26th January selfie contest

ખેડૂતો માટેની વાયબ્રન્ટ સમિટ દર બે વર્ષે યોજવાની હતી, પણ કોને પડી છે?

PC: intoday.in

ગુજરાતમાં ઉદ્યોગોને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે તેટલું મહત્ત્વ કૃષિ સેક્ટરને આપવામાં આવતું નથી. પરિણામે ઉદ્યોગો સમૃદ્ધ થતા જાય છે. ખેડૂતો ગરીબ બની રહ્યા છે. રાજ્યમાં છ વર્ષ પહેલા જાહેર થયેલી વાયબ્રન્ટ એગ્રીકલ્ચર સમિટ હવે થતી નથી. 6 વર્ષમાં માત્ર બે વખત આ સમિટ યોજવામાં આવી છે.

રાજ્યમાં 2003થી દર બે વર્ષે વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ યોજવામાં આવે છે. આ સમિટ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી હતી. માત્ર 80 MOUથી આજે આવી સમિટમાં 28 હજાર કરતા વધુ MOU સાઇન થયા છે.

નરેન્દ્ર મોદીએ 2013ની સમિટના અંતે એવી જાહેરાત કરી હતી કે ગુજરાતમાં દર બે વર્ષે ઉદ્યોગો માટે સમિટ થાય છે, તેવી કૃષિ સેક્ટરની સમિટ પણ દર બે વર્ષે યોજવામાં આવશે. આ જાહેરાત પછી ગુજરાતમાં માત્ર 2014મા એગ્રીકલ્ચર સેક્ટરની એક વાયબ્રન્ટ સમિટ થઈ છે પરંતુ 2016 કે 2018મા આવી કોઈ સમિટ થઈ નથી. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી ગુજરાત એગ્રીકલ્ચર સમિટને ભૂલી ગઈ છે.

PM મોદીનો કન્સેપ્ટ એવો હતો કે ગુજરાતમાં ઉદ્યોગો માટે આપણે બે વર્ષે એકવાર ગ્લોબલ સમિટ કરીએ છીએ પરંતુ ઉદ્યોગ કરતા જેને વધારે મહત્ત્વ આપવામાં આવેલું છે તે એગ્રીકલ્ચર સેક્ટરને મહત્ત્વ મળતું નથી. તેથી PM મોદીએ દર બે વર્ષે વાયબ્રન્ટ એગ્રીકલ્ચર સમિટ યોજવાની જાહેરાત કરી હતી. આ સમિટ પણ મહાત્મા મંદિરમાં યોજવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં દુનિયાના દેશોના તજજ્ઞો અને કૃષિ નિષ્ણાતોને બોલાવીને ગુજરાતમાં મૂડીરોકાણ કરાવવાનો મકસદ હતો, પરંતુ તે ફળિભૂત થયો નથી.

ગુજરાત સરકારે જ્યારે મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2014મા મહાત્મા મંદિરમાં એગ્રીકલ્ચર સમિટ યોજી હતી પરંતુ તે પછી આ સમિટ મહાત્મા મંદિરમાં થઈ નથી. હકીકત એ છે કે ઉદ્યોગોને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે તેટલું એગ્રીકલ્ચર સેક્ટરને આપવામાં આવતું નથી.

એક ખેડૂત નિષ્ણાંતે કહ્યું હતું કે ઉદ્યોગપતિઓની જેમ ખેડૂતો પણ મૂડીરોકાણ કરી શકે છે. તેમના ઉદ્ધાર માટે બેન્કોની સસ્તી લોનના દરવાજા ખોલી નાંખવા જોઈએ. એગ્રીકલ્ચર સમિટમાં ખેડૂતો, કૃષિ નિષ્ણાંતો તેમજ બેન્કોના પ્રતિનિધિઓને પણ બોલાવવાના થતા હતા. એ ઉપરાંત ટ્રેડ-શોનું જે આયોજન ઉદ્યોગો માટે કર્યું હતું તેવું આયોજન કૃષિ વેપાર માટે થવું જોઈએ.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp