26th January selfie contest

શું બધા જ મંત્રીઓ બદલી નાંખવામાં આવશે? શું કારણ હોઇ શકે?

PC: indianexpress.com

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં બધા જ મંત્રીઓ નવા આવશે તેવી વાત છે. બધા જ જૂના જોગીઓની બાદબાકી કરીને મોટો આંચકો આપવામાં આવી શકે છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટા ફેરફારો કરવાનું કારણ શું? બીજો સવાલ એ છે કે આમ કરવાથી શું અસર પડશે? મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે 16 સપ્ટેમ્બરે બપોરે શપથવિધિ યોજાશે.

આ અગાઉ બુધવારે સવારે તમામ જૂના મંત્રીઓ પાસે તેમની ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી છે. એટલે એક વાત નક્કી છે કે તેઓ ફરીથી મંત્રી નહીં બને. 14 સપ્ટેમ્બરે જ તમામ ધારાસભ્યોને 15 તારીખે સવારે ગાંધીનગર પહોંચવા જણાવાયું હતું. શપથવિધિ બપોરે યોજવાની તૈયારી પણ કરાઇ પરંતુ અચાનક રદ કરી દેવાઇ. હવે તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રહેવાની સૂચના અપાઇ છે. એટલે નો રીપીટેશન અપનાવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 

બધા મંત્રીઓ બદલી નાંખવા પાછળ ભાજપનો એ તર્ક હોઇ શકે કે આનાથી નવા લોકોની લીડરશીપ ડેવલપ થશે. યુવાન લોકોને તક મળશે. જ્યારે જાણકારો કહે છે કે છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યોમાં ખૂબ જ અસંતોષ હતો. બોર્ડ નિગમોમાં પણ નિમણૂકો કરાતી ન હતી. મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવતું ન હતું. એટલે હવે જે લોકો નાખુશ હતા તેમને ખુશ કરી દેવાયા છે. પરંતુ અહીં એવો સવાલ પણ ઊભો થાય છે કે શું આખી ભાજપની સરકાર ફેઇલ ગઇ કે બધા મંત્રીઓ ફેઇલ ગયા? કારણ કે સામાન્ય રીતે મંત્રીમંડળમાં ફેરફારો થતા હોય ત્યારે જે નેતાઓનું પરફોરમન્સ સારૂ ન હોય તેમને બદલી નાંખવામાં આવે છે. પરંતુ અહીં તો બધા જ બદલી નાંખવાની વાત છે.

જો રાજકારણની વાત કરીએ તો એન્ટી ઇન્કમબન્સી દૂર કરવા માટે આ પગલું લેવાયું હોઇ શકે. કોરોનાકાળમાં મોટાભાગના મંત્રીઓ લોકો માટે કામ કરવા બહાર નીકળ્યા ન હોવાની બૂમ પડી હતી. તેમની સામે લોકોનો રોષ હોય. જો નવા લોકોને મંત્રી બનાવાય તો તે રોષનો કેટલેક અંશે ખાળી શકાય છે. એટલે આ પણ એક કારણ હોઇ શકે છે.

શું અસર પડશે?

જો અનુભવી નેતાઓ કે જેમને ધારાસભા અને સરકાર ચલાવવાનો અનુભવ છે તેમને સરકારમાંથી દૂર કરી દેવામાં આવે તો સરકાર ચલાવશે કોણ? શું નવા લોકોને કઇ રીતે નિર્ણયો લેવાય અને તેની અસરો અંગેની જાણકારી ખરી? પછી અધિકારીઓનું રાજ આવી જશે. કારણ બિનઅનુભવી લોકો જો સરકારમાં હશે તો અધિકારીઓના ભરોસે જ રાજ ચલાવવું પડશે. આમ પણ વિજય રૂપાણી સરકાર પર પણ એક આરોપ એ હતો કે અધિકારી રાજ ચાલી રહ્યું છે. હવે તો સંપૂર્ણ અધિકારી રાજ જ થઇ જશે. લોકોએ જેમને ચૂંટણીને મોકલ્યા છે તેમને બદલે અધિકારીઓ રાજ કરશે જેમને લોકો કોઇ સવાલ કરી શકે નહીં.

ભાજપનો આ પ્રયોગ કેટલો સફળ રહેશે?

જો આવું થાય તો કહેવાશે કે ભાજપે આ એક મોટો પ્રયોગ કર્યો છે. જેની અસર શું થશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. કદાચ એવું પણ હોય કે હવે માત્ર 15 મહિના જેટલા જ સમય છે. ત્યારપછી ચૂંટણી છે. એટલે આખું વર્ષ તો ચૂંટણી તૈયારીઓમાં જ નીકળી જવાનું છે. એટલે એક રીતે વહીવટનો મોટો સવાલ આવતો નથી. આવું કરવાથી લાંબા સમયથી જેમને મંત્રી બનવા નથી મળ્યું તે બની જશે. આગામી ચૂંટણીમાં તેમને ટિકિટ મળે કે ન મળે તેઓ પૂર્વ મંત્રી તો લખાવી જ શકશે. આ ઉપરાંત જે નવા મંત્રીઓ એક વર્ષમાં સારૂ કામ કરશે તેમને ફરી નવી સરકારમાં જગ્યા મળી શકશે. કદાચ એવું પણ થાય કે વહેલી ચૂંટણી જાહેર કરી દેવામાં આવે. નવા મંત્રીઓને થોડો જ સમય સત્તા ભોગવવા મળે. પરંતુ આવું કર્યા પછી તરત જ જો ચૂંટણી જાહેર થાય તો જીતવાની શક્યતા વધી જાય, તેવી ગણતરી ભાજપની હોઇ શકે. 

જોકે, હજુ એક દિવસનો સમય છે. હકીકત તો 16 સપ્ટેમ્બરની બપોરે જ ખબર પડી શકશે. જો વધારે અસંતોષ હોય તો નો રીપીટેશન પડતું પણ મૂકી શકાય. એક એવી વાત પણ ચર્ચામાં આવી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શપથવિધિમાં હાજર રહેશે પરંતુ તે ખોટી સાબિત થઇ હતી. વડાપ્રધાન શપથવિધિમાં નથી આવવાના. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp