26th January selfie contest

રૂપાણી સરકાર કેમ બિઝી છે?

PC: facebook.com/vijayrupanibjp

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત, બિન ગુજરાતીઓનો મુદ્દો તેમજ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટિ એમ કુલ ત્રણ કારણોસર ગુજરાત સરકાર છેલ્લા બે દિવસથી વ્યસ્ત બની છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લા બે દિવસથી તેમના નિવાસસ્થાને અધિકારીઓની સિરીઝ બંધ બેઠકો કરી રહ્યાં છે. સરકારના એજન્ડામાં પરપ્રાંતિય લોકોનો મુદ્દો છે, કેમ કે ઉદ્યોગોમાંથી બીજા રાજ્યોના કારીગરો ઉચાળા ભરી ગયા છે તેમને પાછા લાવવાના છે. સરકારના તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ ઉદ્યોગ જૂથો સાથે બેઠકો કરીને મજદૂરોને પાછા લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરવાનું છે. 3000 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવાનો છે ત્યારે તેના આયોજનની સળંગ બેઠકો ચાલી રહી છે. એ ઉપરાંત રાજ્યના અધિકારીઓના વિદેશ પ્રવાસ પછી તેમના પ્રેઝન્ટેશન શરૂ થયાં છે. દેશના અન્ય રાજ્યોમાં વાયબ્રન્ટ પ્રવાસ યોજવામાં આવી રહ્યાં છે. નક્કી કરેલા ટારેગટને પૂરા કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અધિકારીઓને વધુમાં વધુ MoU સાઇન કરવા વિનંતી કરી રહ્યાં છે.

જાન્યુઆરી મહિનામાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે સરકારે MoUનો ટાર્ગેટ 30 લાખ કરોડ રૂપિયા રાખ્યો છે, પરંતુ વૈશ્વિક મંદીના કારણે ઉદ્યોગજૂથોનો પ્રતિસાદ જોઇએ તેવો મળ્યો નથી, તેથી વધારે પ્રવાસ કરીને અન્ય રાજ્યોના ઉદ્યોગ જૂથોને ગુજરાતમાં આકર્ષવાની કસરત ચાલી રહી છે.

આ ત્રણ મુખ્ય મુદ્દાઓને કારણે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સળંગ બેઠકો યોજવામાં આવી રહી છે. આ બેઠકોમાં CMOના સ્ટાફ સહિત વિવિધ વિભાગોના વડા પણ ઉપસ્થિત રહ્યાં છે. આ બેઠકોનો દોર આવતા સપ્તાહમાં પણ ચાલુ રહેશે તેવું માનવામાં આવે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp