આને સંત કહેવાય? સોખડા હરિધામના એક યુવકને ફટકારાયો, જુઓ વીડિયો

PC: DainikBhaskar.com

સોખડા હરિધામ સ્વામિનારાયણ મંદિર ખાતે કેટલાક સ્વામીઓ દ્વારા એક યુવકને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે યુવકને સ્વામીઓ દ્વારા માર મારવામાં આવતો હતો તે યુવકના પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે, સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ જીવન સ્વામી બે જૂથમાં વહેંચાઈ ગયા છે અને એટલા માટે પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના જે સંતો હતા તેને પ્રબોધ જીવન સ્વામીના જૂથના સેવકને ખોટો આરોપ મૂકીને માર માર્યો છે.. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે કે, મંદિરના સાધુ-સંતો કોઈ યુવકને કઈ રીતે આ પ્રકારે મારી શકે.

જે યુવકને સ્વામીએ માર માર્યો હતો તે યુવકનું નામ અનુજ ચૌહાણ હોવાનું સામે આવ્યું હતું અને આ યુવકે જણાવ્યું હતું કે, તે પાંચ વર્ષથી સોખડા હરિધામ મંદિર સાથે સંકડાયેલો છે અને છેલ્લા 7 મહિનાથી સોખડા હરિધામ મંદિરમાં એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાં સેવક તરીકે સેવા આપે છે.

અનુજે વધુમાં જણાવ્યું કે, 6 જાન્યુઆરીના રોજ સવારે 11:30થી 12:30 વાગ્યા આસપાસ મંદિરના યોગી આશ્રમ આસપાસ કેટલીક બહેનો મોટેથી અવાજ આવી રહ્યો હતો. તેથી હું અને કેટલાક સેવકો આ બહેનો શા માટે અવાજ કરે છે તે જોવા માટે ગયા હતા. અમે ગયા તે પહેલાં જ પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના ચાર સંતો ત્યાં હતા અને ચાર સંતોમાં પ્રભુ પ્રિય સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી અને હરિસ્મરણ સ્વામીનો સમાવેશ થાય છે. તેમણે અમને કહ્યું કે તમે બધા ઓફિસમાં ચાલ્યા જાવ. તેથી અમે લોકો ઓફિસમાં જતાં હતા ત્યારે પ્રભુ પ્રિય સ્વામીએ મને ઊભો રાખ્યો અને કહ્યું કે, શા માટે વીડિયો ઉતારે છે. આટલું કહ્યા બાદ તેઓ મને ધમકાવવા લાગ્યા અને પ્રભુ પ્રિય સ્વામીએ મને ઉભો રાખી મારો મોબાઇલ ચેક કર્યો અને ત્યારબાદ મારો મોબાઇલ લઇ લેવાનો પ્રયાસ કર્યો.

આ ઘટના બાદ પ્રભુ પ્રિય સ્વામીએ મારી બોચી પકડી હતી અને બીજા ત્રણ સંતો દ્વારા મને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ હું જેમ તેમ કરી સંતોથી બચીને મંદિરની ઓફિસમાં ચાલ્યો ગયો હતો અને સંતોએ મને મારમારી મારો મોબાઇલ પણ છીનવી લીધો હતો.

અનુજ નામના સેવકે આક્ષેપ કર્યો છે કે, જ્યારથી હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા ત્યારથી મંદિરનું વાતાવરણ ડહોળાયું છે. પ્રેમ સ્વરૂપ સ્વામીના જૂથના સંતો પ્રબોધ સ્વામી જૂથના સેવકોને મારવાની ધમકીઓ આપી રહ્યા છે. જેથી ઘણા એવા પણ મંદિર છોડીને પણ ચાલ્યા ગયા છે.

તો બીજી તરફ ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું કે, આ ઘટનાનું કારણ ગેરસમજણ છે. અનુજ ચૌહાણ ઘણા સમયથી હરિધામ મંદિરમાં સેવા કરે છે અને આ સેવક કેટલાક દર્શનાર્થીઓનો વીડિયો ઉતારી રહ્યો હતો તેવું કેટલાક સંતોને લાગ્યું હતું. જેથી સંતોએ રેકોર્ડિંગ ડિલીટ કરવા માટે કહ્યું અને અનુજને રેકોર્ડિંગ ડીલીટ કરવાનું કહેતા અનુજે ના પાડી અને ત્યારબાદ સંતોએ અનુજનો મોબાઈલ જોવાનો પ્રયાસ કર્યો હતો અને આ સમયે અનુજ પાસે ઊભા રહેલા એક સંતનો ઉપવસ્ત્ર ખેંચાઈ ગયું હતું. ત્યારબાદ બોલાચાલી થઇ હતી અને અનુજે પણ પોલીસની પૂછપરછમાં એવું કહ્યું છે કે, ગેરસમજના કારણે આ ઘટના બની છે તેથી કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી.

અનુજ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે, મારી સામે આક્ષેપ છે તે પાયાવિહોણા છે અને મંદિર CCTV કેમેરાથી સજ્જ છે. એટલે CCTV કેમેરા ચેક કરવામાં આવે. સંતોની ભૂલ પકડાઈ એટલે મારા પર ખોટો આરોપ લગાવવામાં આવે છે અને હવે મને અને મારા પરિવાર પર જીવનું જોખમ છે. એટલે હવે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp