ભાજપના પૂર્વ ધારાસભ્યને શોધવા દિલ્હી પોલીસ કેમ અમદાવાદ આવી?

PC: indianexpress.com

ભાજપની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે તેવી થઈ છે. થોડા મહિના પહેલા કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ભાજપની નેતાગીરી સંકોચભરી સ્થિતિમાં આવી ગઈ હતી, આ સમગ્ર ઘટના પાછળ ભાજપના જ એક પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સંડોવાયેલા હોવાની ચર્ચા હતી, જયંતિ ભાનુશાળી આ મામલે તો સલામત બહાર નીકળી ગયા પણ હવે દિલ્હીમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ ખુદ ફસાય છે. દિલ્હીના દ્વારકા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ બાદ ફરાર થઈ ગયેલા છબીલ પટેલને શોધવા માટે દિલ્હી પોલીસ અમદાવાદ આવી છે.

કચ્છના બે કદાવર નેતા જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી લડાઈ પરાકાષ્ટાએ પહોંચી છે. જયંતિ ભાનુશાળી સામે સુરતની યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, યુવતીનો આરોપ હતો કે તે ભાનુશાળી પાસે શિક્ષણમાં મદદ લેવા માટે ગઈ હતી ત્યારે ભાનુશાળી અમદાવાદ એરપોર્ટ પાસેની એક હોટલમાં તેની સાથે દુષ્કર્મ કર્યુ હતું. ભાનુશાળીના નજીકના સૂત્રોના આરોપ પ્રમાણે છબીલ પટેલ દ્વારા શરત મૂકવામાં આવી હતી કે જો ભાનુશાળી કચ્છનું રાજકારણ છોડી દેવા તૈયાર હોય તો આ કેસ પરત ખેંચી શકાય તેવી વ્યવસ્થા કરવાની વાત હતી.

જો કે ત્યાર બાદ ગુજરાત હાઈકોર્ટમાં રહસ્યમય રીતે ભાનુશાળી સામે ફરિયાદ કરનાર યુવતીએ પોતે નોંધાવેલી ફરિયાદ પરત ખેંચવાની તૈયારી બતાડી હતી. આ ઘટના પછી મામલો થાળે પડી ગયો હોવાનું માનવામાં આવી રહ્યુ હતું, પણ થોડા દિવસ પહેલા દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં એક વિધવા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તે મૂળ નડીયાદની વતની છે અને છબીલ પટેલ દ્વારા તેને NGO શરૂ કરવા માટે મદદ કરવાનું વચન આપ્યા બાદ તેને દિલ્હી લઈ જવામાં આવી હતી જયાં તેની સાથે તેની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ ફરિયાદ બાદ પોતાની ઉપરના તમામ આરોપ ફગાવી દેતા છબીલ પટેલે પોતે આ મહિલાને ઓળખતા જ નથી તેવો દાવો કર્યો હતો.

જો કે ત્યાર બાદ છબીલ પટેલ ફરાર થઈ ગયા હતા. આ ઘટના પછી માંડવીના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને શોધવા માટે દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી હતી, પણ છબીલ પટેલનો કોઈ પત્તો નહોતો. દિલ્હી પોલીસની એક ટીમ શનિવારના રોજ અમદાવાદ પહોંચી છે અને તેમણે છબીલ પટેલના એસજી હાઈવે સ્થિતિ બંગલા સહિત તેઓ છૂપાવી શકે તેવા સ્થળે તપાસ શરૂ કરી છે. જો કે આ લખાય છે ત્યાં સુધી દિલ્હી પોલીસ છબીલ પટેલની ભાળ મેળવી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp