સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આટલા દિવસ બંધ રહેશે

PC: dainikbhaskar.com

કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા રાજ્યના તમામ પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ અનલોકમાં ધીમે-ધીમે બાગ-બગીચા અને ફરવાલાયક સ્થળો ખોલવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. અનલોક 5ની ગાઈડલાઈન અનુસાર રાજ્ય સરકારે 17 ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ મુક્યુ હતું. પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા લોકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી તંત્ર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. જેથી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી કોઇ પણ પ્રવાસી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વિઝીટ કરી શકશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે-સાથે જંગલ સફારીને પણ 21 સપ્ટેમ્બરથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

17 ઓક્ટોબરના રોજ જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું ત્યારે બીજા દિવસે 2 હજાર કરતા પણ વધારે પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને વ્યુઇંગ ગેલેરીમાં પણ એડવાન્સ બુકિંગ લોકોએ કર્યુ હતું. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહેવાના હોવાના કારણે પર્યટકો માટે આગામી 27મી ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ કરવામાં આવ્યું છે અને 3 નવેમ્બરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.

એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે-સાથે જંગલ સફારી અને ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક પણ 21 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી તંત્ર દ્વારા બંધ રાખવામાં આવી શકે છે. અનલોકમાં ટ્રાયલ બેઝ પર આ પર્યટક સ્થળને ખોલવામાં આવ્યું હતું પરંતુ પર્યટકો માટે આ સ્થળ ખુલ્યા બાદ ગણતરીના દિવસોમાં ફરી થોડા દિવસો માટે તંત્ર પર્યટક સ્થળને બંધ કરી શકે છે.

હાલ જે લોકો આ પર્યટક સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. તેમને ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવાનું રહે છે. પર્યટન સ્થળો પર થર્મલ ગનથી લઈને કોરોનાની ગાઈડલાઈન અનુસાર તંત્ર દ્વારા તમામ સુવિધાઓ કરવામાં આવી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવતા લોકોનું સ્ક્રીનીંગ કર્યા બાદ તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ જ પ્રકારે જંગલ સફારીમાં પણ પર્યટકોને તપાસ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. છ મહિના બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલતા દિન-પ્રતિદિન પર્યટકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે આ સિઝનમાં 40 લાખ કરતાં પણ વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે પરંતુ છ મહિના બંધ રહ્યુ હોવાના કારણે એક અંદાજ મુજબ આ વર્ષે 15 લાખથી વધુ પ્રવાસીઓનો ઘટાડો જોવા મળશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં એક દિવસમાં માત્ર 2500 પ્રવાસીઓને 5 સ્લોટમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને વ્યુઇંગ ગેલેરીમાં 500 પ્રવાસીઓને પ્રવેશ મળી રહ્યો છે. આ તમામ પ્રવાસીઓને ટિકિટ ઓનલાઇન બુક કરાવવાની હોય છે અને 19થી 26 ઓક્ટોબર દરમિયાન સોમવારની સાપ્તાહિક રજા પણ તંત્ર દ્વારા મોકૂફ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp