અમદાવાદી વિદ્યાર્થીઓએ બનાવેલી આ બાઇક તમને પેટ્રોલની ચિંતાથી મુક્ત કરી દેશે

PC: news18.com

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. સામાન્ય વ્યક્તિને પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવને લઇને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલના ભાવ વધવાના કારણે ટ્રાન્સપોર્ટના ભાવમાં વધારો થયો છે તેથી અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. ગરીબ વર્ગના લોકોને પટ્રોલ અને ડીઝલના ભાવ દઝાડી રહ્યા છે. કેટલાક લોકોએ આ મોંઘવારીના મારથી બચવા માટે સાયકલનો ઉપયોગ શરૂ કર્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ પેટ્રોલનો વૈકલ્પિક રસ્તો શોધી કાઢ્યો છે. આ વિદ્યાર્થીઓએ એક ઈ-બાઈક બનાવી છે. આ બાઈક માત્ર 2 યુનિટના ખર્ચમાં 80 કિલોમીટર ચાલે છે. પેટ્રોલ બાઈક એક લીટર પેટ્રોલમાં 40થી 50ની એવરેજ આપે છે પણ આ ઈ-બાઈક 2 યુનિટમાં 80 કિલોમીટર ચાલે છે. ઈ-બાઈકના કારણે વ્યક્તિને એક કિલોમીટરનો ખર્ચ માત્ર 0.25 પૈસા થયા છે.

રિપોર્ટ અનુસાર પુન:અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે કે, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ વિશ્વમાં દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેના લઈને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થાય છે. તેથી કેટલાક લોકો બેટરીથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતા થયા છે. એમાં પણ સૌરઉર્જા જેવા પુન:પ્રાપ્ય સ્ત્રોતનો વૈકલ્પિક ઉપયોગ મનુષ્યએ કરવો જોઈએ. એટલે જ ઘણી જગ્યા પર સૌરઉર્જાથી વીજળી બનાવવા આવી રહી છે. તો કેટલીક જગ્યા પર લોકો વીજળીની બચત કરવા માટે સોલાર વોટર હિટરનો ઉપયોગ કરે છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના અર્પિત અને કાર્તિક નામના બે વિદ્યાર્થીઓએ પેટ્રોલ બાઈકમાં કનવર્ઝન કીટ ફીટ કરીને પેટ્રોલ બાઈકને ઈ-બાઈકમાં કન્વર્ટ કર્યું છે.

આ બાબતે અર્પિત અને કાર્તિકનું કહેવું છે કે, લોકોને સામાન્ય જરુરીયાતોને ધ્યાનમાં લઇને તેમણે કન્વર્ઝન કીટનો ઉપયોગ કરીને બેટરીથી ચાલતી બાઈકનું નિર્માણ કર્યું છે. તેઓ છેલ્લા છ વર્ષથી આ બાઈકને બનાવવા માટે મહેનત કરી રહ્યા છે અને અંતે મહેનતનું ખૂબ સારું પરિણામ મળ્યું. આ વિદ્યાર્થીઓએ વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલથી ચાલતી બાઈક પ્રતિ કિલોમીટર 500 ગ્રામ કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડનું ઉત્સર્જન કરે છે અને તે બાઈકથી 10થી 12 ડેસીબલની માત્રામાં ધ્વની પ્રદુષણ ફેલાય છે. પણ આ ઇલેક્ટ્રિક બાઈકથી હવાનું પ્રદુષણ થતું નથી અને ઈ-બાઈક માત્ર 3થી 6 ડેસીબલ અવાજ કરતી હોવાના કારણે ધ્વની પ્રદુષણ પણ ખૂબ ઓછું થાય છે.

કાર્તિક અને અર્પિતે એક પેટ્રોલ બાઈકમાં 15થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કરીને તેમાં 4 લેટએસીડ અને લીથીયમની 2 સહિત કુલ 4 બેટરીનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ પેટ્રોલ બાઈકને ઇલેક્ટ્રિક બાઈકમાં કન્વર્ટ કર્યું છે. આ ઇલેક્ટ્રિક બાઈક 90 મિનીટના સમયમાં ફુલ ચાર્જીંગ થઇ જાય છે અને એક વાર ચાર્જ થયા પછી બાઈક 80 કિલોમીટર ચાલે છે. બાઈક ચાર્જ કરવા માટે માત્ર 2 યુનિટ વીજળી વપરાય છે જેનો ખર્ચ માત્રને માત્ર 15થી 20 રૂપિયા થાય છે. બાઈકને ચલાવવા માટે જે બેટરીનો ઉપયોગ કરવામાં આવે તે બેટરીને 2 હજાર વખત ચાર્જ કરી શકાય છે. એટલે કે, દિવસમાં એક વખત બેટરીને ચાર્જ કરવામાં આવે તો 5 વર્ષ સુધી બેટરી બદલવાની થતી નથી. આ બંને વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં ઈ-ટ્રેકટર, રીક્ષા અને સાઈકલ જેવા વાહનો વિકસાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp