AAPના રસ્તે ભાજપઃ અમદાવાદમાં બનાવશે દરેક વોર્ડમાં સ્માર્ટ સ્કૂલ

PC: DainikBhaskar.com

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં થયેલા દવાખાના અને શાળાના વિકાસના મુદ્દાને આગળ લઈને પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં મહાનગરપાલિકાના ભાજપ શાસકો આમ આદમી પાર્ટીના રસ્તે ચાલવાનો નિર્ણય લઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ નવી ચૂંટાયેલી પાંખની પહેલી બેઠક મળી હતી. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી શૈક્ષણિક સત્ર પહેલાં જ અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં એક સ્માર્ટ શાળા બનાવવામાં આવે. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, જે વોર્ડમાં શાળા નથી તે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે માટે શાળાઓ બનાવવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે, અમદાવાદમાં 10 સ્માર્ટ શાળાઓ છે.

મહત્ત્વની વાત એ દિલ્હીમાં કેજરીવાલ સરકારે પણ શિક્ષણ પર વધારે ભાર આપ્યો છે અને સરકારી શાળાઓને સ્માર્ટ શાળામાં કન્વર્ટ કરવામાં આવી છે. હવે અમદાવાદ શહેરમાં ભાજપ શાસકો દ્વારા પણ સ્માર્ટ શાળા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ તેમના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમદાવાદમાં 51 જેટલી સ્માર્ટ શાળાનું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે દરેક વોર્ડમાં સ્માર્ટ બનાવવામાં આવશે. આ સ્માર્ટ શાળાના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે હેતુથી બનાવવામાં આવી રહી છે. આ શાળા ઝડપથી બને તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી સત્ર સુધીમાં આ શાળાઓ બને તેવા પ્રયાસો અમે કરીશું.

સુજય મહેતા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લા પંચાયત, દસ્ક્રોઈ જિલ્લા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક 103 શાળાઓ હતી. હવે આ શાળાઓ પણ અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડની અંદર ભેળવી દેવામાં આવી છે. આ શાળાઓમાં ચાંદખેડાના લક્ષ્મીનગરની પ્રાથમિક શાળા અને રાણીપ વિસ્તારના રોનક બજારની પ્રાથમિક શાળામાં મકાન ભાડે રાખીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવતા હતા અને આ મકાનનું ભાડું 35,545 રૂપિયા મહાનગરપાલિકાને ચૂકવવું પડતું હતું પરંતુ કમિટીમાં એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, આ શાળાઓને નજીકના કોર્પોરેશનની શાળામાં સમાવી લેવામાં આવે અથવા મહાનગરપાલિકાની જે બિલ્ડીંગ હોય તેની અંદર ટ્રાન્સફર કરવામાં આવે. તો આ બેઠકની અંદર 45 શિક્ષકો અને એક કર્મચારી માટે એક કરોડ રૂપિયાના મેડીક્લેમને પણ મંજૂરી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp