સેમ્પલ લીધાના 11 દિવસ પછી સૌરાષ્ટ્રની 2 બેંકના મેનેજરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

PC: endocrineweb.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગ કોરોનાને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે કોરોનાનું સંક્રમણ કાબુમાં આવે એટલા માટે કેટલાક લોકો સ્વેચ્છાએ તેમના ધંધા ઉદ્યોગો બંધ રાખીને તંત્ર અને સહયોગ આપી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય વિભાગની કેટલીક બેદરકારી પણ સામે આવી રહી છે. ક્યાંક કોરોનાના દર્દીને રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું કહીને ઘરે મોકલી દેવામાં આવે છે. તો ક્યાંક દર્દીના મોત પછી પણ પરિવારના સભ્યોને દર્દીની તબીયત સારી હોવાનું કહેવામાં આવે છે. આવી જ બેદરકારી અમરેલીના બગસરામાં સામે આવી છે જેમાં બેંકના કર્મચારી અને મેનેજરનો કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ 11 દિવસ પછી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું કહેવામાં આવ્યુ હતું. જો કે, સવાલ એ ઉભો થાય છે કે 11 દિવસ પહેલા બેંક મેનેજર કોરોના પોઝિટિવ હોય તો તે 11 દિવસમાં કેટલા લોકોના સંપર્કમાં આવ્યો હશે અને આરોગ્ય વિભાગ દ્વારા શા માટે 11 દિવસ સુધી આ બાબતે બેંક મેનેજર અને પ્યુનને માહિતી આપવામાં આવી નહોતી. હવે આરોગ્ય વિભાગનાકર્મીઓ બેંક મેનેજરના સંપર્કમાં 11 દિવસના સમયમાં કેટલા લોકો આવ્યા છે. તે જાણવાની કવાયત શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર અમરેલીના બગસરાની દેના બેંકના મેનેજર અને બેંક ઓફ બરોડાના મેનેજર અને પટાવાળાનો ગત 20 જૂલાઈના રોજ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 20 જૂલાઈ બાદ 11 દિવસ પછી બેંકના મેનેજર અને પટાવાળાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું આરોગ્યકર્મીઓને જાણવા મળ્યુ હતું. મહત્ત્વની વાત છે કે, 11 દિવસના સમયગાળામાં અનેક લોકો બેંકના મેનેજર અને પટાવાળાના સંપર્કમાં આવ્યા હશે. તો બીજી તરફ એક બેંકના મેનેજરની ધારીના જીરા ખાતે બદલી પણ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે કે, 11 દિવસ પછી હવે જ્યારે આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે બેંક મેનેજર અને પટાવાળો કોરોના પોઝીટીવ છે. તેથી 11 દિવસના સમયગાળા દરમિયાન બેંક મેનેજરના સંપર્કમાં કેટલા લોકો આવ્યા હશે તે બાબતે માહિતી એકઠી કરવાનું કામ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે, ત્યારે સુરત બાદ સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ અને અમરેલી જેવા શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટની મુલાકાત લીધી હતી અને સૌરાષ્ટ્રમાં અમદાવાદ પેટર્નથી કોરોના પોઝિટિવ દર્દીઓને શોધવાની કામગીરી કરવામાં આવે તેવા આદેશો આરોગ્ય વિભાગને કરવામાં આવ્યા હતા ત્યારે અમરેલીના બગસરામાં આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી પણ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે કારણ કે, આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે અનેક લોકો બેંકના મેનેજરના સંપર્કમાં આવ્યા હશે અને આ લોકોએ અન્ય લોકો સાથે પણ સંપર્ક કર્યો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp