તીડના આક્રમણ સામે ગુજરાત સરકાર લીધા આ પગલા

PC: khabarchhe.com

તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં પાકિસ્તાનથી આવેલા તીડના ટોળા ખેડૂતોના ખતેરો ઉપર ત્રાટકતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો. તીડો ખેડૂતોના ખેતરોમાં ઇંડા મુકતા હોવાથી તે બીજા હજારો તીડોનો જન્મ આપતા હોય છે જેનાથી ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન થાય છે. તીડથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતું અટકાવી શકાય અને ખેડૂતો શાંતિથી રહી શકે તે માટે તીડના આક્રમણ સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ત્વરીત પગલા લેવાતાં ખેડૂતોને હાશકારો અનુભાવાયો છે.

તીડ નિયંત્રણ માટે કેન્દ્રની ટીમો અને જિલ્લા ખેતીવાડી ખાતાના અધિકારીઓ વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં કેમ્પ કરી ખડેપગે તીડ નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે. તા. 11 જુલાઇ-2019 સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના લોદ્રાણી, બુકણા, અસારાવાસ, નાળોદર અને માવસરી તથા સૂઇગામ તાલુકાના મેઘપુરા, સૂઇગામ, પાડણ અને ભરડવા ગામમાં તથા તે વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં કુલ- 400 હેક્ટર વિસ્તારમાં સ્પ્રેથી જંતુનાશક દવા (મેલાથીઓન 96 ટકા યુએલવી) નો છંટકાવ કરવામાં આવ્યો છે. જેનાથી તીડનું નિયંત્રણ કરી શકાયું છે.

રણતીડ શું છે?

રણતીડ એક આંતરરાષ્‍ટ્રીય જીવાત છે અને ખેતીનો જૂનો દુશ્મન છે. રણતીડનો ઉછેર પ્રદેશ તથા હુમલાગ્રસ્ત વિસ્તાર દુનિયાના કેટલાક દેશોમાં પથરાયેલો છે. જે લગભગ ત્રણ કરોડ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ 60 દેશો તેના હુમલાગ્રસ્ત પ્રદેશમાં આવી જાય છે. રણતીડનો મુખ્યત્વે ઉછેર યમન, ઓમાન, સાઉદી અરેબીયામાંથી ઇરાન, પાકિસ્તાનના હુમલાગ્રસ્ત વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરે છે. જેમાં રાજસ્થાન, ગુજરાત અને પંજાબના અમુક પ્રદેશો મળીને 80,000 ચોરસ માઇલ જેટલો વિસ્તાર તેના ઉછેર પ્રદેશ નીચે આવે છે. ગુજરાતમાં રણતીડનો ઉપદ્રવ છેલ્લે વર્ષ-1993-94માં થયો હતો.

રણતીડ આવતા પહેલા લીધેલા અગમચેતીના પગલા

રણતીડ અંગે કેન્દ્ર સરકારે તા. 8 મે-2019ના પત્રથી અગમચેતીના પગલાં લેવા જણાવ્યું હતું. જેના પગલે તા. 13 મે-2019ના રોજ ખેતી નિયામક કક્ષાએથી રણતીડ માટે રણ વિસ્તાર ધરાવતા પાંચ જિલ્લાઓ (કચ્છ, જામનગર, દ્વારકા, પાટણ અને બનાસકાંઠા) ના જિલ્લા ખેતીવાડી અધિકારીઓને ફિલ્ડ સ્ટાફની ટીમ બનાવી સર્વ કરવા અને તીડની જાણકારી મળે તો તેની જાણ કેન્દ્ર સરકારના તીડ નિયંત્રણ એકમ અને ખેતી નિયામકની કચેરીને કરવા તથા સ્થાનિક સ્ટાફને તાલીમ આપવા સુચના આપવામાં આવી હતી.

સામાન્ય રીતે તીડ માટેની ક્ષમ્ય માત્રા 1 હેક્ટરે 10,000 તીડની હોય છે અને તેના કરતા વધુ જોવા મળે તો તાત્કાલીક નિયંત્રણના પગલાં લેવાના થાય તે ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લાના ખેતી અધિકારી, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક, આત્મા યોજનાનો સ્ટાફ, ફાર્મર ફ્રેન્ડ તથા પ્રગતિશીલ ખેડૂતોને તીડ નિયંત્રણ અંગે તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા હતા તથા જિલ્લાના સરહદી તાલુકાઓના ગામોના લોકોને તીડ માટે જાગૃત કરવા તાલીમ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા તીડ નિયંત્રણ માટે પાલનપુર ખાતે તા. 8 મે-2019થી 24 કલાકનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને ખેતી નિયામકની કક્ષાએ ગાંધીનગર ખાતે પણ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે. સમયસર માહિતીના આદાન પ્રદાન તેમજ મોનીટરીંગ માટે તમામ સંલગ્ન અધિકારીઓ, કર્મચારીઓનું વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. ખેતી નિયામક કક્ષાએથી કેન્દ્ર સરકારના તીડ નિયંત્રણ એકમની પ્રાદેશિક કચેરીઓ ભુજ અને પાલનપુર સાથે સતત સંપર્કમાં રહી માહિતી મેળવવામાં આવે છે.

રણતીડ આવ્યા બાદ લીધેલા પગલાં

તા.27 જૂન-2019ના રોજ સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં રણતીડની હાજરી જોવા મળતાં ખેતી નિયામકએ સ્થળ ઉપર મુલાકાત લઇ માહિતી મેળવી ફિલ્ડ સ્ટાફને તીડ નિયંત્રણ અંગે જરૂરી સુચના આપી હતી. ત્યારબાદ વાવ તાલુકાના લોદ્રાણી, બુકણા, અસારાવાસ, નાળોદર અને માવસરી તથા સૂઇગામ તાલુકાના મેઘપુરા, સૂઇગામ, પાડણ અને ભરડવા સરહદી વિસ્તારમાં કેન્દ્રની ટીમો દ્વારા સ્પ્રેથી જંતુનાશક દવા (મેલાથીઓન 96 ટકા યુએલવી) નો છંટકાવ કરવામાં આવ્યો જેનાથી તીડનું નિયંત્રણ કરી શકાયું છે.

તાજેતરમાં જિલ્લાના તીડ પ્રભાવિત વિસ્તારની કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યુ હતું. કૃષિ મંત્રીએ ખેડૂતો અને ગામના આગેવાનો સાથે મુલાકાત કરી તીડના આક્રમણ અને તેના સામે તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંઓ અંગેની જાત માહિતી મેળવી હતી.

તીડ નિયંત્રણની કામગીરી કરી રહેલા કેન્દ્ર સરકારના પ્‍લાન્ટ પ્રોટેકશન ઓફિસર એમ. વાય. પઠાણે એક મુલાકાતમાં જણાવ્યું કે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયાથી રણતીડ આવ્યાની માહિતી મળતાં જિલ્લામાં 9 જેટલાં સ્થળો પર તીડનું નિયંત્રણ કરવામાં સફળતા મળી છે. તેમણે કહ્યું કે પીળા કલરના તીડ છે. આ તીડોએ જયાં ઇંડા મુક્યા છે તે જગ્યાએ તીડ મોટા થવાની સંભાવના છે એટલે અમે ખેડૂતો અને લોકોના સહકારથી તીડોએ જયાં ઇંડા મુક્યા છે તેવી જગ્યાઓ શોધીને દવાનો છંટકાવ કરીએ છીએ. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં જે તીડની હાજરી જોવા મળી તેમની સંખ્યા ઓછી છે અને વધુ ગામ અસરગ્રસ્ત નથી. તીડના ઉપદ્રવથી વધુ નુકશાન ન થાય તે માટે તાત્કાલીક અસરથી નિયંત્રણના પગલાં લેવામાં આવ્યા છે અને ખેડૂતોને પણ જાગૃત કરવામાં આવ્યા છે.

તીડના આક્રમણના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સુચના અને માર્ગદર્શન અનુસાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરી વાહન સંચાલિત સ્પ્રેયર તૈયાર રાખવામાં આવ્યા છે. આમ સરકાર દ્વારા તીડ નિયંત્રણ માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે. જેનાથી મોટું નુકશાન નિવારી શકાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp