26th January selfie contest

કોંગ્રેસ વિકાસની રાજનીતિ કરતી નથી: યોગી આદિત્યનાથ

13 Oct, 2017
04:00 PM
PC: indianexpress

ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાં હાજરી આપવા આવેલા ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી અને હિન્દુત્વનાં ફાયર બ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથે વલસાડ ખાતે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે કોંગ્રેસ વિકાસની રાજનીતિ કરતી નથી. આતંકવાદ કોંગ્રેની દેણ છે. અલગાવવાદ અને નક્સલવાદ પણ કોંગ્રેસની દેણ છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારની જનની છે. ધર્મ અને જાતિનું રાજકારણ રમી કોંગ્રેસ દેશને વિભાજીત કરવા માંગે છે. રાષ્ટ્રવાદી રાજનીતિને બદનામ કરે છે. કોંગ્રેસે વિકાસની રાજનીતિ કરી નથી અને જે કરે છે તેના પર આક્ષેપોની ભરમાર કરે છે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાત ગૌરવ યાત્રમાં બે દિવસ માટે જોડાવા માટે ગુજરાત આવી પહોંચ્યા હતા તેમણે વલસાડ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. યોગી આદિત્યનાથે પારડી, અતુલ, વલસાડ, ચીખલી, ગણદેવી, અમલસાડ, અબ્રામા, એરૂ, કબીલપોર, મરોલી અને સચીન ખાતે યાત્રામાં જોડાશે અને જાહેરસભાઓને સંબોધવાના રવાના થયા હતા. આજે રાત્રે સુરત ખાતે ઉત્તર ભારત ઉદ્યોગ પરિસંઘના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે તથા બીજા દિવસે તારીખ ૧૪ ઓક્ટોબરે કચ્છ જીલ્લામાં ગૌરવ યાત્રામાં હાજરી આપશે.

પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં 6 વિધાનસભા ક્ષેત્રોમાં 136 કિલોમીટરનો પ્રવાસ કરશે તેમજ વલસાડ, ચીખલી, એરૂ, કબીલપોર અને સચીન ખાતે જાહેરસભા યોજાશે. ગણદેવી અને અબ્રામા ખાતે સ્વાગતસભા તથા ગૌરવ યાત્રાનું ૪ સ્થાનો પર પ્રજાજનો દ્વારા આવકાર - સ્વાગત થશે અને ગૌરવ યાત્રા પ્રજાજનોનું અભિવાદન ઝીલશે.

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલના નેતૃત્વમાં ગુજરાત ગૌરવ યાત્રા ઉત્તર ગુજરાત ઝોનમાં કચ્છ જીલ્લામાં 4 વિધાનસભા ક્ષેત્રોમાં 147 કિલોમીટરનો પ્રવાસ કરશે, તેમજ રાપર, સામખીયાણી, ગાંધીધામ, અંજાર અને ભૂજ ખાતે જાહેરસભા યોજાશે તથા ગૌરવ યાત્રાનું ૬ સ્થાનો પર પ્રજાજનો દ્વારા આવકાર - સ્વાગત થશે અને ગૌરવ યાત્રા પ્રજાજનોનું અભિવાદન ઝીલશે.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.