વેરાવળમાં યુવતીનું મોત થતા પરિવારજનોએ ડૉક્ટરને માર મારી હોસ્પિટલમાં તોડફોડ કરી

PC: dainikbhaskar.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનલોકમાં લોકોને 1 અને 2 તબક્કામાં છૂટછાટ મળી હોવાથી લોકો એક જગ્યા પરથી બીજી જગ્યા પર વધારે પ્રમાણમાં જઈ રહ્યા હોવાથી પણ કોરાના પોઝીટીવ કેસો વધી રહ્યા છે. લોકોને છૂટછાટ મળ્યા બાદ જે જગ્યા પર કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળતી હતી, તે જગ્યા પર પણ હાલ પોઝિટિવ કેસો વધી રહ્યા છે. સૌપ્રથમ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધારે હતું, ત્યારબાદ હવે સુરતમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે, તો સુરત પછી સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યા ઉપર કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે દર્દીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો ગીર સોમનાથના વેરાવળમાં સામે આવ્યો છે. જેમાં સારવાર દરમિયાન એક યુવતીનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી અને ડૉક્ટરને પણ માર માર્યો હતો.

રિપોર્ટ અનુસાર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં એક યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે વેરાવળ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન યુવતીની સ્થિતિ વધુ ક્રિટિકલ થતા યુવતીનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બાબતે ડૉક્ટરે યુવતીના પરિવારજનોને જાણ કરતા પરિવારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા પરિવારજનોએ કોવિડ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી આટલું જ નહીં હોસ્પિટલની અંદર દર્દીઓની સારવાર કરી રહેલા એક ખાનગી તબીબ સાથે પરિવારના સભ્યોએ મારામારી કરી હતી.

દર્દીના પરિવારના સભ્યો દ્વારા ડૉક્ટરને માર મારવામાં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ડૉક્ટરોએ સમગ્ર મામલે જવાબદાર લોકો સામે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી તમામ લોકોની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ જ્યાં સુધી જવાબદાર લોકોની ધરપકડ ન થાય ત્યાં સુધી હોસ્પિટલમાં સેવા આપવાની પણ ના પાડી છે. આ ઘટનાની જાણ થતાં જ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડૉક્ટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા તબીબો પાસેથી માહિતી મેળવી જવાબદાર લોકોની સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp