26th January selfie contest

અન્ય દવાખાનાઓ ના પાડી ત્યારે સયાજી હોસ્પિટલે 85 વર્ષના દાદીમાને સાજા કર્યા

PC: Khabarchhe.com

85 વર્ષના દાદીમા સુધા કુલકર્ણીની તબિયત એકાએક ચાર પાંચ દિવસમાં ખૂબ કથળી ગઈ. અન્ય કોઈ વિકલ્પ ન જણાતા સ્વજનો ચહેરા પર ચિંતાની લકીરો સાથે એમને સયાજી હોસ્પિટલમાં લાવ્યા. અહી એમની ઉચિત સારસંભાળ લેવાતા 5 દિવસમાં તો તેઓ પોતે ખુશખુશાલ વદને સાજા થઈને ઘેર ગયા અને સ્વજનો એ તેમને હરખભેર ઘેર લઈ જવાની સાથે એમની ઘર વાપસીને ઉમળકા સાથે આવકારી ત્યારે હૃદયસ્પર્શી વાતાવરણ સર્જાયું.

ઘટનાની વિગતો આપતાં એક પત્રમાં એમના દીકરી સ્મિતા કુલકર્ણી લખે છે કે 4 થી 5 દિવસમાં સુધામાંની તબિયત ખૂબ કથળી ગઈ, જાતે ચાલવા ફરવાનું, જાતે ભોજન લેવાનું બંધ થઈ જતાં અમે સહુ ચિંતામાં મુકાઈ ગયા હતા. હાલ વાતાવરણ કોવિડ મહામારી નું છે ઍટલે અમને પણ તેઓ ચેપગ્રસ્ત થયાં હોવાની શક્યતા લાગી.

કોવિડના સંજોગો હોવાથી કોઈ અન્ય દવાખાના એમને સીધેસીધા દાખલ કરવા તૈયાર જ ન હતા. પરિવાર ખૂબ મુંઝવણ અનુભવી રહ્યો હતો. આખરે છેલ્લા ઉપાય તરીકે સારવાર માટે સયાજીનો વિકલ્પ વિચાર્યો. બરોડા મેડિકલ કોલેજના ડીન ડૉ. તનુજા જાવડેકર કુલકર્ણી પરિવારના મિત્ર હતાં. એમની સાથે પરામર્શ પછી વયોવૃદ્ધ સુધાબહેનને સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લાવ્યા.

અહી તાત્કાલિક તેમનો કોવિડ રેપિડ ટેસ્ટ કર્યો જે નેગેટિવ આવતાં રાહત થઇ. તુરત જ બીપી, બ્લડ સુગર, છાતીનો એકસ રે, ઇસીજી, સિટી સ્કેન, લીવરની સોનોગ્રાફી, લોહીની તપાસ જેવા શ્રેણી બદ્ધ ટેસ્ટ કરી એમનું રોગ નિદાન કરવામાં આવ્યું.

સયાજી હોસ્પિટલના કોવિડ સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડૉ. બેલીમ અો. બી. એ જણાવ્યું કે સુધાબા કોરોના મુક્ત જણાતા તુરત જ તેમને નોન કોવીડ સી 3 વોર્ડમાં ખસેડી, તેમની વયોવૃધ્ધતાને અનુલક્ષીને ઉચિત સારસંભાળ લઈ ઉપચાર કરવામાં આવ્યો. જેનું સારું પરિણામ મળતાં સહુને આનંદ થયો છે.

ઇમરજન્સીમાં સયાજી હોસ્પિટલ અમારા પરિવારને ખૂબ મદદરૂપ બની એવા શબ્દો સાથે હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરતાં સ્મિતા કુલકર્ણી એ જણાવ્યું કે આ સરકારી દવાખાના ના તબીબો અને નર્સિંગ સ્ટાફ, સેવકોનું વર્તન ખૂબ જ સહયોગ ભર્યું છે. તેમણે તનુજા મેડમ સહિત તમામ તબીબો, સ્ટાફને દિલ થી ધન્યવાદ આપ્યાં.

જેમનું નામ આ હોસ્પિટલને મળ્યું છે એવા સયાજી મહારાજે રૈયતના આરોગ્યની કાળજી લેવા આ દવાખાનું શરૂ કરાવ્યું હતું. એમના દૂરંદેશી ભર્યા શાસન સૂત્રો અપનાવનાર અને અમલમાં મૂકનાર રાજ્ય સરકાર અને અહીંના તબીબો, સ્ટાફ આજે પણ એ ભાવનાને સાકાર કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp