારાના કારણે ગુજરાતના તમામ વીજ વપરાશ કરતા ગ્રાહકો પર વીજ બિલનો 213 કરોડ રૂપિયાનો બોજો આવશે.

ગત નાણાકીય વર્ષમાં એપ્રિલ, મે અને જૂન માસમાં વીજ કંપની દ્વારા 26,520 મિલિયન યુનિટની વીજળીની ખરીદી કરવામાં આવી હતી. તેની સામે આ વર્ષે એપ્રિલ, મે અને જૂન મહિનામાં 21,348 મિલિયન યુનિટ વીજળીની ખરીદી કરવામાં આવી છે. લોકડાઉનના સમયમાં રાજ્યના ઉદ્યોગ બંધ હોવાના કારણે ઔદ્યોગિક વીજ વપરાશ ખૂબ જ ઓછો થયો હતો. વીજ વપરાશ ઉદ્યોગો દ્વારા ઓછો થવાના કારણે ઉર્જા નિગમ દ્વારા 5,000 મિલિયન યુનિટ વીજળી ઓછી ખરીદવામાં આવી છે. જેના કારણે ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 12 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક યુનિટ વીજળી પર FPPPAની ફોર્મ્યુલા મુજબ એક યુનિટ પર 2 રૂપિયા વધુ વસૂલવાના થાય છે.

મહત્ત્વની વાત છે કે, અત્યાર સુધી વીજ કંપની દ્વારા એક યુનિટ દીઠ 1.90 રૂપિયાની વસૂલાત કરવામાં આવતી હતી અને GUVNL વીજ વિતરણ કંપની દ્વારા પોતાની રીતે જ યુનિટ દીઠ 10 પૈસાનો વધારો કરી બિલની વસુલાત કરવામાં આવશે. 10 પૈસાનો વધારો કરવાની સત્તા GUVNLની ચાર વીજ વિતરણ કંપની ધરાવે છે પરંતુ યુનિટ દીઠ 2 પૈસાની વસૂલવા માટે વીજ નિયમન પંચ પાસેથી વીજ કંપનીને મંજૂરી લેવી પડે છે. તેથી આ 2 પૈસા વધારાની મંજૂરી વીજ કંપનીને મળ્યા પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાના બિલમાં આ પૈસાનો વધારો કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp