અમદાવાદ એરપોર્ટ પર કાર પાર્કિંગ મુદે ઋત્વિજ પટેલે ટ્રાફિક પોલીસ સાથે કરી માથાકુટ

PC: facebook.com

ગઈકાલે જ્યારે ઋત્વિજ પટેલ બંગાળથી અમદાવાદ એરપોર્ટ આવ્યા ત્યારે કાર પાર્કિંગ બાબતે તેમણે પોલીસ અધિકારી અને ટ્રાફિક કર્મચારી સાથે બોલાચાલી કરી હતી. 

એક રીપોર્ટ અનુસાર, જ્યારે ઋત્વિજ પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને કાર્યકર્તાઓ લેવા માટે આવ્યા હતા. તે સમયે એક કાર્યકર્તાએ તેની ફોર્ચ્યુનર કારને એરપોર્ટના નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરી હતી. જેના કારણે ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીએ આ ગાડીને હટાવવા માટે વારંવાર જાહેરાત કરી, પરંતુ એક પણ ભાજપના કાર્યકર્તાએ કાર ન ખસેડી. જેના કારણે ટ્રાફિક પોલીસકર્મી કારને ટો કરી ગયા હતા. કારને ટો કરતાંની સાથે ભાજપના કાર્યકર્તાઓ ટ્રાફિક પોલીસકર્મી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ ઋત્વિજ પટેલને થતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોતાના કાર્યકર્તાનો વાંક હોવા છતાં પણ ટ્રાફિક પોલીસકર્મી સાથે બોલચાલી કરવા લાગ્યા હતા.

સમગ્ર ઘટનાની જાણ પોલીસ ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઋત્વિજ પટેલને સમજાવવાના પ્રયાસ કર્યો હતો, પરંતુ ઋત્વિજ પટેલે પોલીસ અધિકારી સાથે પણ બોલાચાલી કરી હતી. જ્યારે બંગાળમાં ઋત્વિજ પટેલ પ્રચાર માટે ગયા હતા ત્યારે બંગાળની પોલીસની સામે તેમનું કંઈ ચાલ્યું ન હતું, પરંતુ જેવા ગુજરાતમાં આવ્યા કે તરત જ તેમણે પોલીસ સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદ પોલીસ અધિકારીએ સમાધાન કરવા માટે અને કારને છોડવા માટે 600 રૂપિયાનો દંડ ભરવા માટે જણાવ્યું હતું અને અંતે ઋત્વિજ પટેલે 600 રૂપિયા ભરીને કારને છોડાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ઋત્વિજ પટેલનું બંગાળમાં તો કંઈ ચાલ્યું નહીં, પરંતુ તેમણે ગુજરાતમાં આવતાની સાથે જ પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એક તો તેમના કાર્યકર્તાઓએ નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરી અને પછી સીધી રીતે દંડ ભરવાની જગ્યા પર અડધો કલાક પોલીસ સાથે માથાકૂટ કરીને પછી દંડ ભર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp