26th January selfie contest
BazarBit

ભાજપી વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જશે? દૂધસાગર ડેરીમાં કોંગ્રેસીઓને દૂધ પીવડાવ્યું

PC: khabarchhe.com

હરીયાણામાં માનેસર ખાતે દૂધસાગર ડેરીના પ્લાંટમાં ત્રણ દિવસથી ચાલતી હડતાલનો અંત લાવવાના બદલે વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના રબર સ્ટેમ્પ અધ્યક્ષ આશા ઠાકોર અને વિપુલ ચૌધરી સાથે કોંગ્રેસના ઠાકોર આગેવાનો વચ્ચે બેઠક થઈ છે. દૂધસાગર ડેરીએ પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરીના કહેવાથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવા તેની મંડળીઓને આદેશ આપ્યો હતો. ત્યાર બાદ આ બેઠક અત્યંત મહત્વની એટલા માટે છે કે, ભાજપના નેતા વિપુલ ચૌધરી કોંગ્રેસમાં જવાની તૈયારી કરી રહ્યાં હોવાની વાત આવી રહી છે. 

એવું કહેવાઇ રહ્યું છે કે વિપુલ ચૌધરી પોતાની રાજકીય તાકાત બતાવવા ઠાકોર કાર્ડ ખેલી રહ્યાં છે. કોંગ્રેસના ફૂટેલ નેતા અલ્પેશ ઠાકોરને જે રીતે કોંગ્રેસની પીઠ પાછળ ગદ્દારીની છરી મારી તેનું વેર વાળવા માટે 16 મે 2019માં દૂધસાગર ડેરીના ગેસ્ટ હાઉસમાં કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક મળી રહી છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, જગદીશ ઠાકોર, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, લોકસભાના ઉમેદવાર એ જે પટેલ, બહેચરાજી ધારાસભ્ય ભરત ઠાકોર, કડીના ધારાસભ્ય બળદેવજી ઠાકોર હાજર હતા.

ડેરી તરફથી અધ્યક્ષ આશા ઠાકોર, ઉપ અધ્યક્ષ મોગજી દેસાઈ, બોર્ડના સભ્યો, વિપુલ ચૌધરી હાજર હતા. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દૂધ સાગર ડેરીના દૂધની ચા પિવડાવી હતી. વિપુલ ચૌધરી સહિત મોંઘજી ચૌધરીએ આ નેતાઓનું સ્વાગત કર્યું હતું.

લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત ન આપવા માટે ડેરીને રાજકારણમાં ઘસડી જવામાં આવી હતી. કોંગ્રેસને મત આપવા માટે વિપુલ ચૌધરીએ આદેશો અપાવ્યા હોવાની વાત આવી હતી.

સામે જો કોંગ્રેસની કેન્દ્રમાં સરકાર બને તો વિપુલ ચૌધરીએ રૂ.20 કરોડના કૌભાંડમાં નાણાં ભરવાના થાય છે તે નાણાં નહીં ભરવા અને બીજા અનેક ગુના નોંધાયા છે તેમાં વિપુલ ચૌધરીને મદદ કરવાની સોદાબાજી થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યાર બાદ સમગ્ર મહેસાણા જિલ્લાના મત કોંગ્રેસના ઉમેદવારને આપવા પ્રયાસો કરાયા હતા. તેથી ભાજપને તેમાં મોટો ફટકો પડી શકે તેમ હતો.

 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp