હાઈકોર્ટે AMCનો ઉધડો લીધો, પૂછ્યું- AMC શું છૂપાવવાનો પ્રયાસ કરે છે?

PC: assettype.com

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક સુઓમોટો અરજી થઈ હતી અને હવે આ અરજીની સુનાવણી હાઈકોર્ટમાં શરૂ થઈ છે. અગાઉ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. તો બીજી તરફ આજે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ એસોસિએશન પાસે માગેલા સૂચનો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન ભરૂચની હોસ્પિટલમાં આગની દુર્ઘટના બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી અને જેમાં જાણવા મળ્યું હતું કે જે હોસ્પિટલમાં આગ લાગી હતી તે હોસ્પિટલ પાસે ફાયર વિભાગની NOC ન હતી. તેથી આ બાબતે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખ જ છે ફાયર NOC મામલે આવતા અઠવાડિયામાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટ દ્વારા સરકારને કહેવામાં આવ્યું છે કે, આવા બનાવને રોકવા માટે સરકારે ગંભીરતાથી જોવું જોઈએ.

ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યના ઘણા વિસ્તારમાં સરકારની ગાઇડલાઇનનો અમલીકરણ કરવામાં આવતો નથી. તો બીજી તરફ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી અને માળખાની સુવિધાઓનો અભાવ છે. સાથે RT-PCR ટેસ્ટિંગના માળખાનો પણ રાજ્યમાં અભાવ છે.

ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ એસોસિએશન વતી એડવોકેટ સાલીની મહેતાએ રજૂઆત કરી હતી કે, કોરોનામાં રાજ્યના તાલુકા કક્ષાએ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. ઓક્સિજન અને ICU સાથેની હોસ્પિટલ નથી. તો બીજી બાજુ રાજ્યમાં RT-PCR રિપોર્ટમાં ત્રણથી ચાર દિવસ લોકોને રાહ જોવી પડે છે. આ ઉપરાંત તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે, રાજ્યમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. 1190 મેટ્રિક ટનની સામે કેન્દ્ર સરકાર 975 મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો આપે છે અને ધન્વન્તરી હોસ્પિટલમાં પણ માળખાનો અભાવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં દર્દી તો આવે છે પરંતુ તેમની સંભાળ રાખવા માટે કોઈ નથી.

તો બીજી તરફ એડવોકેટ સાલીની મહેતાએ એવું પણ કહ્યું હતું કે, ધન્વન્તરી હોસ્પિટલની અંદર વોર્ડબોય દ્વારા સારવાર આપવામાં આવે છે. ગઈકાલે બપોરે દર્દીઓને ભોજન સાંજે ચાર વાગે આપવામાં આવ્યું હતું, એવા પણ એક સમાચાર સામે આવ્યા હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં 23 એપ્રિલથી 1,89,000 કોરોનાના RT-PCR ટેસ્ટ કરવામાં આવતા હતા પરંતુ હાલ 1,38,000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હોસ્પિટલની અંદર બેડનો ડેટા રિયલ ટાઇમનો આપવામાં આવતો નથી અને આ બાબતે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મહાનગરપાલિકાનો ઉધડો લીધો હતો અને જણાવ્યું હતું કે, અન્ય કોર્પોરેશન રિયલ ટાઈમ હોસ્પિટલ બેડનો ડેટા આપે છે, તો તમે કેમ નહીં. અમદાવાદ મહાનગરપાલિકા શું છુપાવવાનો પ્રયાસ કરે છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp