26th January selfie contest
BazarBit

પતિના મૃત્યુ પછી પણ પત્નીએ નિભાવ્યો સાથ, પતિ-પત્ની એકસાથે અનંતની વાટે

PC: YOUTUBE.COM

પતિ-પત્નીને જીવનસાથી કહેવામાં આવે છે. લગ્ન પછી પતિ-પત્ની સાથે રહે છે, સુખ અને દુઃખની પરિસ્થિતિનો સાથે મળીને સામનો કરતા હોય છે, ત્યારે ગાંધીનગરમાં પતિ-પત્નીના પ્રેમનો હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિનું બીમારીના કારણે મોત નીપજ્યું હતું અને જ્યારે સગા-સંબધીઓ પતિના અંતિમસંસ્કાર કરીને પરત આવ્યા ત્યારે પત્નીનું પણ અવસાન થયું હતું. આમ પતિ-પત્નીએ એકસાથે અનંતની વાટ પકડી હતી.

એક રિપોર્ટ અનુસાર, ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ડબલડેકર વિસ્તારમાં અભેસિંહ વાઘેલા તેમના પરિવારની સાથે રહેતા હતા. અભેસિંહને કમળાની બીમારી થતા તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી, પરંતુ દવા લેતા પણ અભેસિંહની તબિયતમાં સુધાર થતો નહોતો. એક દિવસ જ્યારે બીમાર અભેસિંહની બાજુમાં તેમના પત્ની ઇન્દ્રાબા બેઠાં હતા ત્યારે અભેસિંહને પત્નીએ કહ્યુ હતું કે, હું નહીં હોઉં તો તું શું કરીશ, ત્યારે ઇન્દ્રાબાએ જવાબ આપતા કહ્યું હતું કે, તો હું પણ તમારી સાથે આવીશ. આટલું કહેતાની સાથે જ અભેસિંહ દુનિયા છોડીને જતા રહ્યા હતા. આ બાબતે પરિવારના સભ્યોને જાણ થતા તેઓ પણ શોકમાં ગરકાવ થઇ ગયા હતા. પરિવારના સભ્યોએ સમગ્ર મામલે સગા-સંબંધીઓને જાણ કરી હતી અને ત્યારબાદ અભેસિંહની અંતિમવિધિઓ પૂર્ણ કરીને તેમના અંતિમસંસ્કાર કરવા માટે સ્મશાન લઇ જવામાં આવ્યા હતા.

પરિવારના સભ્યો અભેસિંહના અંતિમસંસ્કાર કરીને પરત ફર્યા ત્યાં અભેસિંહના વિરહમાં ઇન્દ્રાબાએ પણ અનંતની વાટ પકડી હતી. એક જ દિવસમાં પતિ-પત્ની બંનેના મોત થતા પરિવારના સભ્યોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને પરિવારના સભ્યોએ ઇન્દ્રાબાની અંતિમવિધિ પૂર્ણ કરીને તેમની સ્મશાન યાત્રા કાઢી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પતિના વિરહમાં ઇન્દ્રાબાને હાર્ટએટેક આવ્યો હતો. આમ અભેસિંહ અને ઇન્દ્રાબાના અતૂટ પ્રેમે મૃત્યુના અંતિમ સમયે પણ એકબીજાનો સાથે છોડ્યો નહોતો. માતા-પિતાનું અવસાન એક જ દિવસમાં થતા દીકરી શોકમાં સરી પડતા તેની તબિયત લથડી હતી, તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp