મોતિયાના ઓપરેશન માટે આવેલાને BJPના સભ્ય બનાવાયા, ઊંઘમાંથી જગાડી OTP માગ્યા
ગુજરાતના રાજકોટ જિલ્લાની રણછોડ દાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે આવેલા 350 દર્દીઓને ઊંઘમાંથી જગાડીને તેમના મોબાઈલ નંબર અને OTPનો ઉપયોગ કરીને BJPના સભ્યો બનાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક દર્દીએ આનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ત્યાર પછી BJPએ આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપવી પડી હતી.
મળતી માહિતી મુજબ, રાજકોટના જૂનાગઢના કમલેશ ઠુમ્મર ગત સપ્તાહે રાજકોટની રણછોડ દાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં આંખોનું ઓપરેશન કરાવવા માટે દાખલ થયા હતા. આ દરમિયાન તેમની સાથે લગભગ 350 દર્દીઓ હતા. આ દરમિયાન સદસ્યતા અભિયાન અંતર્ગત દરેકને BJPના સભ્ય બનાવવામાં આવ્યા હતા.
આ અંગે વાત કરતાં દર્દી કમલેશ ઠુમ્મરે જણાવ્યું હતું કે, મોડી રાત્રે અમે બધા સૂતા હતા ત્યારે એક વ્યક્તિ આવીને બધાના મોબાઈલ નંબર લઈ OTP માંગી રહ્યો હતો. આ દરમિયાન તેણે મારી પાસે પણ OTP માંગ્યો હતો. જ્યારે મેં OTP મોકલ્યો, ત્યારે મેસેજ આવ્યો કે, તમે BJPના સભ્ય બની ગયા છો. આના પર મેં તેમને પૂછ્યું કે, શું તમે મને BJPનો સભ્ય બનાવી રહ્યા છો?' તો તેણે કહ્યું કે આના વિના કોઈનો ઉદ્ધાર નથી. ત્યારપછી મેં તેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.
જ્યારે આ સમાચાર મીડિયા સુધી પહોંચ્યા ત્યારે રણછોડ દાસ ટ્રસ્ટના શાંતિ બડોલિયાએ સ્પષ્ટ કહ્યું કે, આ અમારા માણસ નથી. આ દર્દીને જાણીતી વ્યક્તિ હોઈ શકે છે. અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ. આ સમગ્ર મામલે BJPના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પણ નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, અમે કોઈને BJPના સભ્ય બનવા માટે કહ્યું નથી કે, અમારા BJP કાર્યાલયમાંથી કોઈને આવો સંદેશ મોકલવામાં આવ્યો નથી. તેમ છતાં જો કોઈ આ રીતે સભ્યો બનાવતું હશે તો તેની ચોક્કસ તપાસ કરીશું. જો કે, આ ઘટનાથી BJPની છબી પર સવાલો ઉભા થયા છે અને પાર્ટીને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
BJP હાલમાં તેના સદસ્યતા અભિયાન હેઠળ વધુને વધુ લોકોને પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હોસ્પિટલમાં બળજબરીથી સભ્ય બનાવવાની ઘટના પછી તેની છબીને અસર થતી જોવા મળી રહી છે. આવી ઘટનાઓ શાળા-કોલેજોમાં જોવા મળી ચૂકી છે. આ ઘટનાએ BJPની રણનીતિ પર સવાલો ઉભા કર્યા છે. આનાથી પાર્ટીની વિશ્વસનીયતાને નુકસાન પહોંચ્યું છે.
કોંગ્રેસ નેતા અલકા લાંબાએ આ સમગ્ર મામલે BJP પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું, 'તે અંધ ભક્તોનો આભાર કે, જેઓ પોતે મોતિયા (modiયાબિંદ)થી પીડિત છે. જો તેઓ ઇચ્છતે તો, તેઓને BJPનું સભ્યપદ આપીને નેત્રદાનના નામે બળજબરીથી તેમની આંખો પણ કાઢી શકતા હતા.' અલકા લાંબાના આ નિવેદન પછી આ મામલે રાજકીય બયાનબાજી વધુ તેજ બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp