ગરોળી જોઈ કલેક્ટરે કોંગ્રેસના નેતાઓને ગેટઆઉટ કહી દીધું

PC: Khabarchhe.com

ગરીબો માટે રાજ્ય સરકાર ચોખા આપે છે, તેમાં રાજ્યભરમાં બોગસ રેશન કાર્ડ બનાવીને અબજો રૂપિયાનું કૌભાંડ અધિકારીઓએ કર્યું હોવાની વાત જાહેર થઈ જતાં અધિકારીઓ વાતે વાતે ઉશ્કેરાય જાય છે. રાજકોટ કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાના ટેબલ પર ગરોળી અને ઉંદર મરેલા સસ્તા અનાજના ચોખા રજૂ કર્યા હતા. તેમના ટેબલ પર આવા ગંધ મારતાં અને ઉંદર-ગરોળી મરેલા ચોખા નાંખતાની સાથે જ કલેક્ટર ડો.રાહુલ ગુપ્તા ઉશ્કેલાઈ ગયા હતા અને કોંગ્રેસના જસવંત ભટ્ટીને કહ્યું કે, “રજૂઆત કરવાની આ રીત નથી, તમને આ શોભતું નથી, ગેટ આઉટ. ” કહી દીધું હતું. ત્યારે કોંગ્રેસના નેતાઓએ કલેક્ટર રાહુલને સ્પષ્ટ કહી દીધું હતું કે તમારે સસ્તા અનાજની દુકાન ધરાવતાં ખોડા હાઝા સાગડિયાને ગેટ આઉટ કહીને તેની દુકાનનું લાયસન્સ રદ કરવું જોઈએ.

તમારે સસ્તા અનાજમાં જે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે તે અધિકારીઓને ગેટ આઉટ કહેવું જોઈએ. બોગસ રેશન કાર્ડ આપનાર અધિકારીને ગેટ આઉટ કહેવું જોઈએ. અનાજમાં ધનેડા, ઉંદર, ગરોળી નિકળે ત્યારે તેના માટે જવાબદાર લોકોને ગેટ આઉટ કહેવું જોઈતું હતું. પ્રજાની વાત અમે તમારી સમક્ષ નમૂનો રજૂ કરીને કહી રહ્યા છીએ ત્યારે તમે અમને ગેટ આઉટ કહો છો? માવજી સુરા ચાવડાને આપવામાં આવેલાં ચોખામાં નિકળેલા ઉંદર, ગરોળી અને ધનેડા અંગે તપાસ કરવી જોઈએ. ગરીબ લોકોને આવું અનાજ આપવામાં આવે તેના માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાના બદલે પુરાવા રજૂ કરનારને દબડાવવામાં આવી રહ્યાં છે.

25 લોકોને ગંધ મારતા અને આરોગ્ય માટે હાનિકારક ચોખા કલેક્ટર કચેરીના અધિકારીની બેદરકારીના કારણે આપવામાં આવ્યા હતા. જેમાં 7 લોકોએ તો ચોખામાં ગંધ આવતી હોવાની ફરિયાદ કરી છે. અમરેલી, અમદાવાદ અને સુરતમાં કરોડો રૂપિયાનું અનાજ બોગસ રેશનકાર્ડના કારણે બે પગ વાળા ઉંદર ખાઈ ગયા છે તેની પૂરી તપાસ તો થતી નથી. છેલ્લે કલેક્ટર રાહુલે કહ્યું કે તમે ઉંદર મારીને લાવ્યા નહીં હો તેની શું ખાતરી?

આ અંગે khabarchhe.com સાથે વાત કરતાં કલેક્ટર ડો.રાહુલ ગુપ્તાએ કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકરોનું વર્તન બરાબર ન હતું. તેમને બહાર જવા મેં કહ્યું હતું. તેમણે જે ફરિયાદ કરી હતી તેના દુકાન પર તપાસ કરી હતી. દુકાનદારે પણ કહ્યું હતું કે આવું કંઈ તેમની દુકાને બન્યું નથી. તેમને ત્યાંથી જે અનાજ લઈ ગયા હતા તેવા 7 લોકોની તપાસ કરી તો તેમને પણ કોઈ ફરિયાદ નથી. દુકાનમાં ગંધ આવે છે કે કેમ તે અંગે પણ તપાસ કરી હતી પણ તેમાં કંઈ તથ્ય ન હતું. ખરેખર કારણ એ મળી આવ્યું છે કે, તે દુકાનદારનાં દૂરના સંબંધી છે અને તે અનાજ લેવા ગયા ત્યારે લાઈનમાં તેને ઊભું રહેવું ન હતું. તેથી તેમણે મારી કચેરીમાં આવીને સ્ટંટ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp