26th January selfie contest

સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના કેસમાં વડતાલના ત્રણ સંતો ફરાર

PC: youtube.com

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચાલતી લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં દક્ષિણ ગુજરાતમાં રહેતા એક સત્સંગીએ પોતાના પુત્રમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને તે ભગવાનની ભક્તિ કરે તે માટે પુત્રને ભણવા માટે મૂક્યો હતો. જયારે સગીર અભ્યાસ કરવા માટે ગુરુકુળમાં રહેતો હતો ત્યારે સુવ્રત સ્વામી સગીર પાસે પોતાની સેવા ચાકરી કરાવતા હતા. ક્યારે તેઓ સગીર પાસે પોતાના કામ કરાવતા હતા તો કેટલીક વાર તેઓ સગીર પાસે પોતાના પગ દબાવડાવતા હતા.

સુવ્રત સ્વામી સગીરને તેની સાથે થોડા મહિનાઓ પહેલા ઋષિકેશ લઇ ગયા અને ત્યાં સગીરની એકતાનો લાભ ઉઠાવીને સગીર સાથે સતત ત્રણ મહિના સુધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. સગીર જ્યારે વડતાલ પરત ફર્યો ત્યારે તેને આ સમગ્ર મામલે ટેમ્પલ કમિટીના ચેરમેન દેવસ્વામી અને કોઠારી વલ્લભસ્વામીને વાત કરતા તેને સુવ્રત સ્વામીનો પક્ષ લીધો હતો. આ તમામ સંતોથી કંટાળીને સગીરે સમગ્ર મામલે તેના પિતાને જાણ કરતા સગીરના પિતાએ સુવ્રત સ્વામી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવા બદલ, કમિટીના ચેરમેન દેવસ્વામી અને કોઠારી વલ્લભસ્વામી પર આરોપી સંતની મદદ કરવા બાબતે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદ થતાની સાથે ત્રણેય સંતો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તેમના મોબાઈલ પણ તેઓએ બંધ કરી દીધા હતા. પોલીસે આ ત્રણેય સંતોના રૂમની તપાસ કરીને તેમાંથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓના નમુના લીધા હતા. ત્રણેય આરોપી સંતો ફરાર હોવાના કારણે પોલીસે ત્રણેય સંતોની કોલ ડીટેઈલ મેળવવાની તજવીજ શરૂ કરી છે. આ કેસમાં મહત્ત્વની વાતએ છે કે, પોલીસે માત્ર અરજીના આધારે તપાસ શરૂ કરી છે અને આ તપાસમાં સંતોના નિવેદન લીધા છે. સંતોએ પોતાના નિવેદનમાં પોતાના પર લાગેલા આરોપોને નકાર્યા હતા. પોલીસ હવે આગામી સમયમાં આ સંતોના પરિવારજનોના ઘરે પણ તપાસ કરશે અને પૂર્વાશ્રમ જીવન વિષે પણ કેટલીક માહિતી મેળવશે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp