અમદાવાદમાં ટોરેન્ટ કંપની પાલિકા પાસેથી ચાર વર્ષમાં આપેલા રૂપિયા પાછા માગે છે

PC: gandhinagarportal.com

 અમદાવાદ શહેરમાં આ વર્ષે 400 કીલોમીટરના વિવિધ વિસ્તારોના રોડ ખોદી નાંખ્યા બાદ યોગ્ય પુરાણ પણ ન કરનાર ટોરેન્ટ પાવર અમદાવાદ મહાનગર પાલિકાના તંત્ર ઉપર આનંદીબેન સરકાર સમયે મંજુર કરાયેલા એક ઠરાવના આધારે ઈમોશનલ પ્રેશર લાવી શહેરમાં એના દ્વારા ખોદવામા આવેલા રોડની ડીપોઝીટ હોય કે જમીનના ભાડા અથવા અન્ય વેરા પેટે તેના દ્વારા ભરવામા આવેલી કરોડોની રકમ વર્ષ-2015ની અસરથી પરત માંગી રહી છે. ટોરેન્ટ પાવર બાદ અમદાવાદ શહેરમાં અદાણી ગેસ દ્વારા પણ રસ્તાઓ ખોદી નાંખવામાં આવ્યા છે.ટોરેન્ટને મંજુરી અપાય તો ટોરેન્ટના વાદે અદાણી પણ ચઢીને કરોડોની રકમ પરત માંગી શકે એવી પ્રબળ શકયતાની વચ્ચે આજે અમપાના અધિકારીઓ ઢંગથી ફરજ પણ બજાવી શકતા નથી.

અમદાવાદ શહેરમાં વર્ષ-1995-96ના વર્ષથી શરૂ થયેલા શહેરના એ સમયના 192 ચો.કી.મી.વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં ટોરેન્ટ પાવરને ડીપી નાંખવાની હોય કે સબસ્ટેશન આ તેમજ આ પ્રકારની અન્ય કામગીરી માટે સ્થાયી સમિતિમાં ટોરેન્ટ પાવરને ખાસ મંજુરીના કેસમાં જે તે વિસ્તારમાં ટોકન દરથી કયાંક જગ્યા તો કયાંક પ્લોટ તો વળી ક્યાંક રોડ ઓપનીંગની પણ મંજુરી આપવામા આવતી રહી છે.છેલ્લા બે દાયકામા શહેરના વિકાસની સાથે અમપા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઉભા કરાયેલા અંદાજે સવાલાખથી પણ વધુ વીજ થાંભલાઓના મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ પણ વર્ષો સુધી ટોરેન્ટ પાવરને સોંપ્યો હતો.બાદમાં ટોરેન્ટ પાવરે સતત કમિશનમાં વધારો માંગતા તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે સ્ટ્રીટ પોલ મામલે ટોરેન્ટ પાવરની મોનોપોલી તોડી અન્ય કંપનીઓને ટેન્ડરથી કામની વહેંચણી કરી હતી.

આ તરફ ટોરેન્ટ પાવર દ્વારા વર્ષ-2015માં જે સમયે આનંદીબેન મુખ્યમંત્રી હતા એ સમયે ઉર્જા અને કેમિકલ્સ વિભાગ દ્વારા પસાર કરાયેલા ઠરાવની આડ લઈને અમપાના અધિકારીઓ ઉપર છેલ્લા કેટલાક સમયથી અત્યારસુધી અમપાને જે કાંઈ રકમનુ ચુકવણુ કર્યુ છે તે ઠરાવમાં દર્શાવ્યા પ્રમાણે પરત કરવુ એ પ્રકારનુ દબાણ કરે છે.કાલે અદાણી સહીતની અન્ય કંપનીઓ પણ આ પ્રમાણે માગણી કરતી ઉભી થઈ જાય એમ અમપાના સત્તાવારસુત્રોનુ કહેવુ છે.

સરકારના એ ઠરાવમાં શું હતુ

17 જુન-2015ના રોજ ગતિશીલ ગુજરાતના બેનર હેઠળ ઉર્જા અને કેમિકલ્સ વિભાગ દ્વારા ક્રમાંક-જીયુવી-2015-599-ક-1 પસાર કરાવી રાજયપાલની મંજુરી મેળવી રાજયભરમાં તેની અમલવારી શરૂ કરાવી હતી.આ ઠરાવમાં કરાયેલી જોગવાઈઓ આ મુજબ હતી.

1.મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિસ્તારોમાં જાહેરમાર્ગો અને શેરીઓમાં અડચણરૂપ વીજ થાંભલાઓ અને વીજલાઈનો ખસેડવી.

2.સ્થળાંતરની કામગીરી વિનામૂલ્યે કરવી અને એ માટે થનારા ખર્ચની ચુકવણી ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ,રાજય સરકાર દ્વારા વીજ વિતરણ કંપનીઓને શેરમૂડી ફાળા તરીકે ચુકવવા માટે નાણાંકીય વર્ષ-2015-16થી અમલમાં આવે એ પ્રમાણે રૂપિયા સો કરોડની એ વર્ષમાં બજેટમાં જાગવાઈ કરાઈ હતી.

શું કામગીરી કરવાની હતી

1.11 કેવીની,22 કેવીની,ભારે દબાણની વીજલાઈનો ,હળવા દબાણની વીજલાઈનો ખસેડી અન્યત્ર સ્થળાંતરીત કરવી.
2.અડચણરૂપ ટ્રાન્સફોર્મર્સ અન્યત્ર ખસેડવા.વીજપોલ અન્યત્ર ખસેડવા.
3.ઓવરહેડ વીજલાઈનો શકય હોય ત્યાં અંડરગ્રાઉન્ડ કરવી.
4.જુની ઓવરહેડ વીજલાઈનોના બદલે એબીસી કેબલ નાંખવા.

કયુ કારણ આગળ ધરાયુ હતુ.

ઉર્જા અને કેમિકલ્સ વિભાગ દ્વારા જે ઠરાવ પસાર કરી તેની અમલવારી રાજયભરમાં શરૂ કરાવી હતી એ ઠરાવમાં એવુ કારણ દર્શાવાયુ હતુ કે,મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસના કામો કરતી વખતે રસ્તા ઉપરના વીજથાંભલા,ડીપી,સબસ્ટેશનો,ઓવરહેડ વીજલાઈનો વગેરે નડતરરૂપ બનતુ હોય છે.વળી ઘણાં કિસ્સાઓમાં આ અડચણરૂપ થાંભલાઓ સહિતની અન્ય ચીજા એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા માટે મહાનગરપાલિકા કે નગરપાલિકાઓ પાસે પુરતુ નાણાંકીય ભંડોળ પણ હોતુ નથી.જેથી વિભાગ દ્વારા શેરમૂડી ભંડોળ તરીકે રાજય સરકાર દ્વારા અમલી વર્ષના બજેટમાં રૂપિયા સો કરોડની મૂડીની ફાળવણી કરવામા આવે છે.

કઈ કંપનીને કેટલી રકમની ફાળવણી કરાઈ હતી

1.ગુજરાત વીજ કંપની લીમીટેડ-23 કરોડ
2.મધ્ય ગુજરાત વીજ કંપની 23 કરોડ
3.પશ્ચિમ ગુજરાત વીજ કંપની 30 કરોડ
4.ઉત્તર ગુજરાત વીજ કંપની 24 કરોડ

કઈ શરતો રખાઈ હતી
1.કામગીરીની ઉર્જા અને વિકાસ નિગમ લિમિટેડ દ્વારા ત્રિમાસિક સમીક્ષા કરાશે.
2..નાણાંકીય ફાળવણીમાં બજેટ જાગવાઈ ન વધે એ પ્રમાણે વીજ કંપનીઓએ દરખાસ્ત કરવાની રહેશે

ટોરેન્ટ પાવરે ઠરાવનુ કયુ હથિયાર ઉગામ્યુ છે?

વર્ષ-2015માં પસાર કરાયેલા ઠરાવના આઠમા મુદ્દાને ટોરેન્ટ પાવરે અમપા પાસેથી કરોડો રૂપિયા પરત લેવા હથિયાર બનાવ્યુ છે.જેનુ વર્ણન આ મુજબ છે.
મહાનગરપાલિકાઓ-નગરપાલિકાઓ દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં વીજ વિતરણ કંપનીઓ દ્વારા નાગરિકોને વીજળી જેવી આવશ્યક સેવા પુરી પાડવા માટે ઉભા કરેલા વીજથાંભલાઓ,વીજ વિતરણ લાઈનો,ટ્રાન્સફોર્મર્સ,ફીડર્સ વગેરે માટે વીજ કંપનીઓ પાસેથી કોઈપણ પ્રકારના કર,જમીનના ભાડા,લીઝ વગેરે કોઈપણ પ્રકારની વસુલાત કરવાની રહેશે નહીં.

અમપા સૂત્રો શું કહે છે

અમપાના સત્તાવારસૂત્રો કહે છે,કંપનીની આ પ્રકારની માંગણી સંતોષવી અશકય છે.અમપા દ્વારા અમદાવાદ શહેરમાં ટોરેન્ટ પાવરને હાલની બજાર કીંમત પ્રમાણે જેની કીંમત ઘણી ઉંચી ગણી શકાય એવી જમીનો,પ્લોટો અથવા તો જગ્યાઓ સાવ ટોકન દરથી આપી છે.જેનો ઉપયોગ કંપની દ્વારા નફો મેળવવા માટે કરાયો છે.ટોરેન્ટ પાવરને લાભ આપવામા આવે તો કાલે સવારે બીજી કંપનીઓ પણ ઉભી થશે તો એમ રાહત આપીને તંત્રને દેવાળીયુ થોડુ બનાવવાનુ છે.

ટોરેન્ટ પાવરે 400 કીલોમીટરના રોડ ખોદી નાંખ્યા

આ વર્ષે અમદાવાદમાં 32 ઈંચ થી વધુ વરસાદ થયો છે સાથે જ ટોરેન્ટ પાવરે શહેરના વિવિધ વિસ્તારોમાં કંપનીના કામના નામે રોડ ઓપનીંગની પરમીશન લઈને 400 કીલોમીટરના રોડ ખોદી નાંખ્યા એટલુ જ નહીં પણ કામ પુરુ થયા બાદ યોગ્ય પુરાણ ન કરતા શહેરના રસ્તાઓને કરોડો રૂપિયાનુ નુકસાન થયુ હોવાનુ અમપાના સ્થાયી સમિતિના ચરમેન અમુલ બળવંતરાય ભટ્ટે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp