તે સોમનાથ મંદિર બહાર ફૂલ વેચી રહ્યા હતા, ઘરમાં મુસ્લિમ છોકરીનો ઉછેર થઈ રહ્યો હતો

PC: khabarchhe.com

તેનું નામ શબનમ, તે વેરાવળ આવી ત્યારે માંડ પાંચ વર્ષની હતી. તેના પિતા કમરૂદ્દીન શેખ સાથે તે આવી હતી. અમદાવાદ રહેતા કમરૂદ્દીનની પત્ની ગુજરી ગઈ અને નોકરી વેરાવળ હોવાને કારણે પોતાની નાનકડી દીકરી શબનમને ક્યાં રાખવી તે પ્રશ્ન હોવાને કારણે તેને પોતાની સાથે વેરાવળ લઈ આવ્યા હતા. કમરૂદ્દીનની પડોશમાં મેરામણ જોરા રહેતા હતા. તેમનો ધંધો ફૂલોનો હતો. તે સોમનાથ મંદિર બહાર બેસી ફૂલ વેચી રહ્યાં હતા. ફૂલ વેચનાર મેરામણભાઈ અને તેમની પત્ની રાજીબહેને જ્યારે શબનમને જોઈ ત્યારે તેમને લાગ્યું કે ડ્રાઈવિંગનો ધંધો કરનાર કમરૂદ્દીન કઈ રીતે દીકરીને ઉછેરી શકશે? તેમણે કમરૂદ્દીનને વિનંતી કરી કે ભાઈ તારી દીકરી મારી દીકરી છે. મા વગરની જિંદગી બહુ અઘરી હોય છે. તે પણ પાછી દીકરીની જાત છે. અમે તારી દીકરી શબનમને ઉછેરીશું.

બસ ત્યારથી શબનમ મેરામણ અને રાજીની દીકરી થઈ ગઈ. મેરામણને એક દીકરો ગોપાલ પણ હતો. તે શબનમ કરતા મોટો હતો, પણ તેને મનમાં પણ શબનમ એટલે પોતાની સગી બહેન હોય તેવો ભાવ અને પ્રેમ હતો. મેરામણના ઘરમાં શબનમ મોટી થવા લાગી. જો કે મેરામણે તેને મદ્રેસામાં પણ પ્રવેશ અપાવ્યો. જેથી તેને ઉર્દૂ અને ઈસ્લામનું શિક્ષણ મળે. હિન્દુ પરિવારમાં રહેતી શબનમ બધા જ હિન્દુ તહેવાર તો ઉજવતી પણ તે રોજાની નમાઝ પણ ઘરમાં જ અદા કરતી હતી. રમઝાનમાં તે રોઝા પણ રાખતી હતી. શબનમને મન મેરામણ અને રાજી જ તેના મા-બાપ હતા.

શબનમ મોટી થઈ રહી હતી ત્યારે કમરૂદ્દીન તેને મળવા માટે પણ આવતો હતો પણ 2013ના અરસામાં અમદાવાદ કામે જવું છું, તેવું કહીને નીકળેલો કમરૂદ્દીન ક્યારે પાછો ફર્યો જ નહીં. હવે શબનમ વીસ વર્ષની થઈ ગઈ. તેના લગ્ન થવા જોઈએ તેવું મેરામણભાઈને લાગી રહ્યું હતું. થોડા વર્ષ પહેલા પોતાના પુત્ર ગોપાલના ધામધૂમથી લગ્ન કર્યા, તેવી જ રીતે તેઓ શબનમના લગ્ન કરવા માગતા હતા, પણ શબનમ મુસ્લિમ હોવાને કારણે તેના લગ્ન પણ કોઈ લાયક મુસ્લિમ યુવક સાથે થાય તેવી તેમની ઇચ્છા હતી. મેરામણભાઈ વેરાવણના મુસ્લિમ આગેવાનો સાથે વાત કરી કોઈ લગ્ન લાયક યુવક હોય તે બતાડવા કહ્યું ત્યારે ગીર સોમનાથના જાવત્રી ગામમાં રહેતા અબ્બાસ બલોચ સાથે મુલાકાત થઈ. મેરામણે તેની તપાસ કરી તો અબ્બાલ ગરીબ અને અલ્લાહનો ડર રાખનાર માણસ હતો. અબ્બાસે જ્યારે હિન્દુ પરિવારમાં ઉછરેલી શબનમને જોઈ ત્યારે તેણે તરત નિકાહ માટે હા પાડી. તેની ઇચ્છા પણ ગરીબ પરિવારની કન્યા સાથે નિકાહ કરવાના હતી.

થોડા દિવસ પહેલા મેરામણના ઘરની બહાર મંડપ બંધાયો. હિન્દુના લગ્ન પહેલા જેમ મંડપ સ્થાપનની પૂજા થાય તેવી પૂજા થઈ. ગણેશ સ્થાપન થયું. શબનમના હાથમાં મહેંદી લાગી અને મુસ્લિમ જાન હિન્દુ મેરામણના આંગણે આવી હતી. પહેલા બધી હિન્દુ વિધી થઈ અને ગણેશ પૂજા પછી નિકાહ કબુલ થયા. અબ્બાસ જ્યારે પોતાની બેગમ શબનમને પોતાના ઘરે લઈ જઈ રહ્યો હતો ત્યારે મેરામણ, રાજી અને ગોપાલ સહિત તમામ હિન્દુ પડોશીઓની આંખમાં આંસુ હતા. તે આંસુનો કોઈ ધર્મ ન્હોતો. તેમની એક આંખમાં શબનમના લગ્નની ખુશીના આંસુ હતા જ્યારે બીજી આંખમાં શબનમ હવે જઈ રહી છે તે વિખૂટાં પડવાના દુ:ખના આંસુ હતા. મેરામણ અને રાજીએ સ્કૂલનું શિક્ષણ લીધું નથી, પણ સોમનાથ દાદાની તેમના ઉપર ભરપૂર કૃપા થઈ હશે તો તેઓ આટલા નેક ઈન્સાન બની શક્યા.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp