વાઇબ્રન્ટ એક્ઝિબિશન સેન્ટરનો 6 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી

PC: commonfloor.com

સરકારની સંસ્થાઓ અને વિભાગો બાકી લેણાં ભરતા નથી તેવા કિસ્સાઓમાં વાઇબ્રન્ટ એક્ઝિબિશન સેન્ટરનો ઉમેરો થયો છે. આસેન્ટરોમાં પ્રદર્શન કરીને ઉંચા ભાડા તો લેવામાં આવે છે પરંતુ સ્થાનિક સંસ્થાના ટેક્સના બાકી રૂપિયા ચૂકવવામાં આવતા નથી. ગુજરાત સરકાર નવમી વાઇબ્રન્ટ સમિટ કરવા જઇ રહી છે ત્યારે સેક્ટર-17માં આવેલા આ સેન્ટરનો 5.50 કરોડનો મિલકત વેરો બાકી છે. આવેરો વસૂલવા માટે કોર્પોરેશને ઇન્ડેક્સ-બી અને માર્ગ મકાન વિભાગને નોટીસો મોકલી છે પરંતુ આ ટેક્સ કોણ ભરે તે નક્કી થતું નથી.

આ એક્ઝિબિશન સેન્ટર ચાર વર્ષ પહેલાં બન્યું છે જેનો પાંચ કરોડથી વધુનો મિલકત વેરો બાકી છે. કોર્પોરેશને પહેલા ઇન્ડેક્સ-બીને નોટીસ આપી તો ત્યાંથી એવો જવાબ આવ્યો કે આ ટેક્સ માર્ગ મકાન વિભાગે ભરવાનો થાય છે. ગાંધીનગરની વિવિધ મિલકતોના બાકી ટેક્સનું બીલ 20 કરોડ કરતા વધુ છે, જેની વસૂલાત માટે આ નોટીસો આપવામાં આવી છે. બીજી તરફ માર્ગ મકાન વિભાગે પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે આ મિલકત અમારા કબજામાં આવતી નથી તેથી નિગમમાંથી ટેક્સ વસૂલ કરવો જોઇએ.

ગાંધીનગરના સેક્ટર-17મા સરકારે હેલીપેડ તોડીને ચાર વર્ષ પહેલાં એક્ઝિબિશન સેન્ટર બનાવ્યું છે જેમાં 14 વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટ વખતે અહીં પ્રદર્શન યોજાય છે અને સ્ટોલની આવક થાય છે. ઉદ્યોગ વિભાગ સ્ટોલની આવક તો મેળવે છે પરંતુ કોર્પોરેશનનો ટેક્સ ભરવામાં આવે ત્યારે માર્ગ મકાન વિભાગની જવાબદારી હોવાનું કહે છે.

કોર્પોરેશનના અધિકારીએ કહ્યું હતું કે નોટીસ પછી સમયસર ટેક્સ ભરવામાં નહીં આવે તો આ સેન્ટરના બધા ડોમ સીલ કરી દેવામાં આવશે. જાન્યુઆરી મહિનામાં વાઇબ્રન્ટ સમિટ થઇ રહી છે ત્યારે જો કોર્પોરેશન આ સેન્ટરને સીલ કરશે તો તેના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp