ગુજરાતમાં આ જગ્યાઓએ 2 દિવસ ભારે વરસાદની હવામાનશાસ્ત્રીની આગાહી

PC: khabarchhe.com

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 117% વરસાદ થયો છે, જેમાં 25 જિલ્લાઓમાં 100%થી વધુ વરસાદ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 30 વર્ષમાં આ નવમું વર્ષ છે કે જેમાં 951થી વધુ મી.મી. વરસાદ થયો છે. ગત વર્ષ-2018માં આ સમયે ગુજરાતમાં 76.73% વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 84.43 લાખ હેક્ટર વિસ્તારમાં ખરિફ વાવેતર થયું છે. સરદાર સરોવર ડેમની સપાટી 136.84 મીટર પર પહોંચી છે, તેમ આજે ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વૉચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનર અને સચિવ કે. ડી. કાપડિયાએ જણાવ્યું હતું.

ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જયંત સરકારે જણાવ્યું હતું કે, એન્ટી સાયકલોનિક સર્ક્યુલેશનને પરિણામે આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ વરસાદ થશે. આગામી સંભવિત તા.26 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. સમગ્ર દેશમાં 1 જૂન થી 10 સપ્ટેમ્બર 2019 સુધીમાં ગુજરાતમાં 20% તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ રીજિયનમાં 44% વધુ વરસાદ થયો છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ 3% વધુ વરસાદ થયો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

નર્મદા ડેમની સપાટી વધતા નર્મદાનું વધારાનું પાણી સાબરમતી, બનાસ, પુષ્પાવતી અને રૂપેણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ, ઓલપાડ, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, લુણાવાડા, અને દાહોદમાં 1-1, ભરૂચ અને ગાંધીનગરમાં 2-2 તેમજ વાઘોડિયામાં 4 ટીમ એમ કુલ એનડીઆરએફીની15 ટીમો તહેનાત કરવામાં આવી છે તેમ, રાહત કમિશનરએ ઉમેર્યું હતું. આ બેઠકમાં આરોગ્ય પાણી પુરવઠા, નર્મદા જળ સંપત્તિ, કૃષિ, સિંચાઇ, ઉર્જા સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp