સરકાર કોવિડ ડ્યૂટીમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીને આપશે આ લાભ

PC: youtube.com

કોરોનાની મહામારી વચ્ચે રાજ્ય સરકાર સામે ડૉક્ટરોએ તેમની માગણીને લઇને અવાર નવાર આંદોલન કર્યા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ડૉક્ટરોની સાથે-સાથે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની માગણી સંતોષવા બાબતે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે રેસિડેન્ટ ડૉક્ટરોના સ્ટાઇપેન્ડમાં 40 ટકાનો વધારો કર્યો છે અને આ નિર્ણય બાદ સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને પણ વન ટાઈમ પ્રોત્સાહન માટે 15થી 21 હજાર રૂપિયા ચુકવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઇ રહી છે. ત્યારે કોરોનાના કેસ વધતા રાજ્ય સરકારે હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવાની પણ ફરજ પડી હતી. તો બીજી તરફ નવા કોવિડ સેન્ટરો પણ સરકારે ઊભા કર્યા છે. ત્યારે છેલ્લાં ત્રણ મહિનાઓમાં રાજ્યની હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓને વોલન્ટિયર્સ તરીકે ત્રણ મહિના માટે લેવામાં આવ્યા છે પરંતુ, તેમને 11 મહિનાના કોન્ટ્રાક્ટના આધારે વેતન ચુકવવામાં આવતુ હતું. પરંતુ અન્ય કર્મચારીઓનું વેતન આ કર્મચારીઓ કરતા વધારે હોવાના કારણે તેમનામાં રોષ સામે આવ્યો હતો એટલે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, 11 માસના કરાર આધારિત કામ કરી રહેલા વર્ગ-3 અને 4ના કર્મચારીઓને 21 એપ્રિલથી 31 જુલાઈ સુધીની ફરજ માટે વન ટાઇમ પ્રોત્સાહન આપવામાં આવશે.

સરકારના નિર્ણયના કારણે હવે જે લોકો 11 માસના કરાર આધારિત ફરજ બજાવે છે તેવા વર્ગ-3 અને 4ના કર્મચારીઓને 15 હજારથી લઈને 21 હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે એટલે કે, નર્સને 21,000 રૂપિયા તેમજ લેબ ટેકનિશિયન, એક્સ-રે ટેકનિશિયન, અને ECG ટેકનિશિયન સહિતના કર્મચારીઓને 15,000 રૂપિયાનું પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં આવશે પરંતુ, આ પ્રોત્સાહન એક જ વાર આ કર્મચારીઓને આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારી ખુશ થયા છે, પણ હજુ પણ ડૉક્ટરોની નારાજગી સામે આવી રહી છે. અમદાવાદમાં 6 સરકારી હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટરોએ તેમની પડતર માગણીને લઈને તંત્ર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા રેસિડેન્ટ તબીબોએ હોટેલમાં આઇસોલેશન રૂમની માગણીને લઈને હડતાલ કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp