અમદાવાદ રેલવે મંડળે ઓક્સિજનની સુવિધાથી સજ્જ 19 આઈસોલેશન કોચ તૈયાર કર્યા

PC: Divyabhaskar.co.in

મહામારીના કપરા કાળમાં બેડની અછત ઊભી થતા મહાનગરમાં અનેક જગ્યાએ કોવિડ કેર સેન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે. પણ છેલ્લા ત્રણ મહિનાથી ધૂળ ખાતા રેલવેના આઈસોલેશન સેન્ટરમાં અંતે દર્દીઓને હવે એન્ટ્રી મળશે. પશ્ચિમ રેલવે તરફથી બેડને લઈને ભાગીદારી આપવામાં આવી રહી છે. રેલવે તરફથી 19 જેટલા કોચમાં ઑક્સિજનની સુવિધા સાથે કુલ 304 જેટલા કોવિડ માટેના બેડની મોટી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

આ ઉપરાંત, કોચમાં ઠંડક ઊભી કરવા માટે રૂફટોપ તથા વિન્ડોમાં કુલર લગાવી દેવાયા છે. મંડળ રેલ પ્રબંધક અમદાવાદના દીપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે, પડકારજનક આ સમયમાં રેલવે વિભાગ હંમેશાં અગ્રણી રહ્યો છે. સ્થાનિક તંત્રની અપીલ પર ટૂંક સમયમાં આ 19 કોચ તૈયાર કરવામાં આવ્યા છે. 13 કોચ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નં.5 પર તથા અન્ય 6 કોચ ચાંદલોડિયા સ્ટેશનના પ્લેટફોર્મ નં. 2 અને 6 પર મુકવામાં આવ્યા છે. જ્યારે પણ જરૂર પડશે ત્યારે આવા કોચની સંખ્યા વધારી શકાશે. કોચમાં તમામ જીવન જરૂરી સુવિધાઓ આપવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. પ્રત્યેક કોચમાં 8 વૉર્ડ તૈયાર કરાયા છે. જેમાં કુલ 16 દર્દી રહી શકે છે. દરેક વૉર્ડમાં 2 દર્દીઓ માટે ચોક્કસ સુવિધાઓ રહેશે. જ્યારે એક વૉર્ડ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે રહેશે. કોચમાં બે ઑક્સિજન સિલિન્ડર તૈયાર છે. જેના રીફિલિંગ માટેની તમામ વ્યવસ્થાઓ રેલવે તંત્ર કરશે. દરેક વૉર્ડમાં બેડ પાસે બેડશીટ, પિલો કવર, ત્રણ પ્રકારના ડસ્ટબિન તથા સેનિટાઈઝર મળી રહેશે. કોચની બંને બાજુ મચ્છદાનીથી ઢંકાયેલી રહેશે. બાથરૂમમાં પણ જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. દરેક કોચમાં બે ફાયર સેફ્ટી માટેના સાધન છે.

જેથી ઈમરજન્સી સ્થિતિમાં દોડવું ન પડે. સ્થાનિક તંત્ર તરફથી આ રેલવે કોચમાં દર્દીઓને એડમીટ કરવા માટે, દવાઓ માટે તથા મેડિકલ ઈન્સ્ટ્રુમેન્ટ માટે એક ટીમ તૈયાર કરવામાં આવશે. જે અહીં ડ્યૂટી કરશે. રૂફટોપ તથા બારીમાં મુકેલા કુલરમાં સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. જેથીં અંદર ઠંડક જળવાઈ રહે. સાબરમતી વિસ્તારના ધારાસભ્ય તથા અમદાવાદ કોર્પોરેશનના ડે.કમિશનર દીલીપ રાણાએ રેલવેની ટીમ સાથે આ કોચનું નિરિક્ષણ કર્યું હતું. સમગ્ર કોચની જવાબદારી રેલવે વિભાગે અતુલ ત્રિપાઠી તથા AMC તરફથી કિરણ વનાલીયાને સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp