ઘૂંટણસમા પાણીમાંથી નીકળી અંતિમયાત્રા, સ્મશાનમાં પણ પાણી ભરાયું

PC: aajkaaldaily.com

સમગ્ર રાજ્યમાં વરસાદને કરાણે જળબંબાકાર સ્થિતિ ઊભી થઈ છે. ચોમાસાના અંતિમ તબક્કામાં પણ મેઘરાજાએ દમદાર મુડ દેખાડતા રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ ગયો છે. દેવભૂમિ દ્વારકામાં પણ ચાર દિવસ સુધી પાણી ન ઓસરતા લોકોને હાલાકી વેઠવી પડી હતી.

ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ગામમાં ભારે વરસાદને કારણે રસ્તા પર નદી વહેતી હોય એવી સ્થિતિ જોવા મળી હતી. હવે તો વરસાદ અટકી ગયો છે પણ અહીંના કેટલાય ગ્રામ્ય પંથકમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા ખેતાખાટલી ગામમાં વરસાદ અટકાયાના 15 દિવસ બાદ પણ પાણી ન ઓસરતા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાલ પંથકમાંથી પસાર થતી ઘેલો અને કાળુભાર નદીના વહેણની આડે મીઠાના અગરના પાળા થઈ જતા આ પાણી આસપાસના ગામમાં ઊતર્યું છે. જેના કારણે પાણી સતત 15 દિવસ સુધી ભરાયેલું પડ્યું હતું. સૌથી કપરી સ્થિતિ તો અંતિમયાત્રાને અહીંથી કાઢતી વખતે થઈ હતી. ઘુંટણસમા ભરાયેલા પાણીમાં અંતિમયાત્રા કાઢવા મજબૂર થવું પડ્યું હતું. બીજી તરફ સ્મશાનમાં પણ પાણીથી તળાવ ભરાયું હોય એવી હાલત થતા સ્થિતિ કપરી થઈ ગઈ હતી. ખેતા ખાટલી ગામના લોકોએ પાણી ભરેલા રસ્તામાંથી અંતિમયાત્રા કાઢી હતી. ગામમાં 70 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું.

અંતે અંતિમ વિસામા સ્થળથી થોડે દૂર લાકડા એકઠા કરીને અંતિમવિધિ કરવામાં આવી હતી. બીજી તરફ જામનગરના લાલપુરમાં વરસી રહેલા વરસાદથી ભરાયેલા પાણી ત્રણ દિવસે ઓસર્યા હતા. લાલપુરમાં મંગળવારે બે કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ થતા અનેક માર્ગ પર પાણી ભરાઈ ગયું હતું. ખાસ કરીને જામનગર જતા હાઈવે પર પાણી ભરાતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો. ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ ગામમાં ત્રણ દિવસ સુધી પાણી ભરાયેલું રહ્યું હતું ત્યાર બાદ પાણીનો નીકાલ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના કિનારા પંથકમાં હજું છૂટો છવાયો વરસાદ પડે એવી શક્યતાઓ સેવાય રહી છે. દરિયામાં સિસ્ટમ સક્રિય થશે તો જરૂર વરસાદ થશે. જોકે, ખેડૂતો હવે વરસાદ ન આવે એ માટે પ્રાર્થના કરી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp