26th January selfie contest

ગુજરાતનું આ શહેર 80 વર્ષથી ભાદરવા સૂદ તેરસે ગૌહત્યાના વિરોધમાં બંધ કેમ પાળે છે?

PC: khabarchhe.com

દેશની આઝાદીની ચળવળ વખતે 1938 સુધી જૈન મુનિ હેમચંદ્રાચાર્યના જન્મ સ્થાન ધંધુકામાં હિન્દુ મુસ્લિમ સહુ એક સાથે મળી સક્રિય હતા. એકતા તોડવા અંગ્રેજ શાસકોના ઈશારે કેટલાક અસામાજિકો એ જળ જીલણી અગીયારસના દિવસે હિન્દુઓની પરંપરાગત રીતે રામ ટેકરી મંદિરથી નિકળતી ભગવાન રામચંદ્રજીની પાલખીમાં ચબુતરા બજાર પાસે 1938માં ધમાલ મચાવી હિન્દુ સમાજની લાગણી દુભાવી કોમી એકતા તોડવાનો પ્રયાસ કર્યો હતો.

છતાં શાંતિ રહી તેથી બીજા દિવસે ગાયનો વધ કરી કેટલાક અંગો ચબુતરા બજાર પાસે નાખી કોમી વાતાવરણ ડહોળી નાખવામાં સફળ થયા હતા. તોફાનો થયા હતા. લોકોની ખુવારી થઈ હતી. અંગ્રોજોને તે જ કરવું હતું. ધંધુકા એકતામાં અકબંધ હતું પણ આ બનાવે એકતા તૂટી અને ધંધુકા ખેદાન મેદાન થવાની તૈયારીમાં હતું.  

ખેલ સમજી ગયેલા ધંધુકા મહાજન અને હિન્દુ મુસ્લિમ બન્ને કોમના તેમજ તાલુકાના સમજદાર શાણા આગેવાનોએ હિન્દુ મુસ્લિમ ભાઇચારો હંમેશ માટે જાળવી રાખવા નક્કી કર્યું હતું.

 ભાદરવા શુદ 13 જે દિવસે ગાયની હત્યા કરવામાં આવેલી તે દિવસે ગામના દરેક લોકો પોતાના ધંધા વ્યવસાય બંધ રાખી એ કાળા દિવસે સ્વયંભૂ હડતાલ રાખે એવું નક્કી કરાયું હતું.

ગૌવધની ધટના 1938ની સાલે બનેલી એ વાત ગુજરાત ના ખ્યાતનામ વકીલ ધંધુકા ના વતની અને આ મામલામાં સક્રીય એવા એહમદમિયા શેખએ તેમના સંસ્મરણો ‘મારી વકીલાત’ જણાવી છે. 1939થી આજસુધી આ પરંપરા ચાલી રહી છે.

 ભાદરવા સુદ 13 ના દિવસે આજે પણ ધંધુકા વાસીઓ ગૌરવભેર સ્વયંભૂ પોતાના ધંધા વ્યવસાય બંધ રાખી એ મનહુશ દિવસ ને ભુલતા નથી તેમ ધંધુકાના ખેડૂત  પુંજાભાઈ ગમારાએ 11-9-19ના  રોજ કહે છે.

શું છે ધંધુકાનો ઇતિહાસ

ધંધુકાનું નામ ધાન અથવા ધાંડ ભાટી મેર અથવા મેહડ, સોનંગ મેહડના તેર દીકરાઓમાંના બીજા દીકરા પરથી પડ્યું હોઈ શકે છે.  જે સિંધમાંથી ગુજરાતમાં આવ્યો હતો. એલેકઝાન્ડર ફાર્બસના પુસ્તક રાસમાળામાં આનું કોઇ ચોક્કસ વર્ષ આપેલું નથી. ધાન મેહડને કોઇ સંતાન નહોતું, એટલે તેણે એભલ વાળાથી બચીને આવેલા 400 બ્રાહ્મણ શરણાર્થીઓને વસવા માટે ગામ આપ્યું હોવાનું માનવામાં આવે છે.  

બીજા મતાનુસાર ધંધુકા સોલંકી વંશના ધાંધીયુ પરથી પડ્યું હોઈ શકે છે. જેણે મૂળરાજ સોલંકીના વંશજની દીકરી સાથે લગ્ન કર્યા હતા.

વંશ

રા’નવઘણ: (ઈ.સ. ૧૦૬૭ થી ૧૦૯૪) એ પોતાના ચાર પુત્રો પૈકી (રાયઘણજી)ને ભડલી (તા. બોટાદ) ની જાગીર આપી રાયઘણજીએ પાતાની ચુડાસમા શાખા ચાલુ રાખી બીજા પુત્ર છત્રસાલજીને સરવાનો ગરાસ મળ્યો હતો તેમના વંશનો સરવા પરથી સરવૈયા કહેવાય છે. ત્રીજા પુત્ર દેવઘણજી અથવા (સવઘણજી) વંશજો ચુડસમા (લાઠીયા) કહેવાયા છે. જ્યારે સૌથી નાના પુત્ર ખેંગાર જૂનાગઢની ગાદીએ બેઠા તેથી તેમના વંશજો રાયજાદા (રાંય (રા’)ના પુત્ર તરીકે ઓળખાય છે.ભડલીના રાયઘણજીના વંશમાં રાયસળજી થયા તે પહેલા જૂનાગઢના કરમજી(ક્રર્મસિંહજી) ને ભાલના રોજકાનો ગરાસ મળ્યો હતો, તેમને ધંધુકા ના મેર સાથે સંઘર્ષ થતા રાયસળજી તેમની મદદે આવ્યા ધંધુકા જીત્યું અને ગોરાસુ ગાદી સ્થાપી હતી.

નાનું ધંધુકા કોનું

નાનો પાંચ પચીસ ઘરનો નેસડો હોય શકે આ પછી ધીમે ધાઇમેં ગામ અને ગામમાંથી નગર તરીકે વિકસિત થયેલું છે એના શાસકમાં સોલંકી કાળ પછી મુસ્લિમ શાસન ગુજરાતમાં આવ્યું ત્યારે સુલ્તાનો અને મુઘલ શાસન વખતે સરદારોને ધોળકા ધંધુકાની લાખો કોડીના વેરા સાથે જાગીર આપવામાં આવતી હતી. એનો સરદાર અમદાવાદમાં રહેતો અને એના માણસો વહીવટ કરતા હતા.

જહાંગીર બાદશાહે ધંધુકાના દેસાઈ સમાજના પૂર્વજોને ધંધુકાની દેસાઈગીરી આપેલી હતી. હાલ મામલતદાર કચેરી છે, ત્યાં અમુક દેસાઈઓના મકાનો હતા. દેસાઈ વાડા ચોરાની બાજુમાં  કમાલુદ્દીન દેસાઈની કચેરીથી વહીવટ ચાલતો જે આજે તૂટી ગઈ છે. જેને કોઈ સાચવતું નથી. તેના અવશેષ બચ્યા છે તે ગયા પછી ધંધુકા અધુરું થઈ જશે. બ્રિટિશ સરકારે ભારત પર કબજો કર્યો ત્યારે વહીવટની તાલુકદારી પદ્ધતિ નાબૂદ કરીને રૈયત વારી પદ્ધતિ એટલે કે મામલતદાર અને કલેક્ટર પદ્ધતિ લાવ્યા એટલે ગુજરાત ના બધા દેસાઈઓની જેમ  દેસાઈ ગિરી પણ નાબૂદ કરવામાં આવી હતી.

વખતે ફક્ત પાટડી અને દસાડા દરબારની જ દેસાઈગીરી ચાલુ રહેલી હતી. પછી હાલમાં જે મામલતદાર ઓફિસ છે, ત્યાં અમુક દેસાઈઓને મકાનો બ્રિટિશે લઈને એમને બીજે વસાવ્યા હતા.

1185માં નવી મામલતદાર કચેરી બનાવી હતી. ધોળી ગામ પાસે કમાલ પૂર ગામ કમાલુદ્દીન દેસાઈના નામ પરથી પડેલા અને કોટડા ગામ કમાલ દેસાઈ પાસેથી ગયેલું હતું.

મોટું ધંધુકા

પહેલાનો બૃહદ્દ ધંધુકા તાલુકો હવે ભાંગીને નાનો થયો છે. હાલ ધંધુકા, બરવાળા અને રાણપુર એમ ત્રણ તાલુકાઓમાં વિભાજીત થયેલો છે.

મહત્વના સ્થળો

ધંધુકામાં પૌરાણીક દરવાજાઓ જેવાં કે મોઢવાડાનો દરવાજો, અમ્બાપુરા દરવાજો વગેરે આવેલા છે. અહીં પ્રાચીન ભવાની વાવ આવેલી છે. જ્યાં વાવમાં ભવાની માના પ્રાચીન મંદિરમાં દર રવિવારે તથા પુનમના દિવસે લોકોની ભીડ જોવા મળે છે. ધંધુકાથી નજીકમાં બાલા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે. રોજકા રોડ ઉપર શર મુબારકની (પીર મહેમુનશાહ બુખારી) દરગાહ શરીફ આવેલી છે.

માનવરત્નો - ખ્યાતનામ વ્યક્તિઓ

ગુજરાતી રાજ્યનાં ભાલપંથક તરીકે ઓળખાતો વિસ્તાર એટલે ધંધુકા તાલુકો. જે અનેક ખમીરવંતા વ્યક્તિઓની જન્મભૂમી અને કર્મભુમી છે. મહાન માનવરત્નો કદાચ તેની પવિત્ર ભૂમિના બળનું જ પરિણામ હોય શકે છે. ગુજરાતી રાજ્યનાં ભાલપંથક તરીકે ઓળખાતો વિસ્તાર એટલે ધંધુકા વિસ્તાર અનેક ખમીરવંતા વ્યક્તિઓની જન્મભૂમી અને કર્મભુમી છે. આ ભૂમિનાં મન સદાય મીઠા છે. વિદેશી સરકાર સામે આઝાદીનું બહારવટું ખેડનાર,રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કરનાર ભારત માતાના આ સપુતનું જન્મસ્થળ એટલે ધંધુકા છે. જેણે નવરત્ન નહીં નવલખા માનવ રત્ન આપેલા છે.

હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થાન

ધંધુકા મહાન જૈન આચાર્ય મુનિ હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ છે તથા સંત પુનિત મહારાજ જેવા મહાન સંત આ ભુમી પર થઈ ગયા છે. જૈન ધર્મના યુગદ્રષ્ટા, “સિદ્ધહેમ” નાં પ્રણેતા હેમચંદ્રાચાર્ય મહારાજની જન્મભુમી રૂપે ધંધુકા સદાય જૈન ધર્મના પવિત્ર સ્થાન તરીકે અંકિત થયેલું છે. 12મી સદીમાં ધંધુકા હેમચંદ્રાચાર્યના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત બન્યું. કુમારપાળે તેમના જન્મસ્થાને મંદિર બનાવ્યું હતું. મુસ્લિમ તેમજ મરાઠા શાસન દરમિયાન ધંધુકા એક નગર બની રહ્યું અને ધોળકા સાથે જોડાયેલું રહ્યું હતું.. ઇ.સ.1802માં ધોળકાની સાથે ધંધુકા બ્રિટિશ શાસન હેઠળ આવ્યું હતું.

સંત પુનિત મહારાજ

પુનિત મહારાજની જન્મભૂમિ અને કર્મભૂમિ ધંધુકા છે. તેઓ નિર્મળ હૃદયી સંતશિરોમણી છે. તેઓ ધંધુકાના હતા. ગુજરાતની પ્રજાને ઉત્તમ ભક્તિનું રસપાન કરાવ્યું હતું. કુરિવાજો સામે લડત આપનારા હતા. જનકલ્યાણ સામયિકનાં આધ્યાસ્થાપક છે. ઈશ્વરની ભક્તિ અને દીનદુ:ખિયાઓની સેવા તેમણે કરી હતી. જે આજે એક પણ સંપ્રદાય પ્રજાની સેવા કરતો નથી. તે મંદિર બનાવવા અને ભોગમાં પડી ગયા છે. સંત પુનિત મહારાજના ભક્તીપદો આજે પણ ગુજરાતના ગામડે ગામડે લોકજીભે ગવાય છે. ધંધુકાના વતની એવા અસંખ્ય પ્રોફેસરો, ન્યાયમૂર્તિઓ હતા.

પહેલા ધારાસભ્ય

ધંધુકાના પહેલા ધારાસભ્ય અને ચુસ્ત ગાંધીવાદી ગુલામ રસુલ કુરેશી ચૂંટાયા હતા. એમનું સમગ્ર કુટુંબ અમદાવાદ ગાંધીઆશ્રમમાં રહેતું હતું. એમના પત્નીની લગ્ન કંકોત્રી મહાત્મા ગાંધીજીએ હાથથી લખેલી હતી. કુરેશીએ ધંધુકાના મકાનો ધંધુકાને પગભર કરવા ખાદી ગ્રામઉદ્યોગ માટે દાન કરેલા હતા. તેમણે આઝાદી વખતે અમદાવાદના ભદ્રાના ઐતિહાસિક કિલ્લા પર સૌથી પ્રથમ ત્રિરંગો લેહરાવેલો હતો. અહીંના ધારાસભ્ય દિલીપ પરીખ ગુજરાતના મુખ્ય પ્રધાન થયા હતા. બાકીના જેટલાં પણ ધારાસભ્યો આવ્યા તે ફઈબા હતા. તેઓએ ધંધુકા માટે કંઈ કર્યું નથી.

ન્યાયાધીશ ધંધુકાના

ધંધુકાના દેશભક્ત ન્યાયાધીશ થઈ ગયા છે. ગુજરાતના પત્રકાર અને સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી ઉપર ફુલછાબ સમાચારપત્રમાં એક કાર્ટૂન ક્યાં દેખો દર્પણ માટે ઉશ્કેરણીનો કેસ બ્રિટિશ સરકારે કરેલો હતો. એમાં અમદાવાદના ચીફ સિટી મેજિસ્ટ્રેટે કે જે ધંધુકાના સુલેમાન દેસાઈ હતા. તેમણે બ્રિટિશ સરકારનું મેઘાણીને સજા કરવા માટે દબાણ કરેલું છતાં નિર્દોષ જાહેર કરીને બ્રિટીશ સરકારના પડકાર આપ્યો હતો.

વીર ઘેલશા

ધંધુકા તાલુકાના બરવાળા ગામના ખમીરવંતા, બહાદુર અને વહીવટદાર એવા વણીકપુત્ર વીર ઘેલશાની કર્મભુમી છે. વીર ઘેલશા એટલે બહાદુરી અને આદર્શ રાજવી હતા. “સૌરાષ્ટ્રની રસધાર” માં રાષ્ટ્રીય કવિ  ઝવેરચંદ મેઘાણીએ વીર ઘેલશાની બહાદુરીને આલેખી છે.

ડૉ. પોપટલાલ આણંદજીવાળા એ તાલુકાની દિન અને કચડાયેલી પ્રજાની સેવા કરી હતી. ગાંધીપુત્ર તરીકે સાદું જીવન જીવી રાષ્ટ્રની અમૂલ્ય સેવા કરી હતી.

ધંધુકાના પ્રભુદાસ પટવારીએ રવિશંકર મહારાજ પ્રેરિત ગુજરાત સેવા સમિતિનું સફળતાપૂર્વક સંચાલન કરી, નશાબંધી અને જનસેવાનું કર્યા કરનાર નીડર, ગાંધીવાદી અને પ્રભુદાસ કાકા ધંધુકાના હતા. તેમને ભારત સરકારે તામિલનાડુના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા.

મેઘાણી

રાષ્ટ્રીય શાયર કવિ ઝવેરચંદ મેઘાણીના “જન્મભૂમી” પત્ર વડે આઝાદી આંદોલનનો પુષ્પ કરનાર, નવું પ્રેરણાબળ આપી તાલુકાની ધરતીને પવિત્રતા બક્ષી છે.

પ્રથમ ને માત્ર એક આઈસીએસ અધિકારી

ધંધુકાના એક ICS જગમોહન મેહતા પણ ધંધુકાના હતા. બ્રટિશ સરકારમાં તેઓ ટોચના અધિકારી તરીકે હતા.

 જીવાભાઈ પટેલ કૃષિ વિજ્ઞાની

ભલગામડા ગામના વાતની જીવરાજભાઈ પટેલે ખોડીયાર મંદિર ગામે સુરેન્દ્રબાગમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કરી, સૌ પ્રથમ વખત ‘સડા વગરના બોર’ પકાવી, કૃષિ પંડિતનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. તેમના ત્રણ પુત્રો આંતરરાષ્ટ્રીય વ્યક્તિત્વ ધરાવે છે. સૌથી મોટા પુત્ર ડૉ. સુરેન્દ્રભાઈ પટેલ ઇકોનોમિક્સમાં Ph.D પદવી પ્રાપ્ત કરી યુનોમાં સેક્રેટરીએટ કક્ષાની સેવા આપી ચુક્યા છે. તેમના બીજા પુત્ર સ્વ.ડૉ. વિઠ્ઠલભાઈ પટેલ સિવિલ ઈજનેરીમાં Ph.D પાદવી જર્મનીમાંથી પ્રાપ્ત કરી, ભારતમાં કૃષિ ક્ષેત્રે ઉંચી નામના મેળવી છે. સૌથી નાના પુત્ર ડૉ. વલ્લભભાઈ પટેલ પણ જર્મનીમાં એફ.આર.સિ.એસ. ની પદવી પ્રાપ્ત કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુરોલોજીનાં નિષ્ણાંત ગણાય છે.

ધંધુકાના અન્ય રત્નો

ચુસ્ત સામ્યવાદી તલાટ ભાઈજી બિરાદર જે ગનીભાઇ તલાટ ના કાકા હતા.

બમુ સાફરી બંગલે ૩ બ્રટિશ ના કહું કરનાર મોહમેદ મેરામ હતા.

અમદાવાદના બ્રિટિશ વખતના પોલીસ કમિશનર ખાનબહાદુર ઇસ્માઇલ દેસાઈ ધંધુકાના હતા.

ધંધુકામાં કોલેજ બનાવનાર કીકાણી પરિવાર જે કોઇમ્બતુરમાં ટેક્સટાઇલ મિલો ધરાવે છે.

સુરતમાં પવરલુમ્સના રાજા અને 1965માં ઉધના રેયોન એસોસિએશનના પ્રમુખ શેઠ ઇસ્માઇલ દેસાઈ ધંધુકાના હતા.

ધંધુકા નજીકના 5 હજાર વર્ષ પૂરાણા શહેર – બંદર લોથલના પુરાતન સ્થળનું ખોદકામ જેમણા હસ્તક શરૂ થયું હતું કે તે ભારતના પુરાતત્વ ખાતાના વડા ડો ઝિયાઉદ્દીન દેસાઈ ધંધુકાના હતા. જેઓ ઇન્ડિયન હિસ્ટોરિકલ કોંગ્રેસ મળે ત્યારે તેના અધ્યક્ષ હતા. ૨૨ કી.મી. દુર આવેલું ધોલેરા ગામ જે જુના વખત માં મોટું બંદર હતું.

કલાના ક્ષેત્રે વોઇસ ઓફ રફી બંકિમ પાઠક પણ ધંધુકાના હતા.

 જવામર્દ ક્રાંતિવીર ભાઈજીભાઈ તલાટ યુવકો માટે પ્રેરણારૂપ વ્યક્તિ હતા.

લોકનાટ્યકાર પુષ્કર ચંદરાવકર(મુ.ચંદરવા),

જાણીતા કવિ માધવ રામાનુજ (મુ. પચ્છમ),

નવલકથાકાર જોરાવરસિંહ જાદવ (આકરૂ),

દિલીપ રાણપુરા (રાણપુર),

વાડીલાલ ડગલી (રોજીદ) જે

સુરતનાં ૨૦૦૦માં પૂર્વ મેયર ભીખાભાઈ બોધરા, પીપરીયાના વતની છે.

ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નટવરલાલ શાહ

ઘેટા અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ પુંજાભાઈ ગમારા

ડૉ ગોરધનભાઈ ગોપાળભાઈ દિયોરા (પીપરીયા) ડેટ્રોઈટ (U.S.A) સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ સ્થાન હતા.

પ્રથમ ગુજરાતી પુરુષનર્તક મધુભાઈ ભીમજીભાઈ શેટા (ભલગામડા) હાલ વડોદરા ભરતનાટ્યમ સંસ્થા ચલાવે છે. સંગીત, નૃત્ય એકેડમી એવોર્ડ (ગાંધીનગર) તથા એશીયાર-૮૨ એવોર્ડ (દિલ્હી) તથા અનેક એવોર્ડ મળેલા છે.

સારંગપુરના કષ્ટભંજન હનુમાનજી નું સુપ્રસિદ્ધ યાત્રાધામ જે લાખો લોકોની પીડા હરનાર શ્રદ્ધાકેન્દ્ર છે. સ્વામીનારાયણ સંપ્રદાયના શિખરબંધ મંદિરો આ સ્થળે છે.

લીલકા નદીના કાંઠે પૌરાણિક જાળનાં વૃક્ષ છે.

મોટા ભાગની નીપજો દવાઓ અને વિલાયતી ખાતરોથી મુક્ત હોય છે. તાલુકાનો ભાલપ્રદેશ એટલે સાશીયા ઘઉં અને ચણા ની પેદાશ આપતો સમતલ પ્રદેશ.

સંકલન – દિલીપ પટેલ, પત્રકાર, અમદાવાદ

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp