Zomatoને 8.57 કરોડ GST ભરવાની નોટિસ મળી, ગુજરાતના સ્ટેટ ટેક્સ ડિર્પાટમેન્ટે આપી
ફુડ ડિલીવરી કંપની Zomatoને 8.57 કરોડથી વધારે GST ભરવાનો ઓર્ડર મળ્યો છે. ગુજરાત સ્ટેટ ટેક્સના ડેપ્યુટી કમિશ્નરે નાણાકીય વર્ષ 2018-2019ના સંબંધમાં આ ઓર્ડર જારી કર્યો છે.
Zomatoએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું કે ઓર્ડરમાં કંપનીને 4,11,68,604 રૂપિયાનો GST ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે તેને 4,04,42,232 રૂપિયાનું વ્યાજ અને 41,66,860 રૂપિયાનો દંડ ભરવાનું પણ કહેવામાં આવ્યું છે. કુલ રકમ 8,57,77,696 રૂપિયા છે. આ આદેશ GST રિટર્ન અને એકાઉન્ટ્સના ઓડિટ બાદ આવ્યો છે.
Zomatoએ કહ્યું કે GST ઓર્ડર CGST એક્ટ 2017 અને GGST એક્ટ 2017ની કલમ 73 હેઠળ જારી કરવામાં આવ્યો છે. ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે, ઓડિટ કરતી વખતે ખબર પડી કે કંપનીએ વધારાના ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવ્યો અને GSTની ઓછી ચૂકવણી કરી છે. જેના કારણે આ GST આદેશ જારી કરવામાં આવ્યો છે.
Zomatoનું કહેવું છે કે કારણ દર્શક નોટિસના જવાબમાં તેણે સંબંધિત દસ્તાવેજો, પરિપત્રો વગેરે સાથે તમામ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી હતી. પરંતુ એવું લાગે છે કે અધિકારીઓએ આદેશો પસાર કરતી વખતે તેમને સંપૂર્ણ રીતે ધ્યાનમાં લીધા ન હતા. Zomatoએ વધુમાં કહ્યું કે તે આ આદેશને યોગ્ય અધિકારીઓ સમક્ષ પડકારશે.
Zomatoનો શેર શુક્રવારે,15 માર્ચના દિવસે 4.68 ટકાના વધારા સાથે રૂ. 159.90 પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ 1.39 લાખ કરોડ રૂપિયા છે. શેરે છેલ્લા એક વર્ષમાં તેના રોકાણકારોને 191.26 ટકા વળતર આપ્યું છે.
Zomato 8 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2023-24નાઓક્ટોબર-ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા હતા. આ સમયગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 138 કરોડ હતો.
ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીને 346.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપનીના ચોખ્ખા નફામાં કર્વાટર ટૂ કર્વાટર ત્રિમાસિક ધોરણે 283 ટકાનો વધારો થયો છે. કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 36 કરોડનો નફો નોંધાવ્યો હતો.
ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીન કોન્સોલિડેટેડ રેવેન્યૂ પણ વાર્ષિક ધોરણે 69 ટકા વધીને રૂ. 3,288 કરોડ થઈ છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં, કંપનીએ રૂ. 1,948 કરોડની આવક ઊભી કરી હતી.
Zomato એ ભારતીય ફૂડ ડિલિવરી વેબસાઇટ છે, જે 2008 માં શરૂ કરવામાં આવી હતી. તેના સ્થાપક દીપેન્દ્ર ગોયલ અને પંકજ ચઢ્ઢા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp