પોલીસે ખુનનો ગુનો કબુલ કરાવવા માટે રીવરફ્રન્ટના મજૂરોને 4 દિવસ સુધી માર માર્યો

PC: khabarchhe.com

આપણે આધુનિક યુગમાં આવી ગયા હોવાનો દાવો કરીએ છીએ પણ ગુજરાત પોલીસ હજી બાબા આદમના જમાના પ્રમાણે દંડા વડે ગુનાનો ભેદ ઉકેલાય છે તેવુ માને છે. અમદાવાદના રીવરફ્રન્ટ વિસ્તારમાં આનંદ મેળા પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલવા માટે રીવરફ્રન્ટ પોલીસે ત્યાં કામ કરતા મજૂરોને ઉપાડી જઈ ચાર દિવસ સુધી માર માર્યો અને વીજળીની કરંટ પણ આપ્યા હતા. આખરે માર સહન નહીં થતા છ મજૂરો સારવાર માટે વીએસ હોસ્પિટલ પહોંચી ગયા છે જો કે હજી આ મામલે પશુતા આચરનાર પોલીસ અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

દારૂ અને જુગાર જ વિશ્વનો સૌથી મોટો ગુનો છે તેવુ ગુજરાત પોલીસ માને છે DGPથી લઈ પોલીસ ઇન્સપેક્ટરો પણ દારૂના કેસ કરવામાં બહાદુરી સમજે છે. પણ જયારે ગંભીર ગુનાન ભેદ ઉકેલાતો નથી, ત્યારે ગરીબ માણસોને ઉપાડી તેમને ઠોર માર મારી તેમને ગુનો કબુલ કરવાની ફરજ પાડે છે. આવી જ ઘટના અમદાવાદના રીવરફ્રન્ટ વિસ્તારમાં ઘટી છે. ચાર દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલવા માટે રીવરફ્રન્ટ પોલીસે રીવરફ્રન્ટના બગીચાઓમાં કામ કરતા મજૂરોને પોલીસ સ્ટેશન બોલાવવાની શરૂઆત કરી હતી. સવારથી સાંજ સુધી આ મજૂરોને બોલાવી પોલીસ ઠોર માર મારતી રહી.

છેલ્લાં ચાર દિવસથી સવારે બોલાાવી સાંજ સુધી પોલીસ મજૂરોને થર્ડ ડીગ્રી આપતી હતી. મજૂરોનો દાવો છે કે પોલીસ એક જ રટણ કરતી હતી કે હત્યા તમે જ કરી છે તેવુ કબુલ કરી લો એટલે અમારું કામ પૂરું થઈ જશે, પણ મજૂરોનો દાવો છે કે તેમણે હત્યા કરી હોત તો તેઓ ભાગી ગયા હોત પણ હત્યા નહોતી કરી માટે તેઓ અહિંયા જ રહ્યા અને કોઈ વ્યક્તિની લાશ પડી છે તેવુ ખુદ આ મજૂરોએ રીવરફ્રન્ટના સિક્યોરિટી ગાર્ડને કહ્યું હતું, આમ ચાર દિવસ સુધી પોલીસનો ઠોર માર ખાધા પછી છ મજૂરો સારવાર લેવા માટે વીએસ હોસ્પિટલમાં આવ્યા છે જ્યાં તેમણે ડૉકટર સામે પોલીસની હેવાનીતની વાત કરી હતી.

આ ગરીબ મજૂર હોવાનો કારણે હજી સુધી રાક્ષણ બનેલા પોલીસ અધિકારીઓ સામે કોઈ ગુનો નોંધાયો નથી. સામાન્ય માણસ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જતા પણ શા માટે ડરે છે તેનું આ ઉદાહરણ છે. મજૂરોના દાવા પ્રમાણે પોલીસે બેંચ ઉપર સુવાડી સતત ચાર દિવસ સુધી ડંડા માર્યા જેના કારણે મજૂરો થાપાની ભાગની ચામડી સુદ્ધા નીકળી ગઈ હતી. પોલીસ સતત હત્યાનો ગુનો કબુલ કરી લો તેવું કહી રહી હતી. મજૂરો અત્યંત ગરીબ હોવાને કારણે તેમણે હત્યા કરી નથી તેવી કાકલુદી પોલીસ પાસે કરતા રહ્યા હતા. અમદાવાદ બહારના મજૂરો અહિંયા કોઈને ઓળખતા પણ નહોતા માટે તેમના માટે બોલનાર પણ કોઈ નહોતું, જેના કારણે પોલીસને છૂટો દૌર મળી ગયો અને પોલીસે ગુપ્તાંગ ઉપ વીજળીના કરંટ પણ આપ્યા હતા.

DGP શીવાનંદ ઝા માટે કાયદો અને વ્યવસ્થાનો અર્થ એટલે માત્ર દારૂ જુગાર છે. રાજ્યના લોકોની સલામતી સાથે જાણે તેમને નીસ્બત જ નથી તેવું લાગે છે. તેઓ પોતાના તાબાના અધિકારીઓને સતત દારૂ બંધ કરો તેવા જ આદેશ આપે છે. બાકીના ક્રાઈમ રેટનો વિષય તેમનો નથી તેવું લાગે છે. પોલીસ કાયદો અને વ્યવસ્થાના નામે પ્રજાને કનડી રહી છે તેની તેમને ચીંતા નથી, પહેલા તો હત્યા થાય જ નહીં તે જોવાનું કામ પોલીસનું શું છે, પરંતુ હત્યા થયા પછી માત્ર ડિટેકશન બતાવવા માટે કોઈ પણ ગરીબને ઉપાડી લાવી ડંડા મારી ગુનો કબુલ કરાવે છે, જે કોર્ટમાં ટકી શકતો નથી.

અમદાવાદ સ્માર્ટ સિટી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લાગ્યા છે. પણ આ કેમેરાને કારણે કોઈ ગુનેગાર પકડાયો હોય તેવુ બન્યુ નથી આ કેમેરાનો ઉપયોગ હેલ્મેટ નહીં પહેરનાર અને પાનની પીચકારી મારનારને દંડના પુરતો જ થાય છે, રીવરફ્રન્ટ ઉપર આટલા કેમેરા હોવા છતાં હત્યા કોણે કરી તે કેમેરામાં કેદ થયું નથી તો આવા સ્માર્ટ સિટીનો શું અર્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp