પુર નુકસાનનો 9 લાખનો ક્લેઇમ વીમા કંપનીએ સ્ટેટ કમિશનમાં પડકાર્યો છતાં ચૂકવવો પડશે

PC: indiatoday.in

પુરના પાણીથી ફેકટરીમાં માલનો સ્ટોક અને મશીનરી વગેરે નુકસાનના ક્લેઇમને બહાનાબાજી કરી વીમા કંપનીએ નકાર્યો હતો. જેથી આખો મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલે કોર્ટે વીમા કંપનીને ક્લેઇમ ચુકવવાનો આદેશ આપ્યો હતો. જેથી વીમા કંપનીએ રાજયની વડી ગ્રાહક અદાલતમાં સુરત જિલ્લા ગ્રાહક કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. રાજ્યની વડી ગ્રાહક અદાલતે સુરત કોર્ટનો હુકમ યથાવત રાખ્યો હતો

કાંતિલાલ છબીલદાસ રેશમવાલાની જય ચામુંડા યાન ટ્રેડર્સ અને ભારતીબેન કમલેશકુમાર રેશમવાલાની કે.બી. ટેક્સટાઇલ નામની ફેકટરી સુરતમાં આવેલી છે. આ બંન્ને ફેકટરીમાં રહેલા માલ સ્ટોક અને મશીનરી વગેરેનો વીમો રૂપિયા 5લાખ અને 4 લાખ બજાજ એલ્યાન્ઝ ઇન્સ્યુરન્સ કંપની લિમિટેડનો ધરાવતા હતા. વીમો અમલમાં હતો તે દરમિયાન સુરત શહેરમાં પુરના પાણી આવતાં બન્નેની ફેકટરીમાં ફરી વળ્યાં હતા. જેથી બંન્નેએ અનુક્રમે રૂપિયા 5 લાખ અને 4 લાખનું નુકસાન થયું હતું.બંન્નેએ વીમા કંપની સમક્ષ ક્લેઇમ કર્યો હતો. વીમા કપંનીએ ફેકટરીમાં પુરના પાણીથી નહીં પણ છાપરા પરથી ગળેલા પાણીને કારણે માલ-સ્ટોક અને મશીનરીને નુકસાન થયું હોવાનું જણાવી ક્લેઇમ નામંજૂર કર્યો હતો. જેથી આ મામલો ગ્રાહક અદાલત સુધી પહોંચ્યો હતો

ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઇ રજૂઆત કરતાં જણાવ્યું કે, જો, છત પરથી ગળેલા પાણીના કારણે નુકસાન થયું હોવાનું ગણવામાં આવે તો પણ વીમા પોલીસીની શરતોમાં ગળેલા પાણીનો સમાવેશ અશુદ્વિમાં થાય છે. જેથી ક્લેઇમ મળવાપાત્ર છે. સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના ન્યાયાધીશ એસ.જે. શેઠે ક્લેઇમને મંજૂર કરી જય ચામુંડા યાન ટ્રેડર્સને રૂપિયા 5 લાખ અને કે.બી. ટેક્સટાઇલને રૂપિયા 4 લાખ વાર્ષિક 9 ટકા વ્યાજ સહિત તેમજ શારીરિક-માનસિક ત્રાસ તથા અન્ય બીજા ખર્ચ સહિત રૂપિયા 3 હજાર ચુકવવાનો બજાજ એલ્યાન્ઝ ઇન્સ્યુરન્સ કંપની લિમીટેડને હુકમ કર્યો હતો

આ હુકમને બજાજ એલ્યાન્ઝ ઇન્સ્યુરન્સ કંપનીએ રાજ્યની વડી ગ્રાહક અદાલત (ગુજરાત સ્ટેટ કમિશન)માં પડકાર્યો હતો. ગુજરાત સ્ટેટ કમિશને વીમા કંપનીની ફરિયાદ રદ કરતાં જણાવ્યું કે, ફેક્ટરીમાં થયેલું નુકસાન છતની લીકેજના કારણે નહીં પણ પુરના પાણીના કારણે જ થયું છે. જેથી સુરત જિલ્લા ગ્રાહક કોર્ટનો હુકમ યથાવત રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp